<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th September 2026

રેલનગરમાં મધરાત્રે પાડોશીની બે કારો સળગાવનાર હાર્દિક પોપટના જામીન રદ કરવા અને કડક પગલા લેવા વાણંદ સમાજની રજુઆત

રાજકોટ તા.૨૮: તાજેતરમાં રેલનગર વિસ્‍તારમાં આવેલ દ્રારિકા વિલેજમા રહેતા વિશાલ ચંદુભાઇ હિરાણી (ઉ.વ.૩૮)ની એપાર્ટમેન્‍ટના પાર્કિંગમાં પડેલી કારમાં તોડફોડ કરી આગ ચાંપી દેવાની ગંભીર ઘટનામાં સંડોવાયેલા આ જ એપાર્ટમેન્‍ટમાં રહેતા હાર્દિક મહેશકુમાર પોપટના જામીન રદ થાય અને ફરીયાદીના પરિવારની સલામતીને ધ્‍યાને રાખી કડક કાયદાકીય પગલા અને સુરક્ષા પુરી પાડવાની માંગણી આજે વાણંદ સેવા સમાજ દ્વારા પોલીસ કમિશનર કચેરીએ મોટી સંખ્‍યામાં એકત્ર થઇ કરવામાં આવી હતી.

રજુઆતમાં જણાવાયુ છે કે,  હું ઉપર જણાવેલ સરનામે મારી પત્‍ની રૂજુતાબેન તથા મારા બે સગીર બાળકો (ધ્રુવિલ ઉ.વ. ૧૨ તથા નક્ષ ઉ.વ. ૮) સાથે રહું છું; અમારા જ બિલ્‍ડીંગમાં ફ્‌લેટ નં. એ-૨૦૪ માં રહેતો આરોપી હાર્દિકભાઈ મહેશકુમાર પોપટ અવારનવાર મારી પત્‍નીની માનસિક અને શારીરિક છેડતી કરતો હતો. આ બાબતે આશરે બે મહિના પહેલાં મેં પ્રધ્‍યુમનનગર પોલીસ સ્‍ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પરંતુ તે સમયે કોઈ નક્કર કડક પગલાં ન લેવાતા આરોપીનો ઉત્‍સાહ વધતો રહ્યો હતો.

અગાઉની પોલીસ ફરિયાદનો ખાર રાખીને આરોપી હાર્દિકભાઈ મહેશકુમાર પોપટ નાઓએ તા. ૨૫/૦૯/૨૦૨૬ ના રોજ રાત્રીના આશરે ૦૨:૩૦ વાગ્‍યે બિલ્‍ડીંગના પાર્કિંગમાં પાર્ક કરેલી અમારી ગાડીઓ પર કોઈ જ્‍વલનશીલ પ્રવાહી છાંટીને દીવાસળી ચાંપી આગ લગાડી દીધી હતી.જેમાં  હ્યુડાઈ કંપની ઓરા કાર (રજી. નં. જીજે-૦૩-એનએફ-૬૩૦૭, ૨૦૨૩ મોડલ, કિંમત રૂ. ૬.૦૦,૦૦૦/-), હ્યુડાઈ કંપની ઓરા કાર (રજી. નં. જીજે-૦૩-એલએમ-૭૧૫૦, ૨૦૨૦ મોડલ, કિંમત રૂ. ૫,૦૦,૦૦૦/-) આમ, આરોપીએ કુલ રૂ. ૧૧,૦૦,૦૦૦/- ની મિલકતનું નુકસાન કરેલ છે. આ સમગ્ર કળત્‍ય સોસાયટીના સી.સી.ટી.વી. કેમેરામાં સ્‍પષ્ટ રીતે કેદ થઇ ગયા હતા. (ફોટોઃ સંદિપ બગથરીયા)

(2:25 PM IST)