<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 3rd September 2026

કામેથી ઘરે જઇ રહેલા શાપરના બબલૂનું ટીલાળા ચોકડીએ વાહન અકસ્‍માતમાં મોત

બાઇક સ્‍લીપ થયું કે કોઇ વાહનની ઠોકરે ચડયું તે અંગે તપાસઃ મુળ એમપીની યુવાન છત ભરાઇની મજુરી કરતો હતોઃ નવજાત દિકરી સહિત બે સંતાને પિતાની છત્રછાંયા ગુમાવી

રાજકોટ તા. ૩: મવડીથી પાળ ગામ જવાના રસ્‍તે ટીલાળા ચોકડી નજીક રાત્રીના વાહન અકસ્‍માત સર્જાતા શાપર રહી મજૂરી કરતાં મધ્‍યપ્રદેશના યુવાનનું મોત થયું છે. આને કારણે તેની નવજાત દિકરી સહિત બે  બે બાળકોએ પિતાની છત્રછાંયા ગુમાવી દીધી છે. પોતે કામની સાઇટ પરથી રાતે ઘરે જતો હતો ત્‍યારે બનાવ બન્‍યો હતો.

જાણવા મળ્‍યા મુજબ શાપરમાં સરકારી દવાખાના નજીક છાપરૂ બાંધીને પરિવાર સાથે રહેતો બબલૂ ઉર્ફે બાબૂ ભીમજીભાઇ ભાભોર (ઉ.વ.૩૫) નામનો યુવાન રાતે બાઇક હંકારીને જતો હતો ત્‍યારે શાપર નજીક ટીલાળા ચોકડી પાસે અકસ્‍માત નડતાં  ગંભીર ઇજા થઇ હતી. બનાવને પગલે લોકો ભેગા થઇ જતાં તેને સારવાર માટે ૧૦૮ મારફત રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ મૃત્‍યુ થયું હતું.

હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે જાણ કરતાં શાપર પોલીસે રાજકોટ પહોંચી કાર્યવાહી કરી હતી. મૃત્‍યુ પામનાર બબલૂ મુળ એમપી જાંબુવાનો વતની હતો. તે ચાર ભાઇ અને ત્રણ બહેનમાં ત્રીજો હતો. તે પત્‍નિ, સંતાનો સાથે શાપરમાં રહી છત ભરાઇ સહિતની મજૂરી કરતો હતો.  તે રાતે કામની સાઇટ પરથી કામ પુરુ કરી બાઇક લઇને શાપર ઘરે નીકળ્‍યો ત્‍યારે અકસ્‍માત નડયો હતો. બાઇક સ્‍લીપ થઇ ગયું કે કોઇ વાહનની ઠોકરે ચડયું તેની તપાસ પોલીસે હાથ ધરી છે

(11:21 AM IST)