તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 7th October 2026
ભગવતીપરામાં હત્યા કરવા નીકળેલા ૪ને બી-ડિવીઝન પોલીસે હથીયારો સાથે દબોચ્યા
રાજકોટમાં વધુ એક લોથ ઢળતી અટકી : જુની અદાવતમાં ગોૈરવ ઉર્ફે ગોૈરાંગ બાવાજીને ઢાળી દેવાના ઇરાદે તલવાર, પતરામાંથી બનાવેલ તિક્ષ્ણ હથીયાર, છરી સાથે નીકળી પડયા હતાં : ડીસીપી હેતલ પટેલ, એસીપી વી. બી. જાડેજાની રાહબરીમાં ઇન્ચાર્જ પીઆઇ એ. એન. જાની, પીએસઆઇ એન. આર. ડોબરીયાની ટીમે હેડકોન્સ. ક્રિપાલસિંહ જાડેજાની બાતમીને આધારે કારસો નાકામ બનાવ્યોઃ સિકંદર રાઉમા, પ્રહલાદસિંહ જાડેજા, નવાજ મુલતાની અને સમીર શાહમદારની ધરપકડ

રાજકોટ તા. ૭: શહેરમાં નાની નાની વાતે લોકો હુમલો કરી દેતાં હોવાની ઘટનાઓ અવાર-નવાર બનતી રહે છે. દરમિયાન જુની અદાવતને કારણે ભગવતીપરામાં ચાર શખ્સો રાત્રીના ઘાતક હથીયારો સાથે નીકળી પડયા હતાં. જો કે ચારેય શખ્સો જેને મારવાનો હતો એને શોધે એ પહેલા બી-ડિવીઝન પોલીસની ટીમે બાતમીને આધારે દબોચી લઇ લોહીયાળ હત્યાની ઘટના બનતી અટકાવી હતી.
જાણવા મળ્યા મુજબ બી-ડિવીઝન પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં કાયદો વ્યવસ્થા જળવાઇ રહે તે માટે નાઇટ પેટ્રોલીંગ કડક રીતે કરવા પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી ચૈતન્ય માંડલિક, ડીસીપી હેતલ પટેલ, એસીપી વી. બી. જાડેજાએ સુચના આપી હોઇ ઇન્ચાર્જ પીઆઇ એ. એન. જાનીની સુચનાથી ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે હેડકોન્સ. ક્રિપાલસિંહ નરપતસિંહ જાડેજાને બાતમી મળી હતી કે ભગવતીપરામાં રહેતાં ગોૈરાંગ ઉર્ફે ગવલો અરવિંદભાઇ બાવાજી અને સિકંદર હારૂનભાઇ રાઉમા વચ્ચે માથાકુટ ચાલી હોઇ જુની અદાવતનો ખાર રાખી સિકંદર તેના બીજા ત્રણ મિત્રોને સાથે રાખી ઘાતક હથીયારો ધારણ કરી ગોૈરાંગ ઉર્ફે ગવલાને મારી નાખવાના ઇરાદા સાથે શોધી રહ્યા છે.
આ બાતમીના આધારે કોઈ અનિચ્છનીય બનાવ બને તે પહેલાં જ પોલીસ ટીમ તાત્કાલિક ભગવતીપરા વિસ્તારમાં પહોંચી હતી. ભગવતીપરા આશાબાપીરની દરગાહ વાળા મેઇન રોડ પર ગુલાબભાઇ ડિસવાળાની દુકાન પાસે ચોકમાં જાહેર રસ્તા પર ચાર શખ્સો હાથમાં હથિયારો સાથે નજરે પડ્યા હતા. પોલીસે તુરંત ચારેયને કોર્ડન કરી લીધા હતા. જેમાં એક સિકંદર હારૂનભાઇ રાઉમા (ઉં.વ. ૩૧, ધંધો-ટ્રક ડ્રાઇવિંગ, રહે. ભગવતીપરા આશાબાપીર મેઇન રોડ, રાધે કળષ્ણ મંદિરની પાછળ)ની પાછળ હતો. તેની સાથેના શખ્સોએ પોતાના નામ પ્રહલાદસિંહ બહાદુરસિંહ જાડેજા (ઉં.વ. ૨૩, ધંધોઃ ઇમિટેશન મજૂરી, રહે. ભગવતીપરા શ્રમજીવી સોસાયટી શેરી નં. ૫), નવાજ સલીમભાઇ મુલતાની (ઉ.વ. ૨૪, ધંધો-ટ્રક ડ્રાઇવિંગ, રહે. ભગવતીપરા શેરી નં. ૯, દશામાના મંદિર પાસે), સમીર ફીરોઝભાઇ શાહમદાર (ઉં.વ. ૨૬, ધંધો-મજૂરી, રહે. ભગવતીપરા નંબર ૧૦, ગુલાબભાઈ ડિસવાળાની દુકાન પાસે) જણાવ્યા હતાં.
પોલીસે તપાસ કરતા સિકંદર રાઉમાના હાથમાંથી સ્ટીલની તલવાર મળી આવી હતી, જેના પર ઉર્દૂમાં લખાણ લખેલું હતું. આ તલવાર એક બાજુ ધારવાળી, છેડેથી બે તીક્ષ્ણ ભાગ ધરાવતી અને લાકડાના હાથો ધરાવતી હતી. પ્રહલાદસિંહ જાડેજાના હાથમાંથી પણ આવી જ એક બાજુ ધારવાળી અને બે તીક્ષ્ણ છેડા વાળી લાકડાના હાથાવાળી સ્ટીલની તલવાર મળી આવી હતી. તેમજ નવાજ મુલતાની પાસેથી લાકડાના હાથાવાળી યુ-આકારનો ધારદાર ભાગ ધરાવતી ફરસી ટાઇપની છરી મળી આવી હતી. તેમજ જ્યારે સમીર શાહમદારના હાથમાંથી પોણા ફૂટ લંબાઇની લોખંડની પ્લેટમાંથી બનાવેલ તીક્ષ્ણ હથિયાર મળી આવ્યું હતું.
ચારેય શખસા સામે ગુનો નોંધી હથીયારો કબ્જે કરી ધરપકડ કરી હતી. પોલીસની પુછતાછમાં સિકંદરે કબુલ્યું હતું કે અગાઉ તેને ગોૈરાંગના મિત્ર સાથે મારામારી થઇ હતી. એ પછી તેના ભાઇના ગોૈરાંગ ઉર્ફ ગવલાએ પગ ભાંગી નાંખ્યા હતાં. એક વર્ષથી માથાકુટ ચાલી રહી હોઇ મનદુઃખ ચાલતું હોઇ જેથી પોતે અને સાગ્રીત એવા ત્રણ શખ્સો હથીયારો ધારણ કરી ગોૈરાંગ ઉર્ફે ગવલાને શોધીને મારી નાંખવાના ઇરાદા સાથે જ નીકળ્યા હતાં.
જો કે આ ચારેય હત્યાકાંડને અંજામ આપે એ પહેલા પકડાઇ ગયા હતાં. ઇન્ચાર્જ પીઆઇ એ. એન. જાની, પીએસઆઇ એન. આર. ડોબરીયા, હેડકોન્સ. ક્રિપાલસિંહ જાડેજા, નરેશભાઇ ચાવડા, મેહુલભાઇ પંડયા, મહેશભાઇ કછોટ, કોન્સ. અજીતસિંહ પરમાર, જગદીશભાઇ વાંક, જગમાલભાઇ જાદવ અને સુખદેવભાઇ દાંતીએ આ કામગીરી કરી હતી.
(2:49 PM IST)










