News of Monday, 22nd June 2026
લાલપરી તળાવને કચરામુકત કરવા તંત્ર એકશનમાં: નેહલ શૂકલની બે દિવસમાં સફાઇની ખાતરી
ત્રણ મહિના પહેલા સાફ કરેલું લાલપરી તળાવ ફરી કચરાથી ભરાયું, વોલન્ટિયર્સમાં ભારે રોષ

રાજકોટઃ વિશ્વ યોગ દિવસ નિમિત્તે ક્લીનઅપ ગ્રુપ રાજકોટ દ્વારા વહેલી સવારે યોગ કાર્યક્રમ સાથે લાલપરી લેક ખાતે સ્વચ્છતા અભિયાન યોજાયું હતું. અભિયાન દરમિયાન લેકમાં ફેલાયેલો ભારે પ્રમાણમાં કચરો અને ખાસ કરીને ઇન્ડસ્ટ્રિયલ વેસ્ટ જોવા મળતાં ક્લીનઅપ ગ્રુપના વોલન્ટિયર્સમાં રોષ ફેલાયો હતો. તેમ અખબારી યાદીમાં જણાવાયું છે.
ઉલ્લેખનીય છે કે ક્લીનઅપ ગ્રુપ રાજકોટ દ્વારા આશરે ત્રણ મહિના પહેલાં જ સમગ્ર લાલપરી લેકનું વિશાળ સ્વચ્છતા અભિયાન ચલાવીને આખું તળાવ સાફ કરવામાં આવ્યું હતું. છતાં ફરીથી કચરાનો ઢગલો સર્જાતા ક્લીનઅપ ગ્રુપ માં અસંતોષ જોવા મળ્યો હતો.
ઘટના અંગે માહિતી મળતાં જ કોર્પોરેટર સંજયભાઈ ચાવડા અને સ્મિતાબેન ગોહિલ સ્થળ પર દોડી આવ્યા હતા. મેયરશ્રી સાથે સંજય કાકડિયાએ વાતચીત કરી તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગણી કરી હતી તેમણે જણાવ્યું હતું કે જલાશયમાં ફેંકાતો ઇન્ડસ્ટ્રિયલ કચરો પાણીને ઝેરી બનાવે છે, જેના કારણે માછલીઓ અને અન્ય જળચર જીવજંતુઓના મૃત્યુની શક્યતા વધે છે. આ જ પાણી શહેરના નાગરિકો સુધી પહોંચતું હોવાને કારણે આરોગ્ય માટે ગંભીર જોખમ ઊભું થઈ શકે છે.
સમગ્ર પરિસ્થિતિને ગંભીરતાથી લઈને મેયરશ્રીએ બે દિવસની અંદર જેસીબી મશીન દ્વારા સમગ્ર લેક વિસ્તારમાંથી કચરો દૂર કરવાની ખાતરી આપી હતી. સાથે જ લાલપરી લેકમાં હવે પછી ઇન્ડસ્ટ્રિયલ કચરો ન નાખાય તેની પણ ખાતરી આપવામાં આવી હતી.
(2:39 PM IST)










