<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 26th October 2026

રાતે મને દિકરો, વહુ ભેટીને રડયા, જયનું ધ્‍યાન રાખજો એવું કહીને નીકળતાં મને શંકા ઉપજી, ભત્રીજાને બોલાવી કારખાને જતાં બંનેના લટકતા મૃતદેહ મળ્‍યાઃ વૃધ્‍ધ પિતા માવજીભાઇનો વલોપાત

રાજકોટઃ અટીકાના કારખાનામાં ધર્મપત્‍નિ સાથે આપઘાત કરી લેનારા રમેશભાઇ ચાવડાના વયોવૃધ્‍ધ પિતા માવજીભાઇ કાનજીભાઇ ચાવડાએ આંખમાં અશ્રુ સાથે જણાવ્‍યું હતું કે-રમેશ મારો એકનો એક આધારસ્‍તંભ દિકરો અને બે બહેનનો એક જ ભાઇ હતો. અમે મુળ માણાવદર પંથકના છીએ. દિકરો, વહુ પંદરેક વર્ષથી રાજકોટ સ્‍થાયી થયા હતાં. અમે પતિ-પત્‍નિ પણ પાંચેક વર્ષથી વતન છોડી રાજકોટ દિકરા-વહૂ સાથે રહેવા આવ્‍યા છીએ. મારા દિકરા અને વહુ ભારતી બંને અટીકામાં લસણનું કારખાનુ ચલાવતાં હતાં. બંને નિયમીય સવારે કારખાને જતાં અને સાંજે આઠ સાડાઆઠે ઘરે આવી જતાં હતાં.

રવિવારે રાતે અચાનક સાડા બારેક વાગ્‍યે દિકરો, વહૂ બંને મારી પાસે આવ્‍યા હતાં અને મને ગળે લગાડી ભેટીને રડવા માંડયા હતાં. મેં તેમને શું થયું પુછતાં કંઇ કહ્યું નહોતું. પણ બાદમાં તેણે દિકરા જયનું ધ્‍યાન રાખજો, અમે હમણા આવીએ છીએ તેમ કહીને ઘરેથી નીકળ્‍યા હતાં. ઘણીવાર રાતે લસણ લેવાના કામે જતાં હોઇ મને શરૂઆતમાં શંકા ઉપજી નહોતી. પણ દિકરા જયનું ધ્‍યાન રાખવાનું કહીને રડતાં રડતાં ગયા હોઇ મને અંદરથી કંઇક અજુગતુ થવાનું લાગતાં મેં કુટુંબી ભત્રીજા લક્ષ્મીદાસને ફોન કરી જાણ કરી હતી. બાદમાં તેને મારા ઘરે બોલાવેલ અને અમે બંનેએ દિકરા રમેશને ફોન જોડયા હતાં. પરંતુ ફોન રિસીવ ન થતાં હોઇ અમે અટીકાના તેના કારખાને પહોંચ્‍યા હતાં. ત્‍યાં જતાં કારખાનુ બંધ હતું. પણ નીરખીને જોતાં શટર પર તાળુ ન હોઇ અને અંદર લાઇટ પણ ચાલુ હોય તેમ લાગતાં શટર ખોલીને જોતાં દિકરા-વહૂને લટકતા જોયા હતાં. કોઇએ ૧૦૮ બોલાવી હતી. જેના ડોક્‍ટરે બંનેને મૃત જાહેર કર્યા પછી પોલીસ આવી હતી. તેમ જણાવી માવજીબાપા રડવા માંડયા હતાં. તેમણે દિકરો, વહૂ વ્‍યાજખોરીમાં ફસાઇ ગયાની વિગતો પણ જણાવી હતી.

(2:27 PM IST)