News of Saturday, 25th April 2026
પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાની સીધી દેખરેખ હેઠળ ૧૧૮૭ મતદાન મથકો ખાતે જડબેસલાક બંદોબસ્ત
કાલે મતદાનઃ ૨૫૦૦થી વધુ પોલીસ અધિકારીઓ, જવાનો તૈનાત : ૧૪૧ મતદાન મથકોને સંવેદનશીલ જાહેર કરાયાઃ બે વોર્ડમાં ૩૦ જેટલા શખ્સો પર માર્કર મુકાયાઃ અતિ સંવેદશનશીલ બુથ પર સીસીટીવી કેમેરાથી નજર, વિડીયોગ્રાફી પણ કરાશેઃ ક્રાઇમ બ્રાંચ, એસઓજી, એલસીબી, તમામ પોલીસ સ્ટેશનની ટીમો સતત દોડતી રહેશેઃ ક્યુઆરીટીની ટીમ કોઇપણ સ્થળે મિનીટોમાં પહોંચી જશેઃ શાંતિપુર્વક મતદાન થાય તે માટે પોલીસ સતત એલર્ટઃ ઉચ્ચ અધિકારીઓએ ફૂટ પેટ્રોલીંગ કર્યુ

રાજકોટ તા. ૨૫: આવતી કાલે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચુંટણીનું મતદાન થવાનું હોઇ મતદારો શાંતિ પુર્વક મતદાન કરી શકે અને શહેરભરમાં કાયદો વ્યવસ્થા જળવાઇ રહે તે માટે પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાની સીધી દેખરેખ હેઠળ જડબેસલાક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ૨૫૦૦થી વધુ અધિકારીઓ, પોલીસ જવાનો ૧૧૮૭ મતદાન મથકો ખાતે જડબેસલાક બંદોબસ્ત જાળવશે. તેમજ ક્રાઇમ બ્રાંચ, એસઓજી, ક્યુઆરટી, એલસીબીની ટીમો સતત રાઉન્ડ ધ ક્લોક અલગ અલગ મતદાન મથકો પર પેટ્રોલીંગ કરી પળેપળની ગતીવિધી પર નજર રાખશે. લોકો શાંતિપુર્વક મતદાન કરી શકે તે માટે પોલીસે ચાંપતો બંદોબસત ગોઠવ્યો છ.ે
જાણવા મળ્યા મુબજ આવતી કાલે મહાનગર પાલિકાની ચુંટણીનું મતદાન થવાનું હોઇ પોલીસ તંત્રએ પુરતી તૈયારી કરી લીધી છે. લોકશાહીના આ મહાપર્વમાં સામાન્ય નાગરિકો નિર્ભય બનીને પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે શહેર પોલીસ કમિશનરની સીધી દેખરેખ હેઠળ જડબેસલાક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. શહેરના ખૂણે-ખૂણે અને ખાસ કરીને સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા અભેદ્ય બનાવવામાં આવી છે. ૨૫૦૦ થી વધુ પોલીસ અધિકારીઓ, જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. આ કાફલામાં સ્થાનિક પોલીસ ઉપરાંત હોમગાર્ડ્સ, જીઆરડી અને સેન્ટ્રલ ફોર્સની ટુકડીઓનો પણ સમાવેશ થાય છે.
ઉચ્ચ પોલીસ અધિકારીઓએ દરેક બુથની ભૌગોલિક સ્થિતિ અને ભૂતકાળના ઈતિહાસને ધ્યાનમાં રાખીને જવાનોની ફાળવણી કરી છે. પોલીસે શહેરના ૧૪૧ મતદાન મથકોને સંવેદનશીલ જાહેર કર્યા છે. આ એવા વિસ્તારો છે જ્યાં ભૂતકાળમાં ઘર્ષણ થયું હોય અથવા તો રાજકીય ગરમાવો વધુ રહેતો હોય જેથી તે વિસ્તારોમાં ક્રાઈમ બ્રાન્ચ, એસઓજી સહિતની ટીમો સતત દોડતી રહેશે. આ વિસ્તારમાં વોર્ડ નં.૧૫, ૧૬ સહિત જેમાં જંગલેશ્વર જેવાં વિસ્તારનો પણ સમાવેશ થાય છે.
આ ઉપરાંત એવા ૩૦ જેટલા શખ્સો જે કોઇપણ ક્ષણે કંઇપણ કરે તેમ હોય છે. આવા શખ્સોને કારણે મતદાન મથકો પર કે આસપાસ મતદારોને કોઇ તકલીફ ન પડે તે માટે આ શખ્સો પર પોલીસના માર્કર મુકાયા છે. તેઓ આ શખ્સોની તમામ ગતિવિધી પર સતત નજર રાખશે અને જો તે કંઇપણ ખોટુ કરવાનો પ્રયાસ કરશે તો તરત જ તેની અટકાયત કરી લેશે. આ સંવેદનશીલ બુથો પર સીસીટીવી કેમેરા અને વિડિયોગ્રાફી દ્વારા પણ બાજ નજર રાખવામાં આવશે. આ ઉપરાંત સામા કાંઠો વિસ્તારમાં પણ પોલીસ ખાસ બંદોબસ્ત જાળવશે અને સતત પેટ્રોલીંગ રાખશે.
આ વિસ્તારમાં અગાઉથી જ ઉચ્ચ અધિકારીઓએ ફૂટ પેટ્રોલીંગ, વાહન ચેકીંગ સહિતની કામગીરી કરી હતી. અનેક અસામાજીક તત્વો સામે અગાઉથી જ અટકાયતી પગલા લઇ લેવામાં આવ્યા છે. ઉપરાંત માત્ર મતદાન મથકો જ નહીં, પણ સમગ્ર શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓ મેદાનમાં ઉતર્યા છે. ક્રાઈમ બ્રાન્ચ અને એસઓજીએ ગુપ્ત રીતે બાતમીદારો મારફતે દરેક હિલચાલ પર નજર રાખી રહી છે. કયુઆરટી ટીમ કોઈપણ અનિચ્છનીય ઘટના બને તો ગણતરીની મિનિટોમાં પહોંચી વળવા માટે શહેરના અલગ-અલગ સ્થળો પર તૈનાત રહેશે. પોલીસે નાગરિકો-મતદાતાઓને કોઇપણ જાતના જરાપણ ડર વગર મતદાન કરવા અને સોશિયલ મિડીયા કે બીજા માધ્યમોથી ફેલાતી અફવાઓ પર ધ્યાન ન દેવા અને કંઇપણ શંકાસ્પદ જણાય તો તુરત પોલીસ કન્ટ્રોલ રૂમને જાણ કરવા જણાવાયું છે.
નોંધનીય છે કે ગઇકાલે ડીસીપી ઝોન-વન હેતલ પટેલ દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલીંગ કરાયું હતું. પોલીસ ટીમો દ્વારા સંવેદનશીલ ગણાતા વિસ્તારોમાં ચેકિંગ અને કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ગુનાહિત ભૂતકાળ ધરાવતા શખ્સોની ગતિવિધિઓ પર નજર રાખવાની સાથે તેમની અટકાયતી ધરપકડ કરવાની પ્રક્રિયા પણ કરવામાં આવી છે. જેથી મતદાનના દિવસે કોઈ અનિચ્છનીય બનાવ ન બને. સમગ્ર શહેરના તમામ બુથ પર શાંતિથી મતદાન થાય તે માટે સમગ્ર શહેરની પોલીસ તૈયાર છે.
(3:25 PM IST)










