તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 23rd October 2026
જંગલેશ્વરનો અસલમ અને ગઢડાનો સાહિલ રાજસ્થાનથી એમડી ડ્રગ્સ લાવ્યાઃ એન્ટી નારકોટીક્સ વિંગે દબોચ્યા
મડર કેસમાં ૩૦ વર્ષ જેલમાં રહી છુટતાંની સાથે માદક દ્રવ્યોનો ધંધો ચાલુ કર્યોઃ રાજકોટના લાખાપર પાસેથી પકડી લેવાયા રાજસ્થાન સાંચોરના રાજારામનું નામ ખુલ્યું: પીઆઇ બી. બી. જાડેજા, પીએસઆઇ વી. વી. ધ્રાંગુ અને ટીમની કામગીરી અમદાવાદ પોલીસે પકડેલા ૨૫ કરોડના ડ્રગ્સમાં રાજકોટના અસલમનું નામ ખુલ્યું એ આ અસમલ તો નથી ને? તે અંગે તપાસ

રાજકોટ તા. ૨૩: શહેરની એન્ટી નારકોટીક્સ વિંગની ટીમે રાજકોટ ભાવનગર હાઇવે પરના લાખાપર ગામ નજીકથી કારમાં રાજકોટ જંગલેશ્વર અને ગઢડા સ્વામિના ગામના બે શખ્સને મેફેડ્રોન ડ્રગ્સ (એમડી) સાથે ઝડપી લીધા છે. આ બંને રાજસ્થાનથી જેની પાસેથી આ માદક પદાર્થ લાવ્યા તેનું પણ નામ ખુલ્યું છે. ત્રીસ વર્ષથી હત્યાના ગુનામાં જેલમાં રહેલો જંગલેશ્વરનો શખ્સ થોડા મહિના પહેલા જ છુટયો છે. એ સાથે જ તેણે માદક પદાર્થની ખેપ મારી હતી. પણ વેંચાણ કરે એ પહેલા પકડાઇ ગયા છે.
જાણવા મળ્યા મુજબ ‘સે નો ટુ ડ્રગ્સ' મિશન અંતર્ગત નાર્કોટિક્સ પદાર્થોનું ખરીદ-વેચાણ કે સેવન કરનારા ઈસમો વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવાની સુચના અપાઇ હોઇ તે અન્વયે એન્ટી નાર્કોટિક્સ વિંગના પોલીસ ઈન્સપેક્ટર બી.બી. જાડેજાની રાહબરીમાં તથા પીએસઆઇ વી.વી.ધ્રાંગુની ટીમ પેટ્રોલીગમાં હતી ત્યારે સંયુક્ત બાતમી મળેલ કે બ્લુ કલરની બલેનો કાર નં. જીજે૩૩કે-૦૪૯૯ માં બે શખ્સો માદક પદાર્થ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે ભાવનગર રોડ ઉપરથી રાજકોટ તરફ આવવાના છે. જેને આધારે પોલીસે ભાવનગર મેઈન રોડ ઉપર લાખાપર ગામ પાસે આવેલ જે.કે. પેટ્રોલીયમ પંપ પાસે વોચ ગોઠવી હતી અને શંકાસ્પદ કાર નીકળતા જ તેને કોર્ડન કરી અટકાવી હતી.
કારમાં બેઠેલ બંને શખ્સોની તલાશી લેતા તેમની પાસેથી ૧૯ ગ્રામ માદક પદાર્થ મેફેડ્રોન (એમ.ડી.) ડ્રગ્સ મળી આવતા રાજકોટ આજીડેમ પોલીસ સ્ટેશનમાં ગુનો રજિસ્ટર કરાવાયો હતો. ઝડપાયેલા બંનેએ પોતાના નામ અસલમ ઈબ્રાહીમભાઈ બેલીમ (ઉં.વ. ૫૫, રહે. જંગલેશ્વર શેરી નં.૨૮, તવક્કલ ચોક, રાજકોટ) અને સાહીલ રહેમાનભાઈ ખોખર (ઉં.વ. ૨૬, રહે. ઢસા રોડ, માર્કેટીંગ યાર્ડની બાજુમાં, મફતીયાપરા, સ્વામીના ગઢડા, જી. બોટાદ) જણાવ્યા હતાં. બંનેની પુછપરછ દરમિયાન સામે આવ્યું હતું કે આ ડ્રગ્સનો જથ્થો સાંચોર, રાજસ્થાનના રાજારામ નામના શખ્સ પાસેથી લાવવામાં આવ્યો હતો.
ઝડપાયેલ અસલમ સામે વર્ષ ૧૯૯૭માં ભક્તિનગર પોલીસમાં હત્યાનો ગુનો નોંધાયો હતો. ત્રીસ વર્ષ જેલમાં રહ્યા બાદ ચારેક મહિના પહેલા જ તે જેલમાંથી છુટયો હતો. ગઢડાના સાહિલે કારની અને પૈસાની ગોઠવણ કરી દેતાં તેને સાથે લઇ પોતે રાજસ્થાન ગયો હતો. જ્યાંથી બંને એમડી લઇને રાજકોટ આવવા નીકળ્યા હતાં. પણ પકડાઇ ગયા હતાં. પોલીસે કુલ રૂ. ૬,૧૮,૧૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. જેમાં રૂ. ૫૭,૦૦૦ની કિંમતનું ૧૯.૦૦ ગ્રામ મેફેડ્રોન (એમ.ડી.) ડ્રગ્સ, રૂ. ૧૦,૦૦૦નો મોબાઈલ, રૂ. ૫૦૦નો અન્ય એક મોબાઇલ તથા ૫૦,૦૦૦નો એપલ મોબાઇલ અને પાંચ લાખની કાર બલેનો કાર તથા રૂા. ૬૦૦ રોકડા સામેલ છે.
પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી ચૈતન્ય મંડલિકની સુચના અંતર્ગત પીઆઇ બી. બી. જાડેજા, પીએસઆઇ વી. વી. ધ્રાંગુ, એએસઆઇ ઈન્દ્રસિંહ જાડેજા, ફિરોઝભાઈ રાઠોડ, હેડકોન્સ. મૌલિકભાઈ સાવલીયા, હાર્દિકસિંહ પરમાર, દિગ્વિજયસિંહ ગોહિલ, કોન્સ. યોગેન્દ્રસિંહ ઝાલા તથા ડ્રાઈવર લોકરક્ષક નરેશભાઈ બારૈયાએ આ કામગીરી કરીહ તી. માદક પદાર્થનું પ્રાથમિક પરિક્ષણ એફએસએલ અધિકારી કે. એમ. તાવીયાએ કર્યુ હતું.
અમદાવાદ પોલીસે પચ્ચીસ કરોડના માદક પદાર્થ સાથે દિલ્હીના ત્રણને પકડયા છે. તેમાં રાજકોટ કનેકશન ખુલ્યું છે અને કોઇ અસમલ સામેલ હોવાની ચર્ચા છે. ત્યારે આ એમડી સાથે ઝડપાયેલા અસલમની સંડોવણી નથી ને? તેની તપાસ પણ થઇ રહી છે. જો કે પ્રાથમિક પુછતાછમાં તેણે પોતાને કોઇ સંપર્ક નહિ હોવાનું કહ્યું હતું.
(2:20 PM IST)










