<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 26th June 2026

કરબલાની ભવ્‍ય આહૂતિની સ્‍મૃતિમાં તાજીયાઃ અશ્રૂભેર મનાવાતો આશૂરાહ

રાજકોટમાં રર૦ તાજીયાઃ જૂલૂસરૂપે ફરતા તાજીયાઓને આજે રાત્રે પુનઃ ઇમામખાનામાં અપાશે વિરામઃ મુસ્‍લિમ સમાજ શોકમય : જંગલેશ્વર વિસ્‍તારના તાજીયા એજ વિસ્‍તારમાં ફર્યાઃ રાબેતા મુજબ બહાર ગયા નહીઃ સબિલો ઉપરથી ખાણીપીણીની રેલમછેલ થઇઃ જનમેદની ઉમટી

રાજકોટ શહેરમાં પાંચ પંજાસવારી, એક દુલદુલ :..  રાજકોટ શહેરમાં બનેલા ૨૨૦ જેટલા કલાત્‍મક તાજીયાઓ ગઈ સાંજે ઈમામખાનામાંથી બહાર આવી ગયા હતા અને પરંપરાગત ગઈ રાત્રે જુલૂસ સ્‍વરૂપે જાહેરમાં ફર્યા હતા જે તાજીયાઓએ આકર્ષણ જમાવ્‍યું હતું બીજી તરફ હિન્‍દુ મુસ્‍લિમ ભાઈ બહેનોએ એક સાથે જાહેરમાં દર્શન કરતા ચોમેર એકતા જોવા મળી હતી રાજકોટ શહેરમાં વિવિધ લતાઓમાં મળીને ૨૨૦ તાજીયા એક દુલદુલ પાંચ પંજા સવારી ના લાઇસન્‍સ પોલીસ વિભાગ દ્વારા ઇસ્‍યુ થયા છે જે આખી રાત ફરીને વહેલી સવારે ફરી પોતપોતાના લતાઓના માતમમાં પહોંચ્‍યા હતા આ તકે લેવાયેલી તસવીરોમાં વિવિધ પ્રકારના કરબલા ના શહીદોના સ્‍મૃર્તિમાં બનેલા તાજીયા ઉપરાંત ફલોટસ અને જુલૂસ સ્‍વરૂપે જોડાયેલ જનમેદની તસવીરમાં નજરે પડે છે. (તસવીર : સંદીપ બગથરીયા) 

રાજકોટ તા. ર૬ :.. ગઇકાલે સાંજે તાજીયા માતમમાં આવ્‍યા બાદ આખી રાત ફર્યા પછી એ જ સ્‍થળે રહ્યા પછી આજ સવારથી ફરી માતમમાં આવ્‍યા છે અને આજે મોડી રાત્રે તેને ફરી ફેરવીને ઇમામખાનામાં પ્રસ્‍થાપિત કરી દેવાશે.

ખાસ કરીને આજે ૧૦ મી મહોર્રમનો દિવસ એટલે કે, ‘આશૂરાહ' પર્વ મનાવાઇ રહ્યું છે અને સવારના સમયે આજે વિશેષ નમાઝ પઢવાની હોય છે એ સાથે આજે જ આશૂરાહ પર્વ હોઇ આ દિવસની આજે સવારે વિશેષ નમાઝ, દુઆ તે પછી કબ્રસ્‍તાનમાં શ્રાધ્‍ધ તર્પણ સહિતના કાર્યક્રમો રહ્યા હતાં.

બીજી તરફ આશૂરાહ ના લીધે મુસ્‍લિમ સમાજ શહીદોના શોકમાં ગરકાવ જોવા મળી રહ્યો છે અને મુસ્‍લિમ સમાજ દ્વારા જડબેસલાક શોકમય બંધપાળી વિવિધ પઠન કરી, નિયાઝ વિતરણ કરી કરબલાના શહીદોને ભવ્‍ય અંજલિ અર્પિત કરવામાં આવી છે.

મહોર્રમ નિમિતે ખાસ કરીને પૈગમ્‍બર સાહેબના દૌહિત્ર ઇમામ હુસૈન અને તેમના સાથીદારોની યાદ તાજી કરવામાં આવી રહી હોય મુસ્‍લિમ લતાઓમાં દરરોજ રાત્રીના હુસૈની મહેફીલો યોજાઇ હતી જેની ગઇ રાત્રે પુર્ણાહૂતિ થઇ હતી.

બીજી તરફ મુસ્‍લિમ લતાઓ ઉપરાંત જાહેર રસ્‍તા અને જાહેર ચોકમાં સબીલો દ્વારા ઠંડાપીણા, ચા-કોફી, નાસ્‍તો વિતરણ કરાઇ રહ્યા છે એ ઉપરાંત ઠેરઠેર જાહેર નિયાઝના કાર્યક્રમો યોજાયા છે.

મહોર્રમ નિમિતે કેટલાક મુસ્‍લિમ ભાઇ-બહેનો ૧૦ દિ' ના રોઝા રાખી રહ્યા છે. તેમાં પણ અનેક ભાઇ-બહેનોએ ગઇકાલે અને આજે બે દિ'ના રોઝા રાખેલ અને આજે ૧૦ મી મહોર્રમ ઇસ્‍લામ ધર્મમાં મહત્‍વનો દિવસ છે.

 ગઇ રાતે આશૂરાની રાત્રી મનાવાયેલ હતી. ખાસ કરીને આજે સવારે મસ્‍જિદોમાં વિશેષ નમાઝ પછી અરસપરસ મુસ્‍લિમ બિરાદરોએ ક્ષમાયાચના કરી દુઆઓ કરી હતી.

આજે સાંજે ઠેર ઠેર રોઝા ખોલાવવાના જાહેર કાર્યક્રમો યોજાયા છે. એ ઉપરાંત સબિલ ઉપર નિયાઝ વિતરણનો ધમધમાટ રહ્યો છે. આમ આજે શ્રધ્‍ધાભેર શહીદ દિન મનાવવામાં આવી રહ્યો છે. આજથી ૧૩૮૮ વર્ષ પહેલા કરબલા (ઇરાક)ના  રેતાળ પ્રદેશના મેદાનમાં અપાયેલ ભવ્‍ય આહૂતિને યાદ કરતા રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં કરબલાના શહીદોની સ્‍મૃતિ જીવંત થઇ ગઇ છે.

આમ આજે સાદગીભેર અને અશ્રુભેર આશૂરાહ પર્વ મનાવાઇ રહ્યો છે. રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં તાજીયાના જાહેરમાં દર્શન થઇ રહ્યા છે. માતમના સ્‍થળોએ વિના ભેદભાવે લોકો દર્શન માટે ઉમટી રહ્યા હોઇ શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. (પ-૧૩)

 

 

સદર વિસ્‍તારના જુલૂસનો રૂટ

રાજકોટ : સદર વિસ્‍તારમાં ૧૬ જેટલા તાજીયાઓનું નિર્માણ થયું છે. જેમાં નહેરૂનગર, લક્ષ્મીનગર, રૈયા, ભીસ્‍તીવાડ હેડકવાર્ટસ સહિતના વિસ્‍તારોના તાજીયાઓનો સમાવેશ થાય છે. આ તમામ તાજીયાઓ ઇમામખાનામાંથી બહાર આવી જાહેર દર્શનાર્થે ખુલ્લા મુકાયા છે.  જયારે આજે બપોરે ફરી ગઇકાલની જેમ એ જ રીતે ચાલી ફુલછાબ ચોકમાં સાંજે એકત્ર થઇ ફુલછાબ ચોક, ભીલવાસ ચોક, હરીહર ચોક, સદર બજારના રૂટ ઉપર ચાલી રાત્રીના ૧ વાગ્‍યે પરત ફુલછાબ ચોકમાં પહોંચી સમાપ્‍તિ જાહેર કરાશે.  

 

 

શહેરી લાઇનદોરીનો આજનો રૂટ

રાજકોટ : રાજકોટ શહેર વિસ્‍તારમાં તાજીયાનું જબરૂ જુલૂસ નીકળે છે. શહેરી વિસ્‍તારના તાજીયા બપોરે ર.૩૦ વાગ્‍યે નમાઝ પછી માતમમાંથી ઉઠી જીલ્લા ગાર્ડન ચોક પાસે સાંજે ૪ વાગ્‍યે એકત્ર થશે અને રામનાથપરા જેલના ઝાપા પાસે પ.૩૦ વાગ્‍યે આવશે.

સાંજે ૬.૩૦ વાગ્‍યે કોઠારીયા નાકા ગરબી ચોક પાસે આવશે. કોઠારીયા નાકા પોલીસ ચોકી પાસે આ તાજીયાની લાઇન દોરી સાંજે ૭ વાગ્‍યે આવશે. ત્‍યાંથી બે લાઇન દોરીઓમાં અલગ વિભાજન થશે તેમાં એક લાઇનદોરી સોની બજારમાં જશે. બીજી લાઇનદોરી પેલેસ રોડ ઉપર જશે. સ્‍વામીનારાયણ મંદિરના ચોક પાસે આ તાજીયાની લાઇન દોરી રાત્રીના ૮ વાગ્‍યે પહોંચશે. ૯ વાગ્‍યે આશાપુરા મંદિર પાસે પહોંચશે. ૧૦ વાગ્‍યે સંતોષ ડેરી પાસે પહોંચશે. ત્‍યાંથી તાજીયા આ લાઇન દોરીમાં અલગ-અલગ વિસ્‍તારમાં પરત ફરશે અને રાત્રીના ૧ર વાગ્‍યે આ તાજીયાઓ પોતપોતાના વિસ્‍તારમાં પહોંચી પોતપોતાના ઇમામ ખાનાઓમાં વિસર્જીત થશે. (પ-૧૩)

(2:25 PM IST)