News of Tuesday, 15th September 2026
ઝરમર ઝરમર વરસાદ વચ્ચે અશોકભાઇ ઝરમરીયા પર ધોકાનો વરસાદ થયોઃ ડાબો હાથ ભાંગી ગયો
રણુજા મંદિર વેલનાથ રોડ પર મંદિર પાસે બનાવઃ રીસામણે ગયેલી પત્નિ, સાસુ, સસરા, સાળાએ આવી ધમાલ મચાવી :સાળાએ તું કેમ મારી સગાઇ થવા દેતો નથી ને મારી બહેનને હેરાન કરે છે કહી હુમલો કર્યોઃ આજીડેમ પોલીસે ગુનો નોંધ્યો

રાજકોટ તા. ૧૫: કોઠારીયા રણુજા મંદિર નજીક વેલનાથપરામાં હાલ એકલા રહેતાં અશોકભાઇ ઝરમરીયા નામના આધેડ રાતે ઝરમર ઝરમર વરસાદ વચ્ચે ઘર નજીક લાપાસરી રોડ પર મંદિર નજીક ધાબળો ઓઢીને સુતા હતાં ત્યારે નજીકમાં જ રહેતો સાળો, સાસુ અને હાલ રિસામણે ગયેલી પત્નિએ આવી ધાબળો ખેંચી જગાડી માથાકુટ ચાલુ કર્યા બાદ ફોન કરતાં સસરા પણ રિક્ષામાં બે ધોકા લઇને આવ્યા બાદ ધોકાથી માર મારતાં અશોકભાઇનો હાથ ભાંગી જતાં સારવાર માટે દાખલ થયા છે.
આ બનાવમાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં આજીડેમ પોલીસે સિવિલ હોસ્પિટલના બીછાને પહોંચેલા રણુજા મંદિર સામે લાપાસરી રોડ પર ખીમભાઇની દુકાનવાળી શેરીમાં વેલનાથપરામાં રહેતાં અશોકભાઇ શીવાભાઇ ઝરમરીયા (ઉ.વ.૪૫)ની ફરિયાદ પરથી તેના પત્નિ નીરૂબેન અશોકભાઇ વાઘેલા, સાસુ નાનુબેન, સસરા ધીરૂભાઇ દેગામા અને સાળો દેવો દેગામા વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે.
અશોકભાઇએ જણાવ્યું છે કે હાલ હું એકલો રહું છું અને છૂટક કલર કામ કરવાની મજૂરી કામ કરુ છું. મારા માતા-પિતા અને ભાઈ ગુજરી ગયા છે. મારી પત્નિ નીરૂ દોઢેક મહિનાથી નજીકમાં વેલનાથપરામાં જ માવતરે રીસામણે છે. મારે બાર વર્ષનો દિકરો છે તે પણ પત્નિ સાથે રહે છે. સોમવારે રાતે સાડા નવેક વાગ્યાની આસપાસ હું કોઠારીયા રોડ રણુજા મંદિર સામે આવેલ બાઘેશ્વરી બાલાજી હનુમાનના મંદિર પાસે આવેલ કોમ્પલેક્ષ પાસે રાતે સાડા નવેક વાગ્યે ધાબળો ઓઢીને સુતો હતો. ત્યારે ત્યાં મારી પત્નિ નીરૂ તથા સાસુ નાનુબેન અને મારો સાળો દેવો એમ આ ત્રણેય આવ્યા હતાં. દેવાએ આવીને ધાબળો ખેંચી મને જગાડીને સીધો જ મારો કાઠલો પકડી લીધેલ અને તું કેમ મારી સગાઈ થવા દેતો નથી અને મારી બહેન સાથે ઝઘડો કરે છે? એમ કહી મને જેમ ફાવે તેમ ગાળો દેવા માંડયો હતો. આ વખતે ઝરમર-ઝરમર વરસાદ પણ ચાલુ હતો.
આ પછી મારા સાસુ અને પત્નિએ પણ ગાળો દઇ ઢીકાપાટુ માર્યા હતાં. આ દરમિયાન મારા સાળાએ ફોન કરી મારા સસરા ધીરૂભાઇને બોલાવતાં તે સીએનજી રિક્ષા લઇને આવ્યા હતાં. તેણે રિક્ષામાંથી બે લાકડાના ધોકા કાઢી મારી પત્નિને એક આપ્યો હતો. આ પછી પત્નિ અને સસરા બંનેએ મળીને મને આડેધડ ધોકાથી ફટકાર્યો હતો. જેમાં એક ઘા ડાબા હાથ ઉપર લાગી જતાં હું નીચે પડીગયો હતો. દેકારો થતાં માણસો ભેગા થવા લાગતા આ બધા ત્યાંથી ભાગી ગયા હતાં.
ત્યારબાદ હું સિવિલ હોસ્પિટલમાં દાખલ થયો હતો. અહિ તબિબે નિદાન એક્સરે કર્યા બાદ હાથમાં ફ્રેકચર હોવાનું જણાયું હતું. મારી પત્નિ છેલ્લા દોઢ મહિનાથી રીસામણે હોઇ અને તેના ભાઈની સગાઈ થતી ન હોઇ તેની સગાઇ હું થવા દેતો નથી તેવુ તેને લાગતું હોઇ ખાર રાખી મારા પર હુમલો કરાયો હતો. અશોકભાઇએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે મને ઘરમાંથી પણ કાઢી મુકાયો હોઇ આ કારણે હું મંદિર પાસે સુતો હતો.ં આજીડેમ પોલીસ સ્ટેશનના પીઆઇ એચ. એન. પટેલની રાહબરીમાં એએઅસાઇ અશોકભાઇ કલાલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. (૧૪.૭)
(3:01 PM IST)










