News of Thursday, 29th October 2026
સરકારી જમીનો પરના દબાણો અંગે વિનામૂલ્યે માપણી કરવાનો પરિપત્ર આવતા જ તંત્ર હરકતમાં: દિવાળી બાદ બૂલડોઝર ફેરવી દેવાશે
લાલપરી પાસેની કરોડોની જમીનનો મામલો હવે કલીયર થશેઃ લોઠડામાં ૮૭ કોમર્શીયલ બાંધકામ તોડી પડાશે..

રાજકોટ તા.૨૯: રાજ્ય સરકાર દ્વારા જાહેર રસ્તાઓ, સરકારી જમીનો અને ગૌચરની જમીનો પર થયેલાં ગેરકાયદે દબાણો દૂર કરવા માટે વિના મૂલ્યે માપણી અંગે સૂચનાઓ આપવામાં આવતાં રાજકોટ જિલ્લા કલેક્ટર તંત્રે આ મામલે કડક વલણ અપનાવી તમામ મામલતદારો અને પ્રાંત અધિકારીઓને દબાણો દૂર કરવા માટેની કામગીરી ઝડપથી હાથ ધરવા સૂચના આપી છે. આગામી દિવાળી બાદ હાઇવે સહિત સરકારી જમીનો પરનાં દબાણો દૂર કરવા માટે ડિમોલિશન અને જમીન માપણીની કામગીરી હાથ ધરવામાં આવશે.
રાજ્ય સરકારની સૂચનાને પગલે રાજકોટ શહેર અને જિલ્લામાં જાહેર રસ્તાઓની આસપાસ, હાઇવે પર, સરકારી પડતર જમીનો તથા ગૌચરની જમીનો પર થયેલાં દબાણોની ઓળખ કરવા માટે સર્વે હાથ ધરવાનું નક્કી કરાયું છે.
તંત્રે તમામ મામલતદારો અને પ્રાંત અધિકારીઓને આ કામગીરીમાં કોઈ બેદરકારી ન રાખવા અને સરકારી જમીનોને દબાણ મુક્ત કરવાની દિશામાં અસરકારક પગલાં લેવા સૂચના આપી છે. દિવાળી બાદ દબાણોની સ્થિતિના આધારે ડિમોલિશન હાથ ધરવા તેમજ જરૂરી કાર્યવાહી કરીને સરકારી જમીનનો કબજો પરત મેળવવા માટે તંત્રને તૈયાર રહેવા જણાવાયું છે.
સરકારી સૂચના અનુસાર જાહેર રસ્તાઓ, સરકારી પડતર જમીનો અને ગૌચરની જમીનો પરનાં દબાણો દૂર કરવા માટે જમીનની માપણીની પ્રક્રિયા સર્વોચ્ચ અગ્રતાથી હાથ ધરવાની રહેશે. સંબંધિત અધિકારીઓએ જમીનની હદ નક્કી કરી દબાણવાળી જગ્યાઓની ઓળખ કરવાની રહેશે, જેથી આગળની કાર્યવાહી કરવામાં સરળતા રહે.
મહત્ત્વની બાબત એ છે કે જાહેર રસ્તાઓ, સરકારી પડતર જમીન અને ગૌચરની જમીન પરનાં દબાણો અંગે માપણી કરવા માટે કોઈપણ પ્રકારની ફી વસૂલવામાં આવશે નહીં. આ માપણીની પ્રક્રિયા સંપૂર્ણપણે નિઃશુલ્ક રહેશે.
રાજકોટ જિલ્લામાં સરકારી જમીનો અને ગૌચરની જમીનો પરનાં દબાણો દૂર કરવા માટે વહીવટી તંત્ર દ્વારા હાથ ધરાનારી કામગીરીને પગલે દબાણકર્તાઓમાં ચિંતા ફેલાવાની શકયતા છે.
આ હુકમો આવતા છેલ્લા ૪ મહિનાથી ટલ્લે ચડેલો તાલૂકા મામલતદાર કચેરીનો લાલપરી પાસેનો શહેરના ધારાસભ્યોના ભાઇઓ દ્વારા દબાણ કરાયેલ કરોડો રૂપિયાની સરકારી જમીન ખૂલ્લી કરવાનો માર્ગ મોકળો બન્યો છે.
બીજી બાજુ લોઠડામાં અંદાજે ૨૯૦ કરોડની સરકારી જમીન પરના કોર્મશીયલ દબાણો પરનો માર્ગ મોકળો થયો છે. અંદાજે ૮૫ થી ૮૭ દબાણો ઉપર તંત્ર બૂલડોઝર ફેરવી દેવાની તૈયારી કરી રહયું છે. (૩
(2:51 PM IST)










