<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 12th October 2026

પુરવઠાની CBDC યોજના મારફત વિતરણ મોકુફ રાખો કોઇ દુકાનદાર PNB મરચન્‍ટ એપથી વિતરણ નહી કરે

ફેર પ્રાઇઝ એસો.ના હોદેદારોનું DSOને વિસ્‍તૃત આવેદનઃ ચેતવણી આપી દેવાઇ :ઓગષ્‍ટ, સપ્‍ટેમ્‍બર, ઓકટોબર મહિનામાં સ્‍થિતિ ગંભીર બની છેઃ કાર્ડ હોલ્‍ડરોના હિતમાં તાકિદે નિર્ણય લ્‍યો

સસ્‍તા અનાજના દુકાનદારોનું આંદોલન : લડત શરૂ : રાજકોટઃ રાજકોટ શહેર ફેર પ્રાઇજ એસો.ના આગેવાનો તથા હોદેદારોએ છેલ્લા ૩ મહિનાથી સીબીડીસી યોજના અન્‍વયે પડતી મુશ્‍કેલીઓ અંગે જીલ્લા પુરવઠા અધિકારીને આવેદન પાઠવ્‍યું તે નજરે પડે છે.(તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ, તા. ૧રઃ શહેર ફેર પ્રાઇઝ ઓપ્‍સ એસો.ના હોદેદારોએ આજે જીલ્લા પુરવઠા અધિકારીને આવેદન પાઠવી CBDC યોજના હેઠળ લાભાર્થીઓને અનાજ વિતરણ કરવામાં પડતી ગંભીર ટેકનિકલ મુશ્‍કેલીઓ તથા PNB સર્વર અને e-FPS સિસ્‍ટમ વચ્‍ચેની ક્ષતિઓ દૂર ન થાય ત્‍યાં સુધી CBDC મારફતે વિતરણની કામગીરી મોકૂફ રાખવા માંગણી કરી હતી.

છેલ્લા ચારથી પાંચ મહિનાથી CBDC યોજના હેઠળ મોટી સંખ્‍યામાં લાભાર્થીઓને ઓનબોર્ડ કરવામાં આવ્‍યા હોવા છતા, આ યોજના સાથે સંકળાયેલા PNB બેંકના સર્વર વિભાગ અને NIC વચ્‍ચે યોગ્‍ય સંકલન તથા અસરકારક કોમ્‍યુનિકેશનનો અભાવ જોવા મળી રહ્યો છે. પરિણામે રાજ્‍યભરના વાજબી ભાવના દુકાનદારોને અનાજ વિતરણ કરવામાં વારંવાર મુશ્‍કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

PNB સર્વર અને e-FPS સિસ્‍ટમ વચ્‍ચેની ગંભીર ટેકનિકલ સમસ્‍યાઓ

દર ર મહિને PNB સર્વર અત્‍યંત ધીમું ચાલતું હોવાની ફરિયાદો મળી રહી છે. દુકાનદાર PNB સર્વર પર લોગિન કરે ત્‍યારે e-FPS સિસ્‍ટમમાંથી આપમેળે લોગઆઉટ થઈ જવાની સમસ્‍યા સર્જાય છે.

વધુમાં, PNB સર્વર પર ટ્રાન્‍ઝેક્‍શન સફળતાપૂર્વક પૂર્ણ થયા બાદ પણ e-FPSના લોગિન ડેશબોર્ડ પર અનાજના જથ્‍થામાં ઘટાડો થતો નથી અથવા તેની ઓનલાઈન અસર તાત્‍કાલિક જોવા મળતી નથી. આવી સ્‍થિતિમાં એક જ વ્‍યવહારની નોંધ બંને સિસ્‍ટમમાં યોગ્‍ય રીતે ન થવાને કારણે દુકાનદારો માટે વિતરણની કામગીરી આગળ વધારવી મુશ્‍કેલ બને છે.

અનાજની ફાળવણી અને કુપન જન૨ેશનમાં વારંવાર ઊભી થતી મુશ્‍કેલીઓ

CBDC યોજના હેઠળ અનાજની ફાળવણી તથા કુપન જનરેશનની પ્રક્રિયામાં પણ ગંભીર ખામીઓ સામે આવી રહી.

ઓગસ્‍ટ મહિનોઃ બાજરીની જગ્‍યાએ અવેજી તરીકે ફાળવવાના ચોખાનાં કુપન બેંક સર્વ૨માં જનરેટ થયાં નહોતાં. અનેક રજૂઆતો બાદ વિલંબથી આ વ્‍યવસ્‍થા કાર્યરત કરવામાં આવી હતી.

સપ્‍ટેમ્‍બર મહિનોઃ અગાઉની સમસ્‍યાઓનું કાયમી નિરાકરણ ન આવતાં ફરીથી આવી જ મુશ્‍કેલીઓ સર્જાઈ હતી.

ઓક્‍ટોબર મહિનોઃ હાલની સ્‍થિતિ વધુ ગંભીર બની છે. ઘઉં, ચોખા અને બાજરીનાં કુપન PNB સર્વરની સિસ્‍ટમમાં જનરેટ થયાં હોવા છતાં, અનેક જિલ્લાઓમાંયાં બાજરીની ફાળવણી કરવામાં આવી નથી અને તેના અવેજી તરીકે ચોખા આપવાના છે, ત્‍યાં અવેજીના ચોખાનું યોગ્‍ય બિલ જનરેટ થતું નથી. પરિણામે લાભાર્થીઓ માટે વ્‍યક્‍તિદીઠ માત્ર ત્રણ કિલો જથ્‍થાનું બિલ બનતું હોવાની ફરિયાદો સામે આવી રહી છે.

લાભાર્થીઓના હિતમાં તાત્‍કાલિક નિર્ણય લેવા બાબત

હાલની પરિસ્‍થિતિમાં PNB સર્વર અને e-FPS સિસ્‍ટમ વચ્‍ચે યોગ્‍ય સંકલન ન હોવાને કારણે તથા અનાજનો સંપૂર્ણ જથ્‍થો કુપનમાં જનરેટ ન થવાને કારણે વાજબી ભાવના દુકાનદારો માટે CBDC મારફતે નિયમિત અને પારદર્શક રીતે વિતરણ કરવું શકય બની રહ્યું નથી.

અંતમાં વિનંતી છે કે ઉપરોક્‍ત તમામ બાબતોની ગંભીરતાપૂર્વક નોંધ લઈ તાત્‍કાલિક અસરથી યોગ્‍ય કાર્યવાહી કરવામાં આવે. જયાં સુધી CBDC યોજના હેઠળ ઉપયોગમાં લેવાતું PNB સર્વર નિયમિત અને યોગ્‍ય રીતે કાર્યરત ન થાય, સફળ ટ્રાન્‍ઝેક્‍શન બાદ e-FPSમાં જથ્‍થાની ઓનલાઈન અસર તાત્‍કાલિક ન આવે અને લાભાર્થીઓને મળવાપાત્ર સંપૂર્ણ જથ્‍થાનું કુપન તથા બિલ જનરેટ ન થાય, ત્‍યાં સુધી રાજ્‍યના વાજબી ભાવના દુકાનદારો CBDC સિસ્‍ટમ મારફતે વિતરણ કે બિલ જનરેશનની કામગીરી કરવા સક્ષમ નથી. અને PNB મરચન્‍ટ એપ થી કોઈ વિતરણ કરશે નહીં જેની ગંભીરતાથી નોંધ લેવા આવેદનમાં ચેતવણી અપાઇ છે.

(2:36 PM IST)