તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 17th October 2026
અનુરાગસિંગે ‘તુમ લોગ યહાં સે નહિ ગયે તો ગોલી માર દુંગા' કહી ભડાકા કર્યા, વળતા ફાયરીંગમાં ‘લંગડો' થયો
હત્યા-લૂંટમાં ઝડપાયેલા યુપીના ૧૦ આરોપી ૪ દિવસ રીમાન્ડ પરઃ એસીપી બી. બી. બસીયાની આગેવાનીમાં સીટની રચનાઃ પીએસઆઇ વી. ડી. ડોડીયા સહિતની ટીમ હથીયાર કબ્જે કરવા શૂટર અનુરાગસિંગને હીરાસર એરપોર્ટ નજીક આર. કે. ઇન્ડસ્ટ્રીમાં લઇ ગઇ ત્યારે બનાવ મીરઝાપુરના શૂટરે ઝાડીમાંથી એક પિસ્તોલ કાઢી આપી, કાર્યવાહી વખતે હાથકડી પકડી ઉભેલા એએસઆઇ અમિતભાઇ આગ્રાવતને અનુરાગે ધક્કો દીધો અને બીજી છુપાવેલી પિસ્તોલ કાઢી બે ફાયર કર્યાઃ સ્વબચાવ, ટીમના બચાવમાં પીએસઆઇએ પણ ફાયર કર્યુ હત્યા-લૂંટના ગુનાના શૂટર અનુરાગસિંગ સામે એસીપી વી. બી. જાડેજા, પીઆઇ કે. પી. તરેટીયાએ એરપોર્ટ પોલીસમાં હત્યાની કોશિષ, આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો

આજી જીઆઇડીસીમાં તન્વી એક્ષપોર્ટ નામની સોના-ચાંદીના દાગીનાની પેઢીના કર્મચારી લાલજીભાઇ સરધારાની હત્યા કરી દોઢ કરોડની લૂંટમાં પકડાયેલા યુપીના ૧૦ શખ્સો પૈકીના શૂટર અનુરાગસિંગે રીમાન્ડ દરમિયાન ગુનામાં વાપરેલી પિસ્તોલ આર. કે. ઇન્ડસ્ટ્રીઝમાં છુપાવ્યાનું કહેતાં ડીસીબીની ટીમ તેને ત્યાં લઇ હથીયાર કબ્જે કરવા ગઇ ત્યારે તેણે ઝાડીમાં છુપાવેલુ હથીયાર કાઢી આપ્યું હતું. પણ બાદમાં પોલીસથી પક્કડ છોડાવી દોટ મુકી આગળ છુપાવેલુ બીજુ હથીયારકાઢી પીએસઆઇ વી. ડી. ડોડીયા અને ટીમ સામે તાંકી દઇ તુમ લોગ નહિ ગયે તો ગોલી માર દુંગા કહી બે ભડાકા કરી નાંખ્યા હતાં. આથી સ્વબચાવમાં પીએસઆઇ વી. ડી. ડોડીયાએ પણ તેને પગમાં ગોળી મારી દીધી હતી. બાદમાં તેને સારવાર માટે રાજકોટ સિવિલમાં ખસેડાયો હતો. આરોપી અનુરાગસિંગ સારવાર હેઠળ, હોસ્પિટલે ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, ડીસીપી ઝોન-૨ રાકેશ દેસાઇ, એસીપી રાધીકા ભારાઇ, ક્રાઇમ બ્રાંચ પીઆઇ એ. એસ. ચાવડા, એમ. એલ. ડામોર, સી. એચ. જાદવ સહિતનો સ્ટાફ જોઇ શકાય છે (તસ્વીરઃ સંદિપ બગથરીયા)
રાજકોટ તા. ૧૭: શહેરના પોલીસ મથકના ગંભીર ગુનાની તપાસ સંદર્ભે રીમાન્ડ પર રહેલા યુપીના આરોપીને હથિયાર રિકવરી માટે હીરાસર એરપોર્ટ નજીક આરકે ઇન્ડસ્ટ્રીઝ એરીયામાં લઈ જવામાં આવ્યો ત્યારેં આરોપીએ હાથકડી સાથે ઉભેલા એએસઆઇને ધક્કો મારી નજીકમાં અગાઉ પોતે છુપાવી રાખેલુ બીજુ હથીયાર કાઢી ‘તુમ લોગ યહાં સે નહિ ગયે તો ગોલી માર દુંગા' કહી ક્રાઇમ બ્રાંચના પીએસઆઇ અને તેમની ટીમના સ્ટાફને મારી નાખવાના ઇરાદે બે ભડાકા કરતાં સ્વબચાવમાં પીએસઆઇએ પણ ફાયરીંગ કરતાં આ આરોપીને પગમાં ગોળી ખૂંચી જતાં દાખલ કરાયો છે. સદ્દનસિબે પોલીસ ટીમનો બચાવ થયો હતો. આ બનાવમાં હત્યા-લૂંટમાં ફાયરીંગ કરનાર શૂટર યુપી મીરઝાપુરના શખ્સ વિરૂધ્ધ હવે હત્યાના પ્રયાસ આર્મ્સ એક્ટનો વધુ એક ગુનો દાખલ કરાયો છે.
આ બનાવમાં ડીસીબી પીએસઆઇ વનરાજસિંહ દિલીપસિંહ (વી. ડી.) ડોડીયા (ઉ.વ.૩૩)ની ફરિયાદ પરથી એરપોર્ટ પોલીસ સ્ટેશન ખાતે એસીપી વી. બી. જાડેજા, પીઆઇ કે. પી. તરેટીયાએ યુપી ગાઝીપુર મીરઝાપુરના અનુરાગસિંગ ઓમપ્રકાશસિંગ રાજપૂત (ઉ.વ.૨૧) વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે.
પીએસઆઇ વી. ડી. ડોડીયાએ ફરિયાદમાં જણાવ્યું છે કે આજી જીઆઇડીસીમાં તન્વી એક્સપોર્ટ કંપનીના કર્મચારી લાલજીભાઇ સરધારા પર ફાયરીંગ કરી હત્યા નિપજાવી દોઢ કરોડના સોના-ચાંદીના લૂંટના બનાવમાં પકડાયેલા યુપીના ૧૦ આરોપીઓને પકડી લેવાયા પછીે ધરપકડ બાદ તપાસ માટે સીટની રચના એસીપી બી. બી. બસીયાએ કરી છે. જેમાં હું પણ સામેલ છું. પીઆઇ એ. એસ. ચાવડાએ અમને લેખીત હુકમ આપેલો કે રીમાન્ડ પરના આરોપી કે જેણે લાલજીભાઇ પર ફાયરીંગ કર્યા હતાં તે અનુરાગસિંગ ઓમપ્રકાશસિંગની પુછતાછ થતાં તેણે ગુનામાં વાપરેલુ હથીયાર અન્ય જગ્યાએ છુપાવ્યું છે તેવુ કબુલ્યું છે અને તે આ જગ્યા બતાવવા તૈયાર છે. જેથી તમે પંચને સાથે લઇ એ જગ્યાએ જઇ કાર્યવાહી કરો.
જથી હું તથા મારી સાથે એએસઆઇ અમિતભાઇ અગ્રાવત, એએસઆઇ દિગપાલસિંહ જુવાનસિંહ જાડેજા, હેડકોન્સ. રાજેશભાઇ જળુ, ગોપાલભાઇ બોળીયા સહિતના સરકારી વાહન લઇ ડ્રા. અનુભાઇ ચાવડા સાથે આરોપીને લઇ રવાના થયા હતાં. આરોપી અનુરાગસિંગે રાજકોટથી આગળ અમદાવાદ હાઇવે પર હીરાસર એરપોર્ટથી આગળ આર. કે. ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં હથીયાર છુપાવ્યાનું કબુલતાં અમે તેના કહેવા મુજબ આ રસ્તા પર આગળ વધ્યા હતાં. આર. કે. ઇન્ડસ્ટ્રીઝ આવતાં તેણે રોડ પર વાળવાનું કહી આગળ સો મીટર દુર ગાડી ઉભી રખાવી હતી.
આ પછી તે અમને હાઇવેથી આશરે સો મીટર દૂર અંદર સિમેન્ટ રોડની જમણી બાજુ પચાસ મીટર દૂર લઇ ગયો હતો. જ્યાં બાવળની ઝાડીમાં પોતે ગુનામાં વાપરેલુ હથીયાર હોવાનું કહેતાં અમે ત્યાં બોરીડીના ઝાંખરામાં તપાસ કરતાં એક દેશી બનાવટની પિસ્તોલ અને તેનું મેગ્ઝીન મળી આવ્યા હતાં. આથી અમે વેપન બોક્સમાં મકુી કાર્યવાહી કરતાં હતાં. આ વેપનની કિમત દસ હજાર ગણી કબ્જે કરાયું હતું.
આ વખતે આરોપી અનુરાગસિંહના એક હાથમાં હાથકડી મારેલી હતી. આ હાથકડીનો બીજો છેડો એએસઆઇ અમિતભાઇ અગ્રાવતના હાથમાં હતો. આ વખતે અનુરાગસિંહે એએસઆઇ અમિતભાઇને ધક્કો દઇ પક્કડ છોડાવી લીધી હતી અને દસ પંદર ફુટ દુર બાવળ તરફ દોટ મુકી ત્યાં બીજુ હથીયાર સંતાડી રાખ્યું હોઇ તે કાઢીને તેણે મારી સામે તાંકીને કહ્યું હતું કે-તુમ લોગ યહાં સે નહિ ગયે તો ગોલી માર દુંગા. આથી મેં તેને હથીયાર નીચે મુકી સરન્ડર કરવાનું કહી સજમાવ્યો હતો. હું તેના તરફ આગળ વધતાં તેણે મારા ઉપર અને મારી સાથેના ટીમના માણસો પર બે રાઉન્ડ ફાયરીંગ કર્યા હતાં. ત્રીજો ફાયર કરવા જતાં મેં સરકારી હથીયાર કાઢી સ્વબચાવમાં આરોપી તરફ પગમાં ફાયરીંગ કરતાં તેના જમણા પગના ઘૂંટણમાં ગોળી લાગી ગઇ હતી. આ પછી અમે તેનો જ શર્ટ કાઢી પગ પર બાંધી દઇ તુરત જ પોલીસ કન્ટ્રોલ રૂમને અને ઉચ્ચ અધિકારીઓને જાણ કરી હતી. ૧૦૮ બોલાવી તેને સારવાર માટે ખસેડયો હતો.
પંચનામા વખતે અનુરાગસિંગે એક પિસ્તોલ બતાવી હતી જે અમે કબ્જે કરી હતી. આ પછી તેણે એએસઆઇ અમિતભાઇને ધક્કો દઇ હાથ છોડાવી બીજી પિસ્તોલ છુપાવી હતી તે કાઢીને અમને મારી નાખવાના ઇરાદે ફાયરીંગ કર્યા હોઇ અમે પણ સ્વબચાવમાં એક રાઉન્ડ ફાયરીંગ કર્યુ હતું. તેમ વધુમાં પીએસઆઇ વી. ડી. ડોડીયાએ જણાવતાં એસીપી વી. બી. જાડેજા, પીઆઇ કે. પી. તરેટીયાએ ગુનો નોંધ્યો છે. હાલ આરોપી સારવાર હેઠળ છે.
રાતે ઘટનાની જાણ થતાં ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, ડીસીપી ઝોન-૨ રાકેશ દેસાઇ, એસીપી રાધીકા ભારાઇ, ક્રાઇમ બ્રાંચ પીઆઇ એ. એસ. ચાવડા, પીઆઇ એમ. એલ. ડામોર, સી. એચ. જાદવ તેમજ અન્ય પોલીસ કાફલો હોસ્પિટલે પહોંચ્યો હતો. થોરાળા પોલીસના મર્ડર-લૂંટના ગુનામાં ૧૦ આરોપી ઝડપાયા બાદ ૪ દિવસના રીમાન્ડ મળ્યા હોઇ એક શૂટર અનુરાગસિંગને પંચનામા માટે લઇ જવાતા આ ઘટના બની હતી.
(2:28 PM IST)










