તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 13th September 2026
રાજકોટમાં "SAY NO TO DRUGS" અભિયાન હેઠળ એન્ટી નાર્કોટીક્સ વિંગે ૫.૨૪ કિલો ગાંજા સાથે ફ્રુટ વેપારી કૌશર મેતરને પકડ્યો : જુઓ વિડીયો
પીઆઇ બી.બી. જાડેજા, પીએસઆઈ વી.વી. ધ્રાંગુ અને ટીમનો નાના મવા રોડ પર આવાસ ક્વાર્ટરના ગેઇટમાં દરોડો

રાજકોટ: શહેરમાં યુવાધનને નશાના રવાડે ચડતા અટકાવવા અને નાર્કોટીક્સ પદાર્થોનું ખરીદ-વેચાણ કે સેવન કરનારા ઇસમો સામે કડક કાર્યવાહી કરવા માટે ચાલતા "SAY NO TO DRUGS" મિશન અંતર્ગત એન્ટી નાર્કોટીક્સ વિંગ – રાજકોટ શહેર પોલીસને સફળતા સાંપડી છે. ગુનાખોરી અને માદક પદાર્થોની હેરાફેરી અટકાવવા અંગે મળેલી ચોક્કસ સંયુક્ત બાતમીના આધારે પોલીસે દરોડો પાડી ગાંજાના જથ્થા સાથે એક શખ્સને ઝડપી લીધો છે.
બાતમીના આધારે એન્ટી નાર્કોટીક્સ વિંગની ટીમે નાના મવા વિસ્તારમાં આવેલા અર્જુન પાર્ક આવાસ યોજનાના ક્વાર્ટર ગેટ અંદર, આંગણવાડી સામે જાહેર જગ્યા પર દરોડો પાડ્યો હતો. જ્યાં ગેરકાયદેસર રીતે માદક પદાર્થનો જથ્થો રાખીને ઉભેલા કૌશર સલીમભાઇ મેતર (ઉં.વ.૩૬, ધંધો- ફ્રુટનો વેપાર, રહે- અર્જુન પાર્ક આવાસ યોજનાના ક્વાર્ટર, બ્લોક નં.૧, ક્વાર્ટર નં.૧૮૧૨, નાના મવા, રાજકોટ) નામના શખ્સની પોલીસે કોર્ડન કરીને સ્થળ પરથી જ અટકાયત કરી લીધી હતી.
પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી આ કાર્યવાહી દરમિયાન આરોપી કૌશર મેતર પાસેથી ૫.૨૪૧ કિલોગ્રામ માદક પદાર્થ ગાંજો જેની કિંમત રૂ. ૨,૬૨,૦૫૦ તેમજ રૂ. ૩,૦૦૦ની કિંમતનો ૧ નંગ ઓપો કંપનીનો મોબાઇલ ફોન મળી આવ્યો હતો. પોલીસે કુલ રૂ. ૨,૬૫,૦૫૦નો મુદ્દામાલ કબ્જે કરીને રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ. એક્ટ (NDPS Act) ની કલમ ૮(સી), ૨૦(બી)(૨)(બી), ૨૯ મુજબ ગુન્હો રજીસ્ટર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
કામગીરી કરનાર અધિકારીઓ અને પોલીસ ટીમ
આ કામગીરી શહેરના પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝા તથા અધિક પોલીસ કમિશ્નર ચૈતન્ચ મંડલીકના આદેશ અને માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સપેક્ટર બી.બી. જાડેજા અને ટીમના પો.સબ.ઇન્સ. વી.વી. ધ્રા ધ્રાંગુ, એએસઆઇ ઇન્દ્રસિંહ જાડેજા, એએસઆઇ ફિરોજભાઇ રાઠોડ, હેડકોન્સ. મૌલિકભાઇ સાવલીયા, હેડકોન્સ. દિગ્વિજયસિંહ ગોહિલ, પો.હેડ.કોન્સ. હાર્દિકસિંહ પરમાર, પો.કોન્સ. યોગેન્દ્રસિંહ ઝાલા, એસ.ઓ.જી. શાખાના એ.એસ.આઇ. વિરેન્દ્રસિંહ ઝાલા તથા મહિલા પો.કોન્સ. મોનાબેન બુસાએ કરી છે. આ ઉપરાંત સ્થળ પર જપ્ત કરેલ પદાર્થનું પ્રાથમિક પરીક્ષણ કરી અભિપ્રાય આપવાની મહત્વની કામગીરી એફ.એસ.એલ. અધિકારી કે.એમ. તાવીયા દ્વારા કરવામાં આવી હતી.
(9:43 AM IST)










