તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 25th April 2026
રાજકોટમાં વધુ એક મોટી ચોરી: ગાંધીગ્રામ અક્ષરનગરમાં ચંદ્રિકાબેન પરમારના બંધ બંધ મકાનમાંથી ૧૨ લાખની તસ્કરો રોકડ, સોના ચાંદીના દાગીના ચોરી ગયા: મહિલા દિકરીને લઈને વડોદરા બીજી દિકરીને ત્યાં ગયા હોઈ ઘર બંધ હતું: ગાંધીગ્રામ પીઆઇ એચ. પી. ગઢવી, એલસીબી ઝોન-૨ ટીમે તપાસ શરૂ કરી

રાજકોટ શહેરના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન હેઠળના અક્ષરનગર વિસ્તારમાં એક મોટી ચોરીની ઘટના સામે આવી છે. અક્ષરનગર શેરી નં-૧, પૂજા પાર્ક-૨માં આવેલા શિવ-લહેરી મકાનમાં રહેતા ચંદ્રિકાબેન સુધીરભાઈ પરમાર ગત તા. ૦૮/૦૩/૨૦૨૬ના રોજ પોતાની નાની પુત્રી ઈશા સાથે વડોદરા ખાતે રહેતી મોટી પુત્રીના ઘરે રોકાવા માટે ગયા હતા. આ દોઢ મહિનાના વેકેશન દરમિયાન તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવી સોના-ચાંદીના કિંમતી ઘરેણાં અને રોકડ સહિત કુલ ૧૨ લાખ રૂપિયાની મતા પર હાથ સાફ કર્યો છે.
તસ્કરોએ ઘરના મુખ્ય દરવાજા અને રૂમના તાળા તોડી અંદર પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ બીજા માળના રૂમમાં કપડાંના કબાટમાં કપડાં નીચે છુપાવેલી લોખંડની તિજોરીની અસલ ચાવી શોધી કાઢી હતી. આ ચાવી વડે તિજોરી ખોલી તેમાં રાખેલા ચંદ્રિકાબેન તથા તેમની ત્રણ દીકરીઓના સોના-ચાંદીના તમામ કિંમતી ઘરેણાંની ચોરી કરી હતી. તસ્કરો સોનાની વીંટી, કૈડા, કાનની બુટી, સોનાના ચેઈન અને નાકની નથ જેવી કિંમતી વસ્તુઓ ઉઠાવી ગયા હતા.
તેમજ તસ્કરોએ તિજોરીમાં રાખેલા પરિવારની અન્ય પુત્રીઓના સોનાના મંગળસૂત્ર અને પહોંચી સહિત કુલ ૯,૩૫,૦૦૦ની કિંમતનું સોનું અને આશરે ૨ કિલો ૧૦૦ ગ્રામ ચાંદીના દાગીના જેની કિંમત ૨,૧૦,૦૦૦ થાય છે તેની ચોરી કરી છે. ચોરોની હિંમત એટલી હતી કે તેઓ દાગીનાની સાથે તિજોરીમાં રાખેલા તમામ અસલ બિલ પણ સાથે લઈ ગયા હતા. દાગીના સિવાય ઘરમાં રાખેલા રોકડ ૫૦,૦૦૦ અને એક મોબાઈલ ફોન પણ તસ્કરો ચોરી કરી પલાયન થઈ ગયા હતા.
સમગ્ર મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે આજે સવારે પરિવાર દોઢ મહિના બાદ પરત ફર્યો અને ઘરનો સામાન અસ્ત-વ્યસ્ત જોયો. બનાવની ગંભીરતાને જોતા ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના પી.આઈ. એચ.પી. ગઢવી સહિતનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે ડોગ સ્ક્વોડ અને ફિંગરપ્રિન્ટ એક્સપર્ટની મદદ લઈને અજાણ્યા તસ્કરોનું પગેરું મેળવવા માટે કાયદેસરની કાર્યવાહી કરી છે. એલસીબી ઝોન ૨ પીએસઆઇ આર.એચ. ઝાલા અને ટીમે પણ તપાસ આદરી છે. રાજકોટમાં અગાઉની બે ચોરીના ભેદ ખુલ્યા બાદ તુરંત જ બનેલી આ ઘટનાએ પોલીસ સામે નવો પડકાર ઉભો કર્યો છે.
(7:12 PM IST)










