<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd November 2026

અનીલ ઉર્ફે ‘વાવાઝોડા' પર ફરી ત્રાટકયુ ‘તોફાન': હવે ધોકાથી હુમલો કરી હાથની આંગણી ભાંગી નાખી

થોરાળા મેઇન રોડ પર વાવાઝોડુ ર.૦! ચાર દિવસમાં બીજી વખત હુમલો : અગાઉ છરીથી હુમલો કરી ઘરમાં તોડફોડ કરી હતીઃ હવે વગર વાંકે બંને ભાઇઓએ ધોકાથી માર મારતાં થોરાળા પોલીસમાં બીજી ફરીયાદ નોંધાઇ

રાજકોટ તા. ૩: થોરાળા મેઇન રોડ પર ટ્રેકટર ચોકથી આગળ ગોપાલ કુંજ મંદિર સામે મફતીયાપરામાં રહેતાં અનીલ ઉર્ફે વાવાઝોડુ દિલીપભાઇ મકવાણા (ઉ.વ. ર૮) પર ચારેક દિવસ પહેલા ચાર શખ્‍સોએ શેરીમાં બેસવા બાબતે છરીથી હુમલો કરી ઘરમાં તોડફોડ કરી હતી. ત્‍યારે હવે ગઇકાલે ફરી ચાર શખ્‍સોમાંથી બે શખ્‍સોએ તેને વગર વાંકે ધોકાના ઘા ઝીંકી હાથની આંગળીમાં ફ્રેકચર કર્યાની બીજી ફરીયાદ થોરાળા પોલીસ મથકમાં નોંધાઇ છે. પ્રાપ્‍ત માહિતી મુજબ ભંગારનો છુટક ધંધો કરતા અનીલ ઉર્ફે વાવાઝોડુ મકવાણા ચારેક દિવસ પહેલા થોરાળા મેઇન રોડ પર શેરીમાં બેઠો હતો ત્‍યારે વિજય રાજેશ પરમાર, કમલેશ ઉર્ફે અગો, અજીત ઉર્ફે ટેબો અને અમીત ઉર્ફે હોજરી પરમારે અહીં અમે મકાન લીધું છે. તમે શેરીમાં કેમ બેઠા છો? કહી છરી વડે હુમલો કરી તેના મકાનમાં અને ઘરબહાર પાર્ક રિક્ષામાં તોડફોડ કર્યાની થોરાળા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઇ હતી. દરમિયાન ગઇકાલે સાંજે તે થોરાળા મેઇન રોડ પર પાનની દુકાન પાસે હતો ત્‍યારે ફરી તેની પાસે ધસી આવેલા કમલેશ ઉર્ફે અગો રાજેશભાઇ પરમાર અને તેના ભાઇ અમીત ઉર્ફે હોજરીએ વગર વાંકે ઝઘડો કરી માથાકુટ કરી અપશબ્‍દો બોલવા લાગ્‍યા હતા. તેને અપશબ્‍દો બોલવાની ના પાડતા ઉશ્‍કેરાઇ બંને ભાઇઓએ તેને ઢીકાપાટુનો મારમાર્યો હતો. આ સમયે કમલેશ તેને પોતાની પાસે રહેલો ધોકાનો ઘા મારવા જતા તેણે હાથ આડો રાખી દીધો હતો. જેમાં તેના જમણા હાથમાં પંજાની આંગળીમાં ગંભીર ઇજા થઇ હતી. આથી તે ત્‍યાંથી પોતાના ઘરે જતા રહ્યા બાદ ત્‍યાંથી સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતા. જયાં આંગળીમાં ફ્રેકચર હોવાનું તબીબી તપાસમાં જાણવા મળ્‍યું હતું.

 આ અંગે અનીલે ફરીયાદ નોંધાવતાં થોરાળા પોલીસે કમલેશ ઉર્ફે અગો પરમાર અને તેના ભાઇ અમીત ઉર્ફે હોજારી સામે ગુનો દાખલ કરી ધરપકડ કરવા કવાયત શરૂ કરી છે.

(2:52 PM IST)