તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 21st April 2026
નારાજ મોચી સમાજ કમલમ પહોંચ્યો : માધવ દવેએ શાંતિથી સાંભળી અસંતોષ દુર કર્યો

રાજકોટ,તા.૨૧ : છેલ્લા ઘણા સમયથી અવગણનાનો સામનો કરી રહેલ સમસ્ત મોચી સમાજે પોતાની એકતા અને સંગઠન શક્તિનો પરિચય આપવા કમલમ ખાતે બેઠક યોજી હતી. મહાનગરપાલિકાની ચૂંટણીમાં ટિકિટ ફાળવણીમાં અવગણના થયા અંગે નારાજગી વ્યકત કરવામાં આવી હતી.
શહેર ભાજપ પ્રમુખ માધવ દવેએ મોચી સમાજને સાંભળી નિરાકરણ લાવવા પ્રયાસ કરેલ. મોચી સમાજના વિકાસ માટે જે કોઇ પ્રશ્નો હશે તે ધ્યાન પર લેવા ખાત્રી ઉચ્ચારી હતી.
મોચી સમાજના પ્રતિનિધિ મંડળે હૈયા વરાળ ઠાલવતા આ તકે જણાવ્યુ હતુ કે વોર્ડ.૧માં અંદાજે ૧૭ હજારની વસ્તી ધરાવતા સમાજને ત્રણ ત્રણ ટર્મથી અન્યાય કરાતો હોય મતદાન બહિષ્કાર અને ‘નોટો'નો ઉપયોગ કરવા નિર્ણય લેવાયો હતો. આ બેઠકમાં ૪૦૦થી વધુ આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
જો કે શહેર ભાજપ પ્રમુખ માધવ દવેએ મોચી સમાજના આગેવાનો સાથે રૂબરૂ મુલાકાત કરી તેમને શાંતિથી સાંભળ્યા હતા અને મોચી સમાજના વિકાસ માટેના તમામ પ્રશ્નોને ઉચ્ચ સ્તરે લેખિતમાં રજૂ કરવામાં આવશે.
ભાજપ હંમેશા દરેક સમાજને સાથે લઈને ચાલનારી પાર્ટી છે અને મોચી સમાજની માંગણીઓનું સકારાત્મક નિરાકરણ લાવવામાં આવશે તેવી ખાત્રી ઉચ્ચારતા મોચી સમાજે રાહતની લાગણી અનુભવી હતી.
આ રજૂઆતમાં રાજકોટ સમસ્ત મોચી સમાજના પ્રમુખ દિનેશ આર. ચાવડાએ નેતળત્વ સંભાળ્યું હતું. તેમની સાથે નિલેશ વાઘેલા, વિપુલભાઈ કે. વાઢિયા, હાર્દિકભાઈ જે. ચૌહાણ, હર્ષદભાઈ મકવાણા, મિલનભાઈ વાઘેલા, ભરતભાઈ પરમાર, બળવંતભાઈ ચૌહાણ, યોગેશભાઈ જાદવ, બિપિનભાઈ જેઠવા, સુરેશભાઈ ચૌહાણ, અનિલભાઈ ચાવડા, દિનેશભાઈ જેઠવા, લાલજીભાઈ ગોહેલ, અમિતભાઇ પરમાર, ભાવેશભાઈ જેઠવા, કમલેશભાઈ ચાવડા, રમાબેન વાઘેલા, કિન્નરીબેન ચૌહાણ, હસુભાઈ ચુડાસમા અને કુણાલભાઈ પરમાર સહિતના અગ્રણીઓએ ઉપસ્થિત રહી સમાજનો પક્ષ મજબૂતીથી રજૂ કર્યો હતો.
આ બેઠકના અંતે સમાજના આગેવાનોમાં સંતોષની લાગણી જોવા મળી હતી. ટિકિટ ન મળવાનો અસંતોષ હવે વિકાસલક્ષી કાર્યોની ખાતરીમાં પરિવર્તિત થયો હોવાનું મોચી સમાજના આગેવાનોએ યાદીના અંતમાં જણાવ્યુ છે
(3:30 PM IST)










