News of Monday, 19th October 2026
રેલગાડીના તાલે પ્રાચીન ગરબાની રમઝટ, ભુવા રાસના રંગે માતાજીની આરાધના
શ્રી ચામુંડા ગરબી મંડળ આયોજીત ગરબીમાં ૮૦ દીકરીઓના પરંપરાગત ગરબા રજૂઃ દરરોજ ઢગલાબંધ લ્હાણી

રાજકોટઃ શહેરના રૈયા રોડ પર વૈશાલી નગર-૭માં આવેલી ગાયત્રી મંદિરવાળી શેરીમાં શ્રી ચામુંડા ગરબી મંડળ દ્વારા છેલ્લા સાત વર્ષથી નવરાત્રિ પર્વની પરંપરાને જીવંત રાખતા ગરબીનું સુંદર આયોજન કરવામાં આવે છે. આ ગરબીમાં ૮૦ દીકરીઓ માતાજીની આરાધના સાથે પ્રાચીન ગરબાની સંસ્કૃતિને ઉજાગર કરી રહી છે. રેલગાડી ગરબા અને ભુવા રાસ જેવી વિશિષ્ટ રજૂઆતો આકર્ષણનું કેન્દ્ર બની છે, જ્યારે ગલગોટાના ફૂલોની સજાવટ ગરબીના વાતાવરણને પરંપરાગત રંગ આપે છે. દીકરીઓના તાલબદ્ધ પગલાં, ગરબાના લયબદ્ધ સુર અને માતાજી પ્રત્યેની શ્રદ્ધા સાથે અહીં નવરાત્રિની સાચી લોકસંસ્કૃતિનાં દર્શન થાય છે. દરરોજ ઢગલાબંધ લ્હાણીનું વિતરણ કરીને દીકરીઓને પ્રોત્સાહિત કરવામાં આવે છે. આ આયોજનમાં શ્રી ચામુંડા ગરબી મંડળના પ્રમખ પન્નાબેન નિલેશભાઈ જોશી, નિલેશભાઈ જોશી, રુદ્ર જોશી, કંજના જોશી અને જીજ્ઞેશભાઈ પરમાર સહિતના લોકો જોડાઈને ગરબીની પરંપરાને આગળ વધારવામાં સહયોગ આપી રહ્યા છે. આધુનિકતાના આ યુગમાં પ્રાચીન ગરબાની પરંપરા, સામૂહિક શ્રદ્ધા અને દીકરીઓની સાંસ્કૃતિક ભાગીદારીને જાળવી રાખતું શ્રી ચામુંડા ગરબી મંડળનું આયોજન નવરાત્રિના ઉત્સવને વિશિષ્ટ ઓળખ આપી રહ્યું છે. તસ્વીરમાં ગરબે ઘુમતી બાળાઓ અને આયોજકો નજરે પડે છે. (તસ્વીરઃ અભિજીત બગથરીયા)
(2:25 PM IST)










