<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 18th May 2026

આણંદપર- નવાગામમાં ૨૨મીએ કલેકટરનું બૂલડોઝર ફરી વળશેઃ ૩૫ મકાનો- ઝૂપડા- ઇંટોની ભઠ્ઠી તોડી પડાશે

આખરી નોટીસ ફટકારતા મામલતદાર મકવાણાઃ કરોડોની જમીન ખૂલ્લી કરાવાશે..

 

રાજકોટ, તા.૧૮: રાજકોટ શહેર નજીક આવેલા આણંદપર અને નવાગામ ખાતે કરોડો રૂપિયાની   અંદાજે ૩ થી ૩ાા એકર સરકારી જમીન પર ખડકાયેલા ગેરકાયદેસર દબાણો પર આગામી ૨૨મી તારીખના રોજ કલેક્‍ટર તંત્ર દ્વારા મેગા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. તંત્રની આ લાલ આંખથી ભૂમાફિયાઓ અને દબાણકર્તાઓમાં ભારે ફફડાટ વ્‍યાપી ગયો છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, આણંદપર અને નવાગામ ખાતે આવેલ સર્વે નંબર ૨૦૭ પૈકીની સરકારી જમીન પર છેલ્લા કેટલાય વર્ષોથી ગેરકાયદેસર કબ્‍જો જમાવવામાં આવ્‍યો હતો. આ સરકારી જગ્‍યા પર દબાણકર્તાઓ દ્વારા ૩૫થી વધુ પાકા મકાનો તેમજ ઈંટોના ભઠ્ઠા, ઝૂપડા ઉભા કરી દઈને મોટા પાયે ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્‍યું હતું. આ સમગ્ર મામલો તાજેતરમાં કલેક્‍ટર તંત્રના ધ્‍યાને આવ્‍યો હતો.તંત્ર દ્વારા શરૂઆતમાં કાયદાકીય ઙ્કક્રિયાના ભાગરૂપે તમામ દબાણકર્તાઓને નોટિસ ફટકારીને સરકારી જમીન સત્‍વરે ખાલી કરવા માટે તાકીદ કરવામાં આવી હતી. જોકે, નોટિસ મળ્‍યા બાદ પણ દબાણકર્તાઓ દ્વારા દબાણ ખાલી કરવામાં આવ્‍યું ન હતું.જેના પગલે હવે તંત્રએ કડક વલણ અપનાવ્‍યું છે. રાજકોટ જિલ્લા કલેક્‍ટર શ્રી ઓમ પ્રકાશના સીધા માર્ગદર્શન હેઠળ તાલુકા મામલતદાર  શ્રી મકવાણા તથા સ્‍ટાફ દ્વારા આગામી ૨૨ તારીખના રોજ આ તમામ દબાણો દૂર કરવા માટે ડિમોલિશન ડ્રાઇવ ચલાવવામાં આવશે. ચુસ્‍ત પોલીસ બંદોબસ્‍ત સાથે જેસીબી અને બુલડોઝરની મદદથી આ પાકા મકાનો અને ભઠ્ઠાઓ તોડી પાડીને સરકારી જમીન ખુલ્લી કરવામાં આવશે.

(3:09 PM IST)