<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th November 2026

‘માફી તો આનંદીબેને માંગવાની હોય.’ મનોજ પનારાએ દિનેશ બાંભણિયાના નિવેદન પર વળતો જવાબ આપી, કહ્યું, ‘14 પાટીદાર યુવાનોએ જીવ ગુમાવ્યા, સમાજની બેન-દીકરીઓ સાથે મારામારી થઈ અને અપશબ્દો પણ બોલવામાં આવ્યા’

જસદણમાં બાંભણિયાએ કહ્યું હતું - અમારા લીધે આનંદીબેનને CMની ખુરશી છોડવી પડી, માફી માંગવી છે, તેના પર પનારા, ચિરાગ પટેલ, ગીતા પટેલ અને હાર્દિક પટેલનો વળતો જવાબ, પુંજ કમિશન રિપોર્ટ જાહેર કરી ‘જનરલ ડાયર’ શોધવાની માંગ તેજ

રાજકોટ તા.૧૭ : પાટીદાર અનામત આંદોલનને ૧૧ વર્ષ થયા બાદ જસદણમાં પાટીદાર સખી સ્નેહમિલનના મંચ પરથી દિનેશ બાંભણિયાએ પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલની માફી માંગવાની ઈચ્છા વ્યક્ત કરતા જ ગુજરાતનું પાટીદાર રાજકારણ ફરી ગરમાયું છે. હવે પાટીદાર આગેવાન મનોજ પનારાએ બાંભણિયાના નિવેદન પર આકરો વળતો જવાબ આપ્યો છે

મનોજ પનારાએ કહ્યું કે, “માફી તો આનંદીબેને માંગવાની હોય. ૧૪ પાટીદાર યુવાનોએ જીવ ગુમાવ્યા, સમાજની બેન-દીકરીઓ સાથે મારામારી થઈ અને અપશબ્દો પણ બોલવામાં આવ્યા.”

પનારાએ કહ્યું કે, આંદોલન દરમિયાન ૨૫-૨૬ ઓગસ્ટ ૨૦૧૫ના રોજ થયેલી હિંસામાં ૧૪ આશાસ્પદ દીકરાઓ શહીદ થયા. અનેક યુવાનોને જેલવાસ ભોગવવો પડ્યો. અનેક પરિવારો આજે પણ ન્યાયની રાહ જોઈ રહ્યા છે. એવા સમયે માફી માંગવાની વાત કરવી એ શહીદોના બલિદાનનું અપમાન છે.

પનારાએ માંગ કરી કે, પુંજ કમિશનનો રિપોર્ટ જાહેર કરો. ગોળીબારનો આદેશ કોણે આપ્યો, ‘જનરલ ડાયર’ કોણ હતો, તે સામે આવવું જોઈએ. માફી નહીં, જવાબદારી નક્કી કરો.

જસદણમાં ખોડલધામના ટ્રસ્ટી દિનેશ બાંભણિયાએ કહ્યું હતું કે, “પાટીદાર આંદોલનથી અમને ૧૦% EWS અનામતનો લાભ મળ્યો. યુવાનોને નોકરીઓ મળી, પરંતુ હવે એક સારા મુખ્યમંત્રી આનંદીબેન પટેલને ગુમાવ્યા એનો રંજ છે. આવા સારા મુખ્યમંત્રીને હટાવવા માટે અમે આંદોલનકારીઓ કારણ બન્યા. આજે હું જાહેર મંચથી કહું છું કે, અમારે આનંદીબેનને મળવું છે, એમની પાસે ઉભા રહીને માફી માંગવી છે. UP જઈને પણ માફી માંગવા તૈયાર છું.”

આ કાર્યક્રમમાં હાજર આનંદીબેનની દીકરી અનાર પટેલે કહ્યું હતું કે, “મમ્મીના મનમાં એવું કાંઈ પણ નથી. કોઈ પણ વાતનું દુઃખ રાખવાની જરૂર નથી.”

પાસ નેતા ચિરાગ પટેલે પણ કહ્યું કે, માફી નહીં, જવાબદારી નક્કી કરો. ૧૪ પાટીદારો પર ગોળીબારનો આદેશ કોણે આપ્યો હતો, તે શોધવાની જરૂર છે. જાહેર મંચ પર માફી માંગવાની જરૂર નહોતી.

પાસ કન્વીનર ગીતા પટેલે સુરતમાં કહ્યું કે, આનંદીબેનને મુખ્યમંત્રી પદ ગુમાવવું પડ્યું તેની પાછળ આંદોલનકારીઓની કોઈ ભૂલ નહોતી. અમને દુઃખ છે, પરંતુ અમારી કોઈ ભૂલ નથી અને અમે કોઈ માફી નહીં માંગીએ. દિનેશ બાંભણિયા વ્યક્તિગત રીતે માફી માંગી શકે છે.

વિરમગામના ભાજપ ધારાસભ્ય હાર્દિક પટેલે કહ્યું કે, “પાટીદાર અનામત આંદોલન કોઈ વ્યક્તિગત હિત કે કોઈ નેતાને પદ પરથી હટાવવા માટે નહોતું, પરંતુ સંપૂર્ણપણે સમાજના હિત અને આવનારી પેઢીના ભવિષ્ય માટે હતું. દિનેશ બાંભણિયાનું નિવેદન તેમનું વ્યક્તિગત હોઈ શકે છે.”

SPG પ્રમુખ લાલજી પટેલે કહ્યું કે, વિરોધ ભાજપની નીતિઓનો હોવો જોઈએ, પાટીદાર નેતાઓનો નહીં. તે સમયે પાટીદાર નેતાઓ કોઈ ષડયંત્રનો શિકાર બનીને આનંદીબેન, નીતિનભાઈ, રજનીભાઈ અને જીતુભાઈનો વિરોધ કરતા હતા. અત્યારે પસ્તાવો કરવાથી કોઈ ફરક પડવાનો નથી

૨૦૨૭ની વિધાનસભા ચૂંટણી પહેલા પાટીદાર CMની ચર્ચા, કોળી CMની માંગ અને હવે આનંદીબેન માફી વિવાદે ગુજરાતના રાજકારણમાં નવો વળાંક લાવી દીધો છે.

(4:27 PM IST)