તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 6th July 2026
કોટડા સાંગાણીના ભાડવા ગામે ઘરના ઓટલે બેઠેલા વૃધ્ધાને કૂતરાએ મોઢા પર બટકા ભર્યા
૮૫ વર્ષના લાભુબેન સખીયા લોહીલુહાણઃ રાજકોટ હોસ્પિટલમાં ખસેડાયા

રાજકોટ તા. ૬: કોટડા સાંગાણીના ભાડવા ગામે ઘરની બહાર ઓટલા પર બેઠેલા વૃધ્ધાને કૂતરાએ મોઢા પર બટકા ભરી લોહીલુહાણ કરી નાંખતા સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.
જાણવા મળ્યા મુજબ ભાડવા ગામે રહેતાં લાભુબેન નથુભાઇ સખીયા (ઉ.વ.૮૫) નામના વૃધ્ધા સાંજે આઠેક વાગ્યે ઘર બહાર ઓટા પર બેઠા હતાં ત્યારે અચાનક કૂતરૂ આવ્યું હતું અને મોઢા પર બટકા ભરી લેતાં તેમણે દેકારો મચાવી મુકતાં ઘરના સદસ્યો અને બીજા લોકો દોડી આવતાં કૂતરૂ ભાગી ગયુ હતું. લોહીલુહાણ હાલતમાં લાભુબેનને સારવાર માટે કોટડા સાંગાણી અને બાદમાં રાજકોટ ખસેડવામાં આવતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે કોટડા પોલીસને જાણ કરી હતી.
લાભુબેનને સંતાનમાં એક દિકરી અને ચાર દિકરા છે. ઘરના સદસ્યોના કહેવા મુજબ કૂતરાએ બીજા બે ત્રણ લોકોને પણ બટકા ભરી લીધા હતાં.
(11:33 AM IST)










