<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 13th May 2026

ઉદ્યોગનગરમાં કારખાનામાંથી કર્મચારીએ જ રૂા.૧.૩૦ લાખની ચાંદીની ચોરી કરી

ચાર મહિનાથી કામ કરતાં મનહરપરાના કર્મચારી વિરૂધ્‍ધ મેનેજર અશોકભાઇ વાઘમશીએ એ-ડિવીઝનમાં ફરિયાદ નોંધાવી

રાજકોટ તા. ૧૩: શહેરના ભક્‍તિનગર સ્‍ટેશન પ્‍લોટ પાસે ઉદ્યોગનગર વિસ્‍તારમાં આવેલા ચાંદીના ઘરેણા બનાવવાના કારખાનામાંથી કર્મચારી જ ચાંદીની ચોરી કરી ભાગી જતાં પોલીસે તપાસ શરૂ કરી છે. આ બનાવમાં એ-ડિવીઝન પોલીસે નવા ૮૦ ફુટ રોડ મટુકી રેસ્‍ટોરન્‍ટ પાસે જાનકી પ્‍લાઝા એપાર્ટમેન્‍ટ ફલેટ નં. ૩૦૧માં રહેતાં  અશોકકુમાર બચુભાઇ વાઘમશી (ઉ.વ.૫૪)ની ફરિયાદ પરથી ભાવનગર રોડ ફાયર બ્રિગેડ પાછળ મનહરપરા-૧માં રહેતાં સગીર કર્મચારી વિરૂધ્‍ધ ગુનો દાખલ કર્યો છે.  બનાવની વિગતો મુજબ, ભક્‍તિનગર ઉદ્યોગનગરની ૪૭-ડબલ્‍યુ-જીઇબી ઓફિસવાળી શેરીમાં સોલિયો ડિઝાઇન એલ.એલ.પી. નામનું ચાંદીના ઘરેણા બનાવવાનું કારખાનું આવેલું છે. આ કારખાનામાં અશોકભાઇ વાઘમશી મેનેજર તરીકે ફરજ બજાવે છે. આ કારખાનામાં કર્મચારી છેલ્લા ચાર મહિનાથી કામ કરતો હતો. છેલ્લા દોઢ મહિનાથી તેને મેલ્‍ટિંગ વિભાગમાં એટલે કે ચાંદી ગાળવાની ભઠ્ઠી પર રાખવામાં આવ્‍યો હતો, જ્‍યાં તેનું કામ ચાંદીના ટુકડા અને છોલમાંથી ચાંદીના ઢાળ બનાવવાનું હતું.

કારખાનાના વહીવટ દરમિયાન છેલ્લા કેટલાક સમયથી ચાંદીના વજનમાં મોટી ઘટ જોવા મળી રહી હતી. હિસાબ તપાસતા કુલ ૫૦૦ ગ્રામ જેટલી ચાંદી ઓછી હોવાનું માલુમ પડ્‍યું હતું. આ બાબતે મેનેજર અશોકકુમારે જ્‍યારે કર્મચારીની પૂછપરછ કરી, ત્‍યારે તેણે કોઈ સંતોષકારક જવાબ આપ્‍યો નહોતો. તેના શંકાસ્‍પદ વર્તનને કારણે મેનેજરે કારખાનાના માલિક સાથે ચર્ચા કરી ગત તા.  ૧૧મીએ એ-ડિવિઝન પોલીસ સ્‍ટેશનમાં અરજી આપી હતી. પોલીસમાં અરજી અપાયા બાદ આરોપી કામ પર હાજર થયો નહોતો. આથી ખાતરી થઈ હતી કે તેણે જ પોતાની નોકરી દરમિયાન આશરે રૂ. ૧,૩૦,૦૦૦ની કિંમતના ૫૦૦ ગ્રામ ચાંદીના ઢાળની ચોરી કરી છે. આરોપીએ તા. ૦૧/૧૨/૨૦૨૫ થી ૧૧/૦૫/૨૦૨૬ના સમયગાળા દરમિયાન તબક્કાવાર આ ચોરીને અંજામ આપ્‍યો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. પીઆઇ જે. વી. વાઢીયાની રાહબરીમાં હેડકોન્‍સ. સાગરભાઇ માવદીયાએ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

(2:45 PM IST)