News of Wednesday, 22nd July 2026
સાઇકલ હંકારી આટો મારવા નીકળેલા વૃધ્ધનું નવલનગરમાં પડી જતાં મૃત્યુ
શ્રીનાથજી સોસાયટીના ૬૦ વર્ષના પરષોત્તમભાઇ કવાએ સારવાર દરમિયાન દમ તોડી દેતાં પરિવારજનોમાં શોક

રાજકોટ તા. ૨૨: મવડી પ્લોટ શ્રીનાથજી સોસાયટીના વૃધ્ધ સાઇકલ લઇને આટો મારવા નીકળ્યા ત્યારે નવલનગરમાં વાછરાદાદાના મંદિર પાસે ચક્કર આવતાં પડી જતાં માથામાં હેમરેજ થઇ જવાથી સારવારમાં મૃત્યુ થયું હતું.
જાણવા મળ્યા મુજબ શ્રીનાથજી સોસાયટી-૫માં રહેતાં પરષોત્તમભાઇ ડાયાભાઇ કવા (ઉ.વ.૬૦) નામના વૃધ્ધ તા. ૧૭/૭ના સાંજે છએક વાગ્યે સાઇકલ લઇ આટો મારવા નીકળ્યા ત્યારે નવલનગર-૩માં વાછરાદાદાના મંદિર પાસે પહોંચ્યા તે વખતે એકાએક ચક્કર આવતાં પડી જતાં માથામાં ઇજા થતાં બેભાન જેવા થઇ ગયા હતાં. સારવાર દરમિયાન આજે મૃત્યુ થતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે માલવીયાનગર પોલીસને જાણ કરી હતી.
મૃત્યુ પામનાર પરષોત્તમભાઇ કવા ત્રણ બહેન અને છ ભાઇમાં નાના હતાં. સંતાનમાં ત્રણ દિકરી અને બે દિકરા છે.
પોતે અગાઉ લુહારી અને સુથારી કામ કરતાં હતાં. હાલ નિવૃત જીવન જીવતાં હતાં. બનાવથી પરિવારમાં શોક છવાઇ ગયો હતો.
(3:44 PM IST)










