તા. ૧૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૧ શનિવાર
News of Saturday, 23rd May 2026
પડધરી તાલુકા પંચાયતમાં પ્રમુખ પદે તારાબેન ભંડેરીઃ ઉપપ્રમુખ અજીતભાઇ ડોડીયા
બન્ને હોદા માટે માત્ર એક-એક જ ફોર્મ ભરાતા આજે બિનહરીફની સત્તાવાર જાહેરાત કરાશે

(મનમોહન બગડાઇ દ્વારા) પડધરી તા. ર૩ :.. સ્થાનિક સ્વરાજયની સામાન્ય ચૂંટણીમાં પડધરી તાલુકા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટીએ જંગી જીત મેળવી સ્પષ્ટ બહુમતી હાંસલ કરતા આગામી પાંચ વર્ષ માટે તાલુકા પંચાયતનો વહીવટ સંભાળવાનો જનમત પ્રાપ્ત કર્યો છે. તાલુકાની જનતાએ વિકાસ લક્ષી અભિગમ અને ભાજપ પ્રત્યે વિશ્વસ વ્યકત કરતા સ્પષ્ટ બહુમતી સાથે ભાજપ બીડી સતામાં આવી છે.
ચૂંટણી બાદ થોડા વિલંબથી સુકાની પદોની પસંદગી પ્રક્રિયા શરૂ થતા તા. રર મે ર૦ર૬ ના રોજ પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે દાવેદારી રજૂ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં તંત્ર સમક્ષ બંને પદ માટે એક-એક જ ઉમેદવારી ફોર્મ રજૂ થતા બિનહરીફ વરણીને માર્ગ મોકળો બન્યો છે.
પડધરી તાલુકા પંચાયતના પ્રમુખપદ માટે વિસામણ બેઠક પરથી વિજેતા થયેલા તારાબેન મનસુખભાઇ ભંડેરીએ પોતાની પ્રબળ દાવેદારી સાથે ઉમેદવારી ફોર્મ રજૂ કર્યુ હતું. આ પદ માટે એક માત્ર ફોર્મ નોંધાતા તેઓ બિનહરીફ પ્રમુખ તરીકે નિયત થયા હોવાનું માનવામાં આવી રહ્યું છે અને આજે તા. ર૩ મે ર૦ર૬ ના રોજ મળનારી પ્રથમ બેઠકમાં તેમની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે તે જ રીતે ઉપપ્રમુખ પદ માટે પડધરી ૧ બેઠક પરથી વિજેતા થયેલા અજીતભાઇ ચુનીભાઇ ડોડીયાએ ઉમેદવારી નોંધાવી હતી. આ પદ માટે પણ એકમાત્ર ફોર્મ રજૂ થતા તેઓ બિનહરીફ ઉપપ્રમુખ તરીકે નિયત થવાના છે.
સ્થાનિક સ્વરાજની ચુંટણીમાં પડધરી તાલુકા સહિત અનેક તાલુકા પંચાયતો અને જિલ્લા પંચાયતોમાં ભાજપ એ જંગી જીત સાથે સ્પષ્ટ બહુમતી મેળવી છે, ભાજપની નવ નિયુકત ટીમ હવે પોતાના આગવા જોમ અને ઉત્સાહ સાથે લોક સેવામાં તત્પર બની છે. પાર્ટી દ્વારા સ્થાનિક પરિસ્થિતિ, સામાજીક સમીકરણો, વિવિધ પરિબળો અને જન સ્વીકાર્યતાને ધ્યાનમાં રાખી સક્ષમ, શિક્ષિત, અનુભવી, અને લોકચાહના ધરાવતા નેતાઓને મહત્વના પદો સોંપવાની કાર્યપધ્ધતિ અપનાવવામાં આવી હોવાનું રાજકીય વર્તુળોમાં ચર્ચાઇ રહ્યું છે.
પડધરી તાલુકામાં પ્રમુખ અને ઉપપ્રમુખ પદને લઇને છેલ્લા કેટલાક દિવસોથી અનેક લોકચર્ચાઓ ચાલી રહી હતી. છતાં ભારતીય જનતા પાર્ટીએ હંમેશાની જેમ સર્વસ્વીકૃત અને સંગઠન આધારિત નિર્ણય પ્રક્રિયા અપનાવી યોગ્ય નેતાઓ પર કળશ ઢોળ્યો હોવાનું માનવામાં આવે છે. સ્થાનિક પરિસ્થિતિ, વિસ્તારના રાજકીય સમીકરણો તેમજ સામાજિક પરિબળોને ધ્યાનમાં રાખી લેવામાં આવેલો આ નિર્ણય તાલુકાના વહીવટને શાંતિપૂર્ણ, સુચારૂ અને સૌના સાથ સહકારથી આગળ ધપાવવાનો માર્ગ મોકળો કરશે તેવી વિશ્વાસ વ્યકત કરવામાં આવી રહ્યો છે.
નવનિયુકત હોદેદારો આગામી સમયમાં તાલુકાના છેવાડાના ગામ અને છેવાડાના માણસ સુધી સરકારશ્રીની વિવિધ યોજનાઓનો લાભ પહોંચે, લોકોના પ્રશ્નોનો ઝડપી અને યોગ્ય ઉકેલ થાય તેમજ વિકાસલક્ષી કાર્યોને નવી દિશા મળે તે હેતુથી ઉત્સાહપૂર્વક કામગીરી શરૂ કરશે તેવી માહિતી સંગઠનના આગેવાનો દ્વારા આપવામાં આવી છે.
આજે ર૩ મે ર૦ર૬ ના બપોરના ૩ કલાકે પડધરી તાલુકા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખપદની ચૂંટણી લક્ષી પ્રથમ બેઠક રાજકોટ (ગ્રામ્ય) પ્રાંત અધિકારી વિમલ ચક્રવર્તીના અધ્યક્ષ સ્થાને મળશે જેમાં પ્રમુખ-ઉપપ્રમુખની સર્વસ્વીકૃત, બિનહરીફ વરણીની સતાવાર જાહેરાત કરવામાં આવશે. અન્ય હોદાઓ માટે પણ સર્વસંમતિથી યોગ્ય લાયકાત ધરાવતા અને જવાબદારી નિભાવવામાં સક્ષમ ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે તેની શકયતા વ્યકત કરવામાં આવી રહી છે.
પડધરી તાલુકા પંચાયતમાં ભાજપની સ્પષ્ટ બહુમતી બાદ સર્વસ્વીકૃત નેતૃત્વની પસંદગીથી તાલુકાના વિકાસ અને સુશાસનની નવી આશાઓ જાગી છે.
(3:36 PM IST)










