<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 1st September 2026

રાજકોટ-સિકંદરાબાદ એક્સપ્રેસ ટ્રેનમાં કાયમી ધોરણે એક વધારાનો થર્ડ એસી કોચ ઉમેરાયો : રેલવે તંત્રનો મુસાફરો માટે મહત્વનો નિર્ણય

ટ્રેનમાં હવે ૨૦ એલએચબી કોચ સાથે મુસાફરોની સુવિધાઓમાં થશે વધારો : રાજકોટ ડિવિઝનના સીનિયર ડીસીએમ સુનિલ કુમાર મીનાએ આપી વિગતવાર માહિતી

રાજકોટ:મુસાફરોની સગવડતા અને સુવિધામાં વધારો કરવાના આશયથી પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી રાજકોટ-સિકંદરાબાદ એક્સપ્રેસ અને સિકંદરાબાદ-રાજકોટ એક્સપ્રેસ ટ્રેનોમાં કાયમી ધોરણે એક વધારાનો થર્ડ એસી કોચ જોડવાનો સાનુકૂળ નિર્ણય લેવામાં આવ્યો છે.

આ અંગે વધુ માહિતી આપતાં રાજકોટ ડિવિઝનના સીનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર (સીનિયર ડીસીએમ) સુનિલ કુમાર મીનાએ જણાવ્યું હતું કે, ટ્રેન નંબર ૨૨૭૧૭ રાજકોટ-સિકંદરાબાદ એક્સપ્રેસ તથા ટ્રેન નંબર ૨૨૭૧૮ સિકંદરાબાદ-રાજકોટ એક્સપ્રેસમાં તાત્કાલિક અસરથી કાયમી ધોરણે એક વધારાનો થર્ડ એસી કોચ જોડી દેવામાં આવ્યો છે.

આ ફેરફાર બાદ હવે આ ટ્રેનમાં કુલ ૨૦ એલએચબી (LHB) કોચ ઉપલબ્ધ રહેશે. જેમાં ૨ સેકન્ડ એસી, ૬ થર્ડ એસી, ૬ સ્લીપર, ૪ જનરલ કોચ, ૧ લગેજ વેન અને ૧ જનરેટર વેનનો સમાવેશ થાય છે. રેલવેના આ નિર્ણયથી આ રૂટ પર મુસાફરી કરતા લોકોને વધુ કન્ફર્મ સીટો મળી રહેશે અને પ્રવાસ વધુ આરામદાયક બનશે.

(7:26 PM IST)