<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 22nd April 2026

પોલીસના નામે અપહરણ કરી મારકુટ કરી લૂંટ ચલાવનાર અમિત ૧૦ વર્ષ બાદ ઝડપાયો

પેરોલ ફરલો સ્‍ક્‍વોડના પીઆઇ કે. કે. ગોહિલ, પીએસઆઇ એસ. બી. ધાસુરાની ટીમે દબોચી તાલુકા પોલીસને સોંપ્‍યોઃ અલગ અલગ સ્‍થળે ફરતો રહ્યોઃ છુટક કામ કરતો હતોઃ રાજકોટ અંગત કામ માટે આવતાં જ પકડી લેવાયો

રાજકોટ તા. ૨૨:   શહેરના અલગ અલગ ગુનાઓમાં નાસતા-ફરતા તેમજ પેરોલ જમ્‍પ થયેલા આરોપીઓને પકડવા માટે ઉચ્‍ચ અધિકારીઓની ખાસ સુચના હોઇ પેરોલ ફરલો સ્‍કવોડે રાજકોટના એક ગંભીર ગુનામાં સામેલ શખ્‍સ છેલ્લા ૧૦ વર્ષથી ફરાર હોઇ તેને શોધીને ઝડપી લીધો છે. પોલીસની ખોટી ઓળખ આપી આ શખ્‍સ રૂપિયાની લૂંટ કરવાના અને અપહરણના ગુનામાં આ શખ્‍સ સામેલ હતો.

પેરોી ફરલો સ્‍ક્‍વોડની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્‍યારે બાતમી મળી હતી કે વર્ષ ૨૦૧૬માં રાજકોટ શહેર તાલુકા પોલીસ સ્‍ટેશનમાં નોંધાયેલા પોલીસની ખોટી ઓળખ આપી અપહરણ કરી મારકુટ કરી રૂા. ૩૫,૦૦૦ની લૂંટ ચલાવવાના ગુનામાં ફરાર શખ્‍સ ઉમેશ ઉર્ફે અમિત વાલમજીભાઇ સંઘાણી (ઉ.વ.૩૫-રહે. ગંગોત્રી પાર્ક, મેઇન રોડ ફલોરા યુનિક બિલ્‍ડીંગ, ફલેટ નં. ૧૦૧ પ્રથમ માળ રૈયાથી આગળ) હાલ રાજકોટમાં આવ્‍યો છે. આ બાતમીને આધારે તેને પકડી લઇ તાલુકા પોલીસને સોંપાયો છે.

આ શખ્‍સે લૂંટ ચલાવવા ઉપરાંત વધુ ૫૦ હજારની માંગણી પણ કરી હતી. તેના વિરૂધ્‍ધ તાલુકા પોલીસ સ્‍ટેશનમાં જે તે વખતે આઇપીસી કલમ ૩૬૫, ૩૯૪, ૩૨૩, ૧૭૦, ૫૦૬  (૨), ૫૦૪, ૧૧૪ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્‍યો હતો.

પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી ચૈતન્‍ય માંડલીક, ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, એસીપી ક્રાઇમ ભરત બી. બસીયાની સુચના અંતર્ગત પેરોલ ફરલો સ્‍ક્‍વોડના પીઆઇ કે. કે. ગોહિલ, પીએસઆઇ એસ. બી. ધાસુરા અને ટીમે હ્યુમન સોર્સ અને ટેકનિકલ એનાલિસિસના આધારે આ કામગીરી કરી હતી.

(1:02 PM IST)