તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 16th September 2026
પ્રદિપભાઇ સેદાણીની દૂકાનમાં તોડફોડ કરી ધમકાવનાર અલ્તાફ ઉર્ફે ટકાના થોરાળા પોલીસે સીન વીંખી નાંખ્યા
ચુનારાવાડ ચોકમાં જલારામ મોબાઇલમાં બનાવઃ ખરીદ કર્યાના પંદર દિવસ બાદ પાવર બેંક બદલવા આવેલા શખ્સે બોલાચાલી કરીઃ પછી તેનું ઉપરાણુ લઇને આવેલો ટકો ધમાલ મચાવીને ભાગ્યોઃ રાતોરાત પકડી લેવાયો અગાઉ મારામારી સહિતના છએક ગુનામાં સામેલ ટકાએ કેમ તમે મને ઓળખતા નથી? હવે દુકાન કેમ ચાલુ રાખો છો જોઇ લઇશ કહી ગુંડાગીરી આચરી હતીઃ પીઆઇ એસ. પી. સોઢા, પીએસઆઇ ટી. ડી. જાડેજા અને ટીમે આકરી કાર્યવાહી કરી

રાજકોટ તા. ૧૬: શહેરમાં અસામાજિક તત્ત્વોનો ત્રાસ દિન-પ્રતિદિન વધી રહ્યો છે. દરમિયાન ે ભાવનગર રોડ પર ચુનારાવાડ ચોક પાસે આવેલી મોબાઈલની દુકાનમાં પાવર બેન્કની બાબતે માથાકૂટ કરી એક શખ્સે સાગરીત સાથે મળી તોડફોડ કરી ધમકી આપતાં થોરાળા પોલીસે ગુનો નોંધી તેની ધરપકડ કરી તેને કાયદાનું ભાન કરાવ્યું છે. પાવર બેન્ક બદલાવવા આવેલા ગ્રાહક સાથે તકરાર બાદ તેનુ ઉપરાણુ લઇને પહોંચેલા અલ્તાફ ઉર્ફે ટકા નામના શખ્સે તું મને ઓળખતો નથી? હવે તું કેમ દુકાન ચાલુ રાખે છે એ જોઇ લઇશ કહી તોડફોડ કરી ધમકી દીધી હતી.
આ બનાવમાં થોરાળા પોલીસે ૧૫૦ ફૂટ રિંગ રોડ પર શીતલપાર્ક ચોક નજીક આઈ.કે. એમ્બિયન્સ એપાર્ટમેન્ટમાં રહેતા અને ભાવનગર મેઈન રોડ પર ચુનારાવાડ ચોક પાસે જલારામ મોબાઈલ નામે દુકાન ધરાવતા પ્રદિપભાઈ પ્રવિણભાઈ સેદાણી (ઉ.વ.૪૨) નામના વેપારીની ફરિયાદ પરથી અલ્તાફ ઉર્ફે ટકો વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે.
ફરિયાદમાં જણાવ્યા મુજબઆશરે પંદરેક દિવસ પહેલાં ૨૨ વર્ષનો એક અજાણ્યો શખ્સ તેમની દુકાનેથી રૂા.૬૦૦ની પાવર બેન્ક અને કેબલ ખરીદી ગયો હતો. આ પછી મંગળવારે ૧૫મીએ સાંજના છએક વાગ્યે આ યુવક દુકાને આવ્યો હતો અને પાવર બેન્ક બંધ થઈ ગઈ હોવાનું કહી સીટુસીે પાવર બેન્ક બદલાવી આપવા માગણી કરી હતી. પ્રવિણભાઇએ સીટુસી સીટુસી બેન્ક ન હોવાનું જણાવી ચેક કરતાં માત્ર કેબલ બંધ હોવાથી કેબલ બદલાવી આપ્યો હતો. આ વખતે યુવકે વેપારીને તમે ટકાને ઓળખો છો? તેમ પૂછતાં વેપારીએ ના પાડી હતી, જેથી તે જતો રહ્યો હતો.
ત્યારબાદ રાતના આશરે આઠેક વાગ્યાના અરસામાં આ અજાણ્યો યુવક અલ્તાફ ઉર્ફે ટકા નામના શખ્સ સાથે ફરી દુકાને આવ્યો હતો. અલ્તાફ ઉર્ફે ટકાએ દુકાનમાં આવીને દાદાગીરી કરતા કહ્યું હતું કે-કેમ ભાઈ તમે મને ઓળખતા નથી, હું કોણ છું? તેમ કહી બંને જણા ગાળો આપવા લાગ્યા હતા. દેકારો થતાં આસપાસની મોબાઈલની દુકાન ધરાવતા અમરભાઈ સોલંકી, અશોકભાઈ ઉઘરેજા અને સંજયભાઈ ખખ્ખર સહિતના લોકોએ વચ્ચે પડી બંનેને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. છતાં ઉશ્કેરાયેલા અલ્તાફ ઉર્ફે ટકાએ તું કેમ હવે તારી દુકાન ચાલુ રાખે છે એ જોઉ છું તેમ કહી પોતાની પાસે રહેલા લોખંડના સળિયા વડે દુકાનના કાઉન્ટરના કાચ પર ઘા મારી કાચ તોડી નાખ્યો હતો.
દુકાનમાં તોડફોડ કરી અને જતાં જતાં ધમકી આપી બંને શખ્સો ભાગી છૂટયા હતા. ઘટના અંગે વેપારીએ તુરંત ૧૧૨ નંબર પર કોલ કરી પોલીસને જાણ કરી હતી. થોરાળા પોલીસ સ્ટેશનના પીઆઇ એસ. પી. સોઢાની રાહબરીમાં એએસઆઇ કે. એચ. પળાલીયાએ ગુનો નોંધી નોંધ્યો હતો. ડી. સ્ટાફ પીએસઆઇ ટી. ડી. જાડેજા અને ટીમે અલ્તાફ ઉર્ફે ટકો દિલાવરભાઇ ખેરડીયા-મેમણ (ઉ.વ.૩૧-રહે. ભગવતી સોસાયટી, દૂધ સાગર રોડ)ને પકડી લઇ કાયદાનું ભાન કરાવ્યું હતું. પીઆઇ એસ. પી. સોઢાના જણાવ્યા મુજબ આ શખ્સ અગાઉ પણ છથી સાત ગુનાઓમાં પોલીસ ચોપડે ચડી ચુક્યો છે
(3:47 PM IST)










