<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 23rd September 2026

સરપદડના વેપારી પાસેથી વ્‍યાજ-દસ્‍તાવેજ રદના ૧.૦૭ કરોડ રાજકોટના અલ્‍પેશ દોંગાની ટોળકીએ પડાવી લીધા

શરાફી મંડળીમાંથી પ.પ૦ લાખનું ધિરાણ આપી ખેતીનો દસ્‍તાવેજ સાટાખતના બહાને કરાવી લઇ રદ કરવાના નામે રૂપિયા પડાવ્‍યાઃ અલ્‍પેશ દોંગાની ધરપકડઃ અન્‍ય ૪ની શોધખોળ

રાજકોટ તા. ર૩ :.. પડધરીના સરપદડ ગામના વેપારી પાસેથી વ્‍યાજ અને દસ્‍તાવેજ રદના ૧.૦૭ કરોડની રકમ પડાવી લેનાર રાજકોટના અલ્‍પેશ દોંગા અને તેના ૪ સાગ્રીતો સામે પડધરી પોલીસમાં ફરીયાદ થઇ છે. પડધરી પોલીસે મુખ્‍ય આરોપી અલ્‍પેશ દોંગાથી ધરપકડ કરી અન્‍ય ૪ શખ્‍સોની શોધખોળ હાથ ધરી છે.

મળતી વિગતો મુજબ પડધરીના સરપદડ ગામે કરીયાણા અને ચાની દુકાન ધરાવતા પ્રજ્ઞેશભાઇ કિશોરભાઇ ઝાલાવડીયા (ઉ.વ.૨૫)એ આરોપી (૧) અલ્‍પેશ ગોપાલભાઈ દોંગા રહે. રાજકોટ, (૨) અક્ષીત અકબરી ઉર્ફે હેપી પટેલ રહે. રાજકોટ, (૩) ચંદુભાઈ છગનભાઈ વીરડીયા રહે. રાજકોટ, (૪) પીયુષભાઈ ચંદુભાઈ વીરડીયા રહે. રાજકોટ તથા (૫) હિરેનભાઈ રતિભાઈ લુણાગરીયા રહે. સરપદડ તા.પડધરી સામે પડધરી પોલીસમાં ફરીયાદ કરી છે.

ફરીયાદમાં જણાવ્‍યા મુજબ આરોપીઓએ એકબીજા સાથે મળી પૂર્વઆયોજિત ગુનાહિત કાવતરું રચી, સમાન ઈરાદો પાર પાડવા સારુ ફરિયાદીની નાણાકીય જરૂરીયાતનો ગેરલાભ લઈ, આરોપી અલ્‍પેશ ગોપાલભાઈ દોંગાએ ખેતીની લોન પેટે રૂ. ૫,૫૦,૦૦૦/- ધિરાણ કરી તેના પર માસિક ૫% લેખે વ્‍યાજે આપી સરકારશ્રીના નાણા ધીરધાર અધિનિયમના નિયમ વિરુધ્‍ધ લાઈસન્‍સ વગર ઉંચા વ્‍યાજના દરે પૈસા આપી ગેરકાયદેસર વ્‍યાજની પઠાણી ઉઘરાણી કરી વ્‍યાજ વસુલાત કરી, જમીનનો સાટાખત કરી આપવાનું કહી સબ-રજીસ્‍ટ્રાર કચેરી પડધરી ખાતે ફરિયાદીની જમીનનો રજિસ્‍ટર્ડ વેચાણ દસ્‍તાવેજ કરાવી છેતરપીંડી કરી ત્‍યારબાદ ફરિયાદીએ મુદ્દલ તથા વ્‍યાજ સહિત પૂરેપૂરા રૂ. ૯,૮૬,૦૦૦/- ચૂકવી આપવા છતાં દસ્‍તાવેજ રદ ન કરી, સદરહુ દસ્‍તાવેજ આધારે રૂ.૮૦ લાખ ઉપાડી લીધાનું કહી જમીન મુક્‍ત કરાવવાના બહાને આરોપી અલ્‍પેશ દોંગાએ ફરિયાદી પાસેથી એક વર્ષનું માસીક રૂ.૨૭,૫૦૦/- લેખે કૂલ ૫% લેખે વ્‍યાજ સહીત રૂ.૩,૩૦,૦૦૦/- રકમ મેળવેલ તે ઉપરાંત રૂ. ૯,૮૬,૦૦૦/- મળી કુલ રૂ. ૧૩,૧૬,૦૦૦/- સહીત વધુ રૂ. ૪૦,૦૦,૦૦૦/- બળજબરીથી પડાવી લઈ તેમજ આરોપી પીયુષભાઈ ચંદુભાઈ વીરડીયાએ જમીન પરત નામે કરી આપવા સારુ વધુ રૂ. ૫૪,૦૦,૦૦૦/- પડાવી લઈ, ખોટી ફરીયાદ કરી જેલમાં નાખી દેવાની ધમકી આપી કુલ રૂ. ૧,૦૭,૧૬,૦૦૦/- ની રકમ બળજબરીથી પડાવી લઈ પઠાણી ઉઘરાણી કરી ગુનાહિત છેતરપિંડી આચરી તેમજ ફરિયાદી તથા તેના  પિતાને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

 ફરીયાદમાં વધુમાં જણાવ્‍યા મુજબ આરોપી અલ્‍પેશ દોંગા રાજકોટના નાના મોવામાં પટેલ ઇન્‍વેસ્‍ટ પોઇન્‍ટ નામે મંડળી ચલાવતો હોવાનું અને તેના એજન્‍ટ અક્ષીત અકબરી ઉર્ફે હેપી પટેલ રે. રાજકોટ મારફત ફરીયાદીએ તેની ખેતીની જમીન ઉપર ધિરાણ લેતા આરોપી અલ્‍પેશ દોંગાએ ફરીયાદીનું જમીનનું સાટાખતના બદલે દસ્‍તાવેજ કરાવી લીધો હતો. ફરીયાદીને ૧૩પની ડીની નોટીસ મળતા ચોંકી ઉઠતા અલ્‍પેશ દોંગાને જાણ કરતા તેણે ફરીયાદીને એવુ કહેલ કે, દસ્‍તાવેજ પેન્‍ડીંગ છે એટલે આવી ત્રણ નોટીસો આવશે. આરોપી અલ્‍પેશ દોંગાએ પિયુષ વીરડીયાના નામે દસ્‍તાવેજ કરાવી લીધો હતો. અને બાદમાં તેણે જમીન પરત નામે કરવા પ૪ લાખ પડાવી લીધા હતાં.  આરોપીઓએ પૂર્વયોજીત્ર કાવત્રુ રચુ ફરીયાદી પાસેથી કુલ ૧.૦૭ કરોડ પડાવી લીધા હતાં.

પડધરી પોલીસે આ ફરીયાદ અન્‍વયે ગુન્‍હો દાખલ કરી મુખ્‍ય આરોપી અલ્‍પેશ દોંગાની ધરપકડ કરી હતી. જયારે અન્‍ય ૪ આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. પકડાયેલ અલ્‍પેશ દોંગા સામે રાજકોટ શહેર અને જીલ્લામાં છેતરપીંડીના ગુન્‍હાઓ અગાઉ નોંધાયા છે.

(11:36 AM IST)