તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 2nd October 2026
અલ્પેશ દોંગાની ટોળકીએ ૨.૧૫ કરોડ ચૂકવી ૪૩.૫૩ કરોડની જમીન લખાવી લીધાનો ધડાકો : ૧૫૨ દસ્તાવેજો- સાટાખત મળ્યા
ગોંડલ તાલુકાના ગુનામાં અલ્પેશ દોંગાનો કબ્જો લેવાયોઃ સાગરિત અક્ષીત અકબરીને રૂરલ એલસીબીએ ઝડપી લીધોઃ અલ્પેશની રાજકોટ સ્થીત ઓફીસેથી દસ્તાવેજો-સાટાખતના ઢગલા મળ્યાઃ કોભાંડી ટોળકીના વધુ કારસ્તાનો જાહેર કરતા એસપી વિજયસિંહ ગુર્જર : અલ્પેશ દોંગાની ટોળકી સાથે વધૂ ૭ ગુનાઓ નોંધાઇ તેવી વકીઃ ઓફિસમાંથી મળેલા ૧૫૨ દસ્તાવેજો અને સાટાખત અંગે સીટ દ્વારા તપાસનો ધમધમાટઃ જમીન ખરીદનાર અને ઇન્વેસ્ટરો :અંગે પણ તપાસ કરાશેઃ એસપી વિજયસિંહ ગુર્જર ગીતા ચેરીટેબલ ટ્રસ્ટ, શ્રી અષ્ટલક્ષ્મી લોન હાઉસ કે પટેલ ઇન્વેસ્ટમેન્ટ પોઇન્ટના નામે લોન માટે ફોન આવ્યો હોય અને છેતરપીંડીનો ભોગ બન્યા હોય તો રૂરલ પોલીસમાં ફરિયાદ કરવા જનતાને અપીલ : અલ્પેશ દોંગાની ટોળકીએ ગુડવીલ માટે ભગવતગીતાના નામે ગીતા નામધારી મહિલાઓના સન્માન માટે ભાવનગર અને સુરતમાં કાર્યક્રમો યોજયા બાદ અમદાવાદમાં કાર્યક્રમનું આયોજન કર્યું'તુઃ સોશ્યલ મીડીયામાં પણ ગીતા નામધારી મહિલાઓનો સંપર્ક કરી લોનની લાલચ આપતા'તા

તસ્વીરમાં પ્રેસ કોન્ફરન્સમાં રૂરલ એસપી વિજયસિંહ ગુર્જર માહિતી આપતા નજરે પડે છે બાજુમાં એલસીબી પીઆઇ જે.પી. રાવ, પડધરીના પીએસઆઇ અગ્રાવત અને છેલ્લી તસ્વીરમાં આરોપી અક્ષિત અકબરી તથા અલ્પેશ દોંગા અને કબ્જે કરાયેલ દસ્તાવેજો દેખાઇ છે.(તસ્વીરઃ સંદિપ બગથરીયા)(૨.૧૭)
રાજકોટ તા.૨: વ્યાજખોરી અને જમીન પચાવી પાડવાના અલ્પેશ દોંગાની ટોળકીના કાવતરાનો રૂરલ પોલીસે પર્દાફાશ કર્યા બાદ કરોડોના જમીન પચાવી પાડવાના આ કોૈભાંડમાં રૂરલ પોલીસની સીટની તપાસમાં વધૂ કોૈભાંડો ઉજાગર થયા છે. અલ્પેશ દોંગાની ટોળકીએ ૨.૧૫ કરોડ ચૂકવી ૪૩.૫૩ કરોડની જમીન લખાવી લીધાનો ઘટસ્ફોટ થતા અને વધૂ ૧૫૨ જેટલા દસ્તાવેજો થતા સાટાખતો મળી આવતા તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે.
રૂરલ એસપી કચેરી ખાતે યોજાયેલ પ્રેસ કોન્ફરન્સમાં વિશેષ માહિતી આપતા એસપી વિજયસિંહ ગુર્જરે જણાવ્યુ હતું કે, રેન્જ ડીઆઇજી નિર્લીપ્ત રાયના માર્ગદર્શન હેઠળ અલ્પેશ દોંગાની ટોળકીના કોૈભાંડો ઉજાગર કરવા માટે રચાયેલ સીટની તપાસમાં અગાઉ આરોપી અલ્પેશ દોંગા તથા અક્ષિત અકબરી ની ટોળકી વિરૂધ્ધ કુલ-૧૨ ગુન્હાઓ દાખલ થયેલ હતાં જેમાં પડધરી-૦૧, ગોંડલ તાલુકા-૦૧, જામનગર જિલ્લાના કાલાવડ -૦૨ ગુન્હાઓ દાખલ કરવામાં આવેલ છે તથા આ સીવાય SIT દ્વારા અત્યાર સુધીમાં ૦૭ જેટલા અરજદારએ સંપર્ક કરી અરજીઓ આપેલ છે જેની તપાસ હાલ પ્રગતી પર છે. SIT દ્વારા અલ્પેશ દોંગાના સાગરીત આરોપી અક્ષિત અકબરીને રૂરલ એલસીબીએ ઝડપી લઇ પૂછતાછ હાથધરી છે અને આરોપી અલ્પેશ દોંગાનો ગોંડલ તાલુકાના ગુનામાં કબ્જો મેળવી રીમાન્ડની પ્રક્રિયા હાથ ધરી વધુ તપાસ કરવામાં આવી રહેલ છે.
અલ્પેશ દોંગાની ટોળકી દ્વારા ગીતા ચેરીટેબલ ટ્રસ્ટના નામે ગુડવિલ મેળવવા માટે ચલાવવામાં આવી રહેલ કોલ સેન્ટરો બાબતે તપાસ ચાલુ છે તથા અગાઉ આરોપીઓએ ભાવનગર તથા સુરત ખાતે ગીતા જયંતિનો પોગ્રામ કરેલ અને આવનાર સમયમાં ૨૮ ડીસેમ્બરના દિવસે અમદાવાદ નિકોલ ખાતે ૨૫ હજાર ગીતા નામની બહેનોને એકત્રીત કરી કરવામાં આવનાર પોગ્રામ બાબતેની તપાસ પણ ચાલુ છે. આરોપી અક્ષિત અકબરીની સઘન પુછપરછ દરમ્યાન આરોપી અલ્પેશ દોંગાની બીઝનેસ ટર્મીનલ નામના એપાર્ટમેન્ટમાં ચોથા માળે આવેલ ઓફીસ નં.૪૦૨ ની ઝડતી કરાવામાં આવેલ છે. અને ત્યાથી અન્ય દસ્તાવેજ તથા સાટાખત મળી કુલ ૧૫૨ જેટલા જમીનના દસ્તાવેજોની નકલો મળી આવેલ જે તપાસના કામે કબ્જે કરી વધુ તપાસ હાથ ધરાઇ છે.
એસપી વિજયસિંહ ગુર્જર વધુમાં જણાવ્યુ હતુ કે, હાલ SIT ની તપાસ દરમ્યાન કુલ - ૧૩૦ વિઘા જમીન જેની બજાર કિંમત ૪૩ કરોડ ૫૩ લાખ જેટલી થાય છે જે જમીન પેટે આરોપીઓએ માત્ર ૨ કરોડ ૧૫ લાખ ૧૫ હજાર જેટલી રકમ ચુકવી જે-તે ખેડુત ખાતેદારનો દસ્તાવેજો/ સાટાખત કરાવી લીધેલાનુ ષડયંત્ર ધ્યાને આવેલ છે. તેમજ આરોપીઓ દ્વારા ઓપરેટ થઇ રહેલ કોલ સેન્ટરોના ટેલીકોલર બાબતેની તપાસ અને પુછપરછ ચાલુ છે અને આરોપીઓ અને ટેલીકોલરની ટીમ હોય જે ટીમ શોશ્યલ મીડીયા ઉપર પોસ્ટ ઉપર બુસ્ટીંગ કરવાનુ કામ કરતી હતી જે ટેલીકોલરની પુછપરછ કરી તપાસ ચાલુ છે.
અલ્પેશ દોંગાની ટોળકી વિરૂધ્ધ અલગ-અલગ ગુન્હાઓમાં અન્ય આરોપીઓ પીયૂષભાઈ ચંદુભાઈ વીરડીયા, રહે, રાજકોટ, ચંદુભાઇ છગનભાઇ વીરડીયા રહે, રાજકોટ, હીરેન રતીલાલ લુણાગરીયા રહે. સરપદળ તા.પડધરી (વચેટીયો), મયુર કાનગડ ઉર્ફે મયુર આહિર રહે. વડાળી તા.ચોટીલા, મનીષાબેન અભયભાઈ મોલીયા રહે. રાજકોટ જયેશભાઇ રામજીભાઈ ભાલાળા રહે.રાજકોટના નામ ખુલતા તેની શોધખોળ હાથ ધરાઇ છે.
રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા ખેડૂતો તથા જાહેર જનતા જોગ અપીલ કરાઇ છે કે, જો આપને ‘‘બાલાજી- લોન'' ‘ગીતા ચેરીટેબલ ટ્રસ્ટ', ‘‘શ્રી અષ્ટલક્ષ્મી લોન હાઉસ'' કે ‘‘પટેલ ઇન્વેસ્ટમેન્ટ પોઇન્ટ'' નામે કે અન્ય કોઇ ના લોન માટે ફોન આવ્યો હોય, અથવા ઉપરોક્ત આરોપીઓ સાથે લોન/જમીનનો વ્યવહાર કર્યા બાદ છેતરાયા હોવ, તો કોઈ પણ ડર રાખ્યા વગર આપના વિસ્તારના નજીકના પોલીસ સ્ટેશન અથવા લ્ત્વ્ ઓફીસ સાયબર પોલીસ સ્ટેશન, રાજકોટ ગ્રામ્યનો સંપર્ક કરવો અથવા પોલીસ કંટ્રોલ રૂમ, રાજકોટ ગ્રામ્ય - ૭૪૩૩૯ ૧૧૧૦૦ (ઇમરજન્સી - ૧૧૨), મદદનિશ પોલીસ અધિક્ષકશ્રી, ધોરાજી વિભાગના ટેલીફોન નંબર ૯૨૧૩૦ ૦૦૪૩૪, મદદનિશ પોલીસ અધિક્ષકશ્રી, જસદણ વિભાગના ટેલીફોન નંબર ૯૧૭૩૩ ૮૪૭૮૪, નાયબ પોલીસ અધિક્ષકશ્રી, જેતપુર વિભાગના ટેલીફોન નંબર ૯૯૭૮૪ ૦૮૧૮૮, નાયબ પોલીસ અધિક્ષકશ્રી, ગોંડલ વિભાગના ટેલીફોન નંબર ૯૯૭૮૪ ૦૭૦૯૫ તથા પડધરી પોલીસ સ્ટેશન ૬૩૫૯૬ ૨૫૭૨૫ નો સંપર્ક કરવા જણાવાયું છે.(૨.૧૬)
(2:33 PM IST)










