<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th November 2026

રાજકોટ કલેક્‍ટર કચેરીની બિનખેતી શાખામાં મોટા પાયે ગેરરીતિઓના આક્ષેપોઃ કોંગ્રેસે ઉચ્‍ચસ્‍તરીય તપાસની માંગ ઉઠાવી

નાયબ મામલતદારની કામગીરી સામે સવાલો : ખાનગી વ્‍યક્‍તિઓ સરકારી ફાઈલોનું કામ કરતા હોવાનો દાવો : એકરદીઠ લાખો રૂપિયાની કથિત લેવડદેવડ અંગે તપાસ કરવા રજૂઆત કોંગ્રેસના પ્રદેશ ઉપપ્રમુખ ડો.હેમાંગ વસાવડા અને સૌરાષ્ટ્ર- કચ્‍છના પ્રવક્‍તા સંજયભાઈ લાખાણી અને કૃષ્‍ણદત્ત રાવલ દ્વારા કલેક્‍ટરને આવેદન : અન્‍ય જિલ્‍લાના અધિકારીઓની વિશેષ તપાસ સમિતિ રચવા, જવાબદારો સામે કાયદેસર કાર્યવાહી કરવા માંગ : પગલાં નહીં લેવાય તો આંદોલનની ચીમકી

રાજકોટ, તા. ૪ : રાજકોટ જિલ્‍લા કલેક્‍ટર કચેરીની બિનખેતી શાખાની કામગીરીમાં ગંભીર ગેરરીતિઓ અને કથિત નાણાકીય લેવડદેવડ થતી હોવાના આક્ષેપો સાથે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ જિલ્‍લા વહીવટી તંત્ર સમક્ષ ઉચ્‍ચસ્‍તરીય તપાસની માંગ ઉઠાવી છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ ડો. હેમાંગ વસાવડા તથા સૌરાષ્ટ્ર-કચ્‍છ વિભાગના પ્રવક્‍તા સંજયભાઈ લાખાણી તથા કૃષ્‍ણદત્ત રાવલએ જિલ્‍લા કલેક્‍ટરને રૂબરૂ મળી વિસ્‍તૃત આવેદનપત્ર પાઠવી બિનખેતી શાખાના નાયબ મામલતદાર મુકેશભાઈ રાઠોડની કામગીરી તથા કચેરીમાં ખાનગી વ્‍યક્‍તિઓની કથિત સંડોવણી અંગે નિષ્‍પક્ષ તપાસ કરવા રજૂઆત કરી છે.

કોંગ્રેસના પ્રદેશ ઉપપ્રમુખ ડો. હેમાંગ વસાવડા અને સૌરાષ્ટ્ર-કચ્‍છ વિભાગના પ્રવક્‍તા સંજયભાઈ લાખાણીના જણાવ્‍યા મુજબ, કલેક્‍ટર કચેરીની બિનખેતી શાખામાં છેલ્‍લા કેટલાક સમયથી સરકારી કામગીરીમાં બિનઅધિકૃત વ્‍યક્‍તિઓની હાજરી અંગે અનેક રજૂઆતો મળી છે. આવેદનપત્રમાં આક્ષેપ કરવામાં આવ્‍યો છે કે વિજય પરમાર, ટી. બી. લીંબાસિયા અને પ્રકાશભાઈ સોલંકી નામની ત્રણ ખાનગી વ્‍યક્‍તિઓ કચેરીમાં બેસીને સરકારી ફાઈલોની ચકાસણી, અરજદારોને માર્ગદર્શન તથા અન્‍ય વહીવટી કામગીરીમાં સંકળાયેલી હતી. આ વ્‍યક્‍તિઓને આવી કામગીરી કરવાની સત્તા કોણે આપી અને તેમની ભૂમિકા શું હતી તે અંગે તપાસ જરૂરી હોવાનું કોંગ્રેસે જણાવ્‍યું છે.

શહેરી વિસ્‍તારમાં એકરદીઠ રૂ. ૧.૨૫ લાખ અને ગ્રામ્‍ય વિસ્‍તારમાં રૂ. ૧ લાખની કથિત માંગણીના આક્ષેપો

કોંગ્રેસના અગ્રણીઓના જણાવ્‍યા અનુસાર, બિનખેતીની મંજૂરી મેળવવા માટે અરજદારો પાસેથી કથિત રીતે નાણાંની માંગણી થતી હોવાની ફરિયાદો પણ તેમના ધ્‍યાન ઉપર આવી છે. આવેદનપત્રમાં શહેરી વિસ્‍તારમાં એકરદીઠ રૂ. ૧.૨૫ લાખ અને ગ્રામ્‍ય વિસ્‍તારમાં એકરદીઠ રૂ. ૧ લાખ સુધીની કથિત લેવડદેવડના આક્ષેપો કરવામાં આવ્‍યા છે. નાણાં નહીં આપનાર અરજદારોની ફાઈલોમાં વારંવાર ખામીઓ દર્શાવી પ્રક્રિયામાં વિલંબ કરવામાં આવતો હોવાનો પણ દાવો કરાયો છે. જોકે, આ આક્ષેપોની સત્‍યતા અને તેમાં કોઈ નાણાકીય ગેરરીતિ થઈ છે કે કેમ તે સત્તાવાર તપાસ બાદ જ સ્‍પષ્ટ થઈ શકશે.

આવેદનપત્રમાં વધુમાં જણાવાયું છે કે બિનખેતી શાખા જ્‍યાં આવેલી છે તે વિસ્‍તારમાં સી.સી.ટીવી કેમેરાની વ્‍યવસ્‍થા છે. તેથી છેલ્‍લા કેટલાક મહિનાના કેમેરાના ફૂટેજ, સરકારી ફાઈલોની હેરફેર, મુલાકાતીઓની અવરજવર તથા સંબંધિત દસ્‍તાવેજોની તપાસ કરવામાં આવે તો સમગ્ર બાબત અંગે મહત્‍વપૂર્ણ વિગતો બહાર આવી શકે છે.

કોંગ્રેસના પ્રદેશ ઉપપ્રમુખ ડો. હેમાંગ વસાવડા તથા પ્રવક્‍તા સંજયભાઈ લાખાણીના જણાવ્‍યા મુજબ, નાયબ મામલતદાર મુકેશભાઈ રાઠોડ દ્વારા કચેરીમાં કર્મચારીઓની અછતને કારણે બહારની વ્‍યક્‍તિઓની મદદ લેવામાં આવતી હોવાનું મીડિયા સમક્ષ જણાવાયું હતું. જોકે, સ્‍ટાફની અછત હોય તો નિયમ મુજબ વધારાના કર્મચારીઓની માંગણી કરવી જોઈએ. ખાનગી વ્‍યક્‍તિઓને સરકારી ફાઈલો અને સંવેદનશીલ દસ્‍તાવેજો સાથે કામ કરવાની મંજૂરી હતી કે કેમ તે બાબતની તપાસ થવી જરૂરી છે.

આ સમગ્ર મામલે જિલ્‍લા કલેક્‍ટર દ્વારા નાયબ મામલતદારને કારણદર્શક નોટિસ આપવામાં આવી હોવાનું અને પ્રાથમિક તપાસ અધિક કલેક્‍ટર બારોટને સોંપવામાં આવી હોવાનું કોંગ્રેસના આવેદનપત્રમાં જણાવાયું છે. જોકે, સમગ્ર મામલાની તપાસ વધુ પારદર્શક અને વિશ્વસનીય બને તે માટે અન્‍ય જિલ્‍લાના ઉચ્‍ચ અધિકારીઓનો સમાવેશ કરતી વિશેષ તપાસ સમિતિ રચવાની માંગ કોંગ્રેસે કરી છે.

કોંગ્રેસના અગ્રણીઓએ વધુમાં જણાવ્‍યું છે કે તપાસ દરમિયાન સંબંધિત અધિકારીને બિનખેતી શાખાની કામગીરીમાંથી અન્‍યત્ર ખસેડવા, જરૂરી દસ્‍તાવેજો અને સી.સી.ટીવી ફૂટેજ સુરક્ષિત રાખવા તથા તપાસમાં ગેરરીતિ કે ભ્રષ્ટાચારના પુરાવા મળે તો જવાબદાર વ્‍યક્‍તિઓ સામે ભ્રષ્ટાચાર નિવારણ કાયદા સહિત લાગુ પડતી જોગવાઈઓ હેઠળ ફોજદારી કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ ચીમકી આપી છે કે આ ગંભીર રજૂઆત અંગે આગામી દિવસોમાં યોગ્‍ય અને સંતોષકારક કાર્યવાહી નહીં થાય તો રાજકોટમાં લોકશાહી ઢબે આંદોલન અને વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. આવેદનપત્રની નકલો મુખ્‍યમંત્રી કાર્યાલય, રાજ્‍યની તકેદારી શાખા અને સંબંધિત ઉચ્‍ચ અધિકારીઓને પણ મોકલવામાં આવી હોવાનું જણાવાયું છે. દરમિયાન, કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલા આક્ષેપો અંગે સંબંધિત અધિકારી તથા જિલ્‍લા વહીવટી તંત્રનો વિગતવાર સત્તાવાર ખુલાસો અને તપાસનું અંતિમ તારણ આવવાનું બાકી છે.

(4:27 PM IST)