<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 16th May 2026

દવાની તમામ દુકાનો બુધવારે બંધઃ હડતાળ

રાષ્‍ટ્રીયકક્ષાના કેમીસ્‍ટ એસો. દ્વારા બંધનું એલાનઃ સાડાબાર લાખ સભ્‍યો : ગેરકાયદેસર ઓનલાઇન ફાર્મસીના વિરોધમાં દર્દીઓના હિતમાં અને કેમીસ્‍ટ એકતા માટે બંધનું એલાન અપાયું હોવાનું હોદેદારોએ અકિલાને જણાવ્‍યું: જરૂરી દવા ચેક કરી લેવી હિતાવહ : ગુજરાતના ૩ર હજાર, સૌરાષ્‍ટ્ર-કચ્‍છના ૧ર હજાર તથા રાજકોટના ૧૬૦૦ દવાના વેપારીઓ રોષભેર બંધમાં જોડાશે : રાષ્‍ટ્રીય કેમીસ્‍ટ સંગઠન (AIOCD)ના અધ્‍યક્ષ જે.એસ. શીંદે, ગુજરાત કેમીસ્‍ટ ફેડરેશનના પ્રમુખ જશુભાઇ પટેલ, સૌરાષ્‍ટ્ર-કચ્‍છ અને રાજકોટ કેમીસ્‍ટ એસો.ના પ્રમુખ મયુરસિંહ જાડેજા અને મંત્રી અનિમેષ દેસાઇ દ્વારા ઓનલાઇન દવાના ગેરકાયદેસર વેપાર તથા નકલી દવાઓ વિરૂધ્‍ધ કડક કાર્યવાહી કરવા સરકાર પાસે ઉગ્ર માંગણી

રાજકોટ, તા. ૧૬: માહિતી, ટેકનોલોજી અને કોમ્‍પીટીશનના આજના ફાસ્‍ટ ફોરવર્ડ જમાનામાં એલોપેથીક દવાઓ લગભગ દરેક કુટુંબમાં અનિવાર્ય બનતી જાય છે. જીવન જરૂરીયાતની નાની-મોટી દવાઓ ડોકટર્સની સલાહ મુજબ હંમેશા ઘરમાં હાથવગી રાખવી હિતાવહ છે. ર૦ મે, ર૦ર૬ બુધવારના રોજ દવાની તમામ દુકાનો બંધ રહેશે, જેમાં સમગ્ર દેશના અંદાજે સાડાબાર લાખ દવાના વેપારીઓ-મેડીકલ સ્‍ટોર્સ (રીટેલર્સ-હોલસેલર્સ-સર્જીકલ વિક્રેતા) રોષભેર જોડાશે. સમગ્ર ગુજરાતના અંદાજે ૩ર હજાર, સૌરાષ્‍ટ્ર-કચ્‍છના ૧ર હજાર તથા રાજકોટના ૧૬૦૦ જેટલા  દવાના વેપારીઓ દવા બજારમાં હડતાળ પાડશે તેવું ગુજરાત કેમીસ્‍ટસ એન્‍ડ ડ્રગીસ્‍ટસ ફેડરેશન (FGSCDA)ના પ્રમુખ શ્રી જશુભાઇ પટેલ, સૌરાષ્‍ટ્ર-કચ્‍છ કેમીસ્‍ટસ એન્‍ડ ડ્રગીસ્‍ટસ એસોસીએશન અને કેમીસ્‍ટસ એસો. રાજકોટના પ્રમુખ મયુરસિંહ જાડેજા તથા મંત્રી અનિમેષભાઇ દેસાઇએ અકિલાને જણાવ્‍યું હતું.

સમગ્ર દેશમાં ફેલાયેલ સાડા બાર લાખ જેટલા દવાના વેપારીઓના સંગઠન ઓલ ઇન્‍ડિયા ઓર્ગેનાઇઝેશન ઓફ કેમીસ્‍ટસ એન્‍ડ ડ્રગીસ્‍ટસ  (AIOCD)ના પ્રમુખ શ્રી જે.એસ. શીંદેના માર્ગદર્શન હેઠળ યોજાનાર ‘દવાબજાર બંધ' ખાસ કરીને ગેરકાયદેસર ઓનલાઇન ફાર્મસીના વિરોધમાં, દર્દીઓના હિતમાં (નકલી દવાઓ સંદર્ભે) તથા કેમીસ્‍ટ એકતા-સંગઠન માટે હોવાનું ઉપરોકત હોદેદારોએ અકિલાને જણાવ્‍યુ હતું. હોદેદારો દ્વારા ઓનલાઇન દવાના ગેરકાયદેસર વેપાર અને નકલી દવાઓ વિરૂધ્‍ધ કડક કાર્યવાહી કરવા સરકાર પાસે ઉગ્ર માંગણી કરવામાં આવી રહી છે.

ઓનલાઇન દવાઓના ગેરકાયદેસર વેચાણ સંદર્ભે નામદાર હાઇકોર્ટમાં પણ કેસ પેન્‍ડીંગ હોવાનું તથા ડ્રગ કંટ્રોલર ઓફ ઇન્‍ડિયા દ્વારા પણ દવાના ઓનલાઇન વેચાણ સંદર્ભે નકારાત્‍મક અભિપ્રાય હોવાનું મયુરસિંહ જાડેજા અને અનિમેષભાઇ દેસાઇએ જણાવ્‍યું હતું.

દવાના ઓનલાઇન વેચાણમાં ઘણી વખત ડોકટર્સના યોગય-માન્‍ય પ્રિસ્‍ક્રીપ્‍શનની ખરાઇ પણ થતી ન હોય, ઘણી વખત યુવાધન ટ્રાન્‍કયુલાઇઝર દવાઓ લેતા થઇ જાય અને ગેરમાર્ગે દોરાઇ જવા સંભવ, કોર્પોરેટ કંપનીઓ દ્વારા અમુક કિસ્‍સામાં ભારે ડીસ્‍કાઉન્‍ટ અપાતું હોય, કંપનીના ઓથોરાઇઝડ સ્‍કોકીસ્‍ટ કે રીટેલર્સ કરતા પણ ઓછી કિંમતે દવા મળતા આヘર્ય સાથે કહેવાતી-સંભવિત નકલી દવાઓ સંદર્ભે શંકા ઉપજે જે સ્‍વાભાવિક હોવાનું દવાબજારના રાષ્‍ટ્રીય અને રાજયકક્ષાના હોદેદારો કહી રહયા છે.(૬.૧૪)

 

 

દવા બજારની હડતાલના કારણોઃ કેમીસ્‍ટો દ્વારા વિરોધ

- ડુપ્‍લીકેટ-નકલી દવાઓનો વિરોધ

- જીએસઆર ૮૧૭ (ઇ) અને જીએસઆર રર૦ (ઇ) ના દુરૂપયોગનો વિરોધ

(ર૦૧૮માં દવાના ઓનલાઇન વેચાણને કાયદેસર કરવાનું સુચન તથા ર૦ર૦માં કોરોના કાળમાં સંક્‍મણ  ન ફેલાય તે માટે દવાઓની ઘર બેઠા ડીલીવરી મળી રહે તે બાબતનું નોટીફીકેશન. હવે તો કોરોના કાળ સમાપ્ત થઇ ગયો છે)

- બીન નિયમીત ઓનલાઇન દ્વારા દવા વેચાણનો વિરોધ

- દર્દીઓના આરોગ્‍ય સાથે છેડછાડનો વિરોધ

(2:56 PM IST)