તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 23rd September 2026
આવાસ અંગેની તમામ વિગતો સોગંદનામામાં જાહેર કરેલી : દક્ષાબેન વસાણી
કશું છુપાવ્યું નથી, નિયમ મુજબ જ આવાસ ફાળવાયું છે : ફોર્મમાં મકાન હોવાનો ઉલ્લેખ કર્યો હતોઃ રાજકીય હેતુથી કરાયેલા આક્ષેપો પાયાવિહોણા હોવાનું જણાવતા ડેપ્યુટી મેયર

રાજકોટઃ રાજકોટનાં ડેપ્યુટી મેયર દક્ષાબેન વસાણીને આવાસ ફાળવવાના મામલે કરવામાં આવેલા આક્ષેપોને તેમણે પાયાવિહોણા ગણાવ્યા છે. દક્ષાબેન વસાણીએ સ્પષ્ટતા કરતાં જણાવ્યું છે કે આવાસ માટે રજૂ કરેલા સોગંદનામામાં પરિવાર પાસે રહેલા મકાન સહિતની જરૂરી વિગતોનો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. ફાળવણી પ્રક્રિયામાં કોઈ માહિતી છુપાવવામાં આવી નથી અને નિયમ મુજબ જ આવાસ મેળવવામાં આવ્યો છે.
દક્ષાબેન વસાણીના જણાવ્યા અનુસાર તેમણે વર્ષ ૨૦૧૫માં આવાસ મેળવવા માટે જરૂરી સોગંદનામું રજૂ કર્યું હતું. તેમાં પોતાની તથા પરિવારની રહેણાક અને મિલકત સંબંધિત વિગતો જાહેર કરવામાં આવી હતી. આથી આવાસ મેળવવા માટે ખોટી માહિતી રજૂ કરી હોવાનો કે હકીકતો છુપાવી હોવાનો આક્ષેપ સત્યથી વેગળો છે.
તેમણે જણાવ્યું હતું કે સાધુ વાસવાણી રોડના નટરાજનગર વિસ્તારમાં આવેલ ફ્લેટ નં. બી-૧૧૯ તેમને પોતાના પરિવારના રહેઠાણ માટે નિયમસર ફાળવવામાં આવ્યો હતો. ત્યારથી તેઓ અને તેમનો પરિવાર આ આવાસમાં જ રહે છે. આ ફ્લેટ કોઈને વેચાણ, ગીરો, બક્ષિસ કે અન્ય રીતે હસ્તાંતર કરવામાં આવ્યો નથી.
દક્ષાબેન વસાણીએ જણાવ્યું હતું કે આવાસ ફાળવણી સાથે જોડાયેલા તમામ દસ્તાવેજો અને વિગતો સંબંધિત વિભાગ પાસે ઉપલબ્ધ છે. સત્તાવાર રેકોર્ડની તપાસ કરવામાં આવે તો સમગ્ર હકીકત સ્પષ્ટ થઈ જશે. પોતાના રાજકીય અને જાહેર જીવનને બદનામ કરવાના હેતુથી અધૂરી માહિતીના આધારે આક્ષેપો કરવામાં આવી રહ્યા હોવાનું તેમણે જણાવ્યું હતું.
તેમના કહેવા પ્રમાણે આવાસ માટે અરજી કરવામાં આવી ત્યારે અમલમાં રહેલ પ્રક્રિયાનું પાલન કરવામાં આવ્યું હતું. અરજી, સોગંદનામું અને અન્ય જરૂરી દસ્તાવેજો રજૂ કર્યા બાદ જ મહાનગરપાલિકાના સંબંધિત વિભાગ દ્વારા આવાસની ફાળવણી કરવામાં આવી હતી. તેથી અધિકારીઓની તપાસ અને મંજૂરી બાદ થયેલી ફાળવણીને વર્ષો પછી વિવાદાસ્પદ બનાવવી યોગ્ય નથી.
માત્ર હાલમાં તેઓ ડેપ્યુટી મેયર જેવા જવાબદાર પદ પર છે એટલે વર્ષો પહેલાં નિયમસર થયેલી આવાસ ફાળવણીને રાજકીય મુદ્દો બનાવવો યોગ્ય નથી. જાહેર જીવનમાં જવાબદારી સંભાળતી વ્યક્તિ સામે આક્ષેપ કરવામાં આવે ત્યારે તમામ દસ્તાવેજો અને સત્તાવાર હકીકતો તપાસ્યા બાદ જ નિષ્કર્ષ પર પહોંચવું જોઈએ તેમ તેમણે જણાવ્યું હતું.
તેમણે કહ્યું હતું કે, મેં કોઈ માહિતી છુપાવી નથી. જે૭ વિગતો જરૂરી હતી તે સોગંદનામામાં દર્શાવવામાં આવી હતી. તમામ દસ્તાવેજો તંત્ર પાસે છે. નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તો મારા પર કરવામાં આવેલા આક્ષેપો પાયાવિહોણા હોવાનું સાબિત થશે.
(4:17 PM IST)










