<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd June 2026

હોકર્સ ઝોનના વેપારીઓએ મનપાને આપ્‍યો ખુલાસોઃ ભવિષ્‍યમાં નિયમોનું પાલન કરવાની આપી ખાત્રી

ફાળવેલી ૪×૮ ફૂટની જગ્‍યાથી વધુ વિસ્‍તારમાં માલસામાન રાખવા બદલ વ્‍યક્‍ત કરી દિલગીરી; ગોપવંદનાના ૩૫ જેટલા થડા ધારકોએ નોટિસ મામલે સહાનુભૂતિપૂર્વક વિચારણા કરવા કરી વિનંતી

રાજકોટ, તા., રરઃ  ૨૨-બી ગોપવંદના હોકર્સ ઝોનના પ્રમુખ પરેશભાઈ લક્ષ્મણભાઈ રાઠોડ તથા અન્‍ય આશરે ૩૫ થડા ધારકોએ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવેલી નોટિસના જવાબમાં પોતાનો ખુલાસો રજૂ કર્યો છે. વેપારીઓએ જણાવ્‍યું હતું કે તેઓ મહાનગરપાલિકા દ્વારા ફાળવવામાં આવેલી ૪થ૮ ફૂટની જગ્‍યામાં શાકભાજી વેચાણનો વ્‍યવસાય કરે છે અને તેના બદલામાં દર મહિને નિયમિત રીતે રૂ. ૧,૧૮૦ની ફી ભરે છે.

વેપારીઓના જણાવ્‍યા અનુસાર મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા કરવામાં આવેલા ચેકિંગ દરમિયાન કેટલાક થડા ધારકો દ્વારા ફાળવેલી જગ્‍યાથી વધુ વિસ્‍તારમાં શાકભાજી અથવા અન્‍ય માલસામાન રાખવામાં આવ્‍યો હોવાનું નોંધાયું હતું, જેના પગલે નોટિસ આપવામાં આવી હતી.

નોટિસના જવાબમાં થડા ધારકોએ સ્‍વીકાર્યું છે કે કેટલીક વખત અજાણતા કે શરતચૂકથી ફાળવેલી જગ્‍યાની મર્યાદા કરતાં વધુ વિસ્‍તારમાં માલસામાન રહી ગયો હોઈ શકે છે. આ બાબતે તેમણે દિલગીરી વ્‍યક્‍ત કરી મહાનગરપાલિકા સમક્ષ માફી માંગી છે.

સાથે જ તમામ વેપારીઓએ ભવિષ્‍યમાં ફાળવેલી જગ્‍યાની મર્યાદાનું સંપૂર્ણ પાલન કરવાની ખાતરી આપી છે અને મહાનગરપાલિકાને નોટિસ બાબતે સહાનુભૂતિપૂર્વક વિચારણા કરી થયેલી ભૂલ દરગુજર કરવા વિનંતી કરી છે. (૪.૧૪)

 

(3:42 PM IST)