News of Thursday, 23rd April 2026
કાલાવડ રોડની ચહલ એકેડેમીમાં સુધીર ચાવડા સાથે અક્ષયની માથાકુટઃ એટ્રોસીટી
એકેડેમીના સંચાલકને બ્રોકર અક્ષય ફોનમાં ગાળો દેતો હોઇ સુધીરે વાત કરતાં તું કોણ છો? કહી અપમાનીત કર્યોઃ માલવીયાનગરમાં ફરિયાદ

રાજકોટ તા. ૨૩: કાલાવડ રોડ પર આવેલી ચહલ એકેડેમી ખાતે સરકારી નોકરીને લગતી પરિક્ષાની તૈયારી કરવા જતાં યુવાન સાથે એક બ્રોકરે માથાકુટ કરી જ્ઞાતિ પ્રત્યે અપમાનીત કરતાં એટ્રોસીટી હેઠળ ગુનો નોંધાયો છે.
આ બનાવમાં કાલાવડ રોડ કણકોટ પાટીયા પાસે ઉપવન સોસાયટી આદિત્ય-વન બિલ્ડીંગની બાજુની શેરી ઇસ્કોન મંદિર સામેના ભાગે રહેતાં સુધીર રમેશભાઇ ચાવડા (ઉ.વ.૨૬)ની ફરિયાદ પરથી માલવીયાનગર પોલીસે અક્ષય જોષી વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરી છે.
ફરિયાદમાં સુધીર ચાવડાએ ફરિયાદમાં વધુમાં જણાવ્યું છે કે હું ચહલ એકેડેમી ખાતે બે વર્ષથી નોકરીને લગતી તૈયારી કરુ છું. ૧૮ ડીસેમ્બરના સાંજે સાડા છએક વાગ્યે હું એકેડેમીના પાંચમા માળે હતો ત્યારે ડીરેકટર નિરવ ભટ્ટ, તેમના પત્નિ ભાવીશાબેન તેમજ ચહલ એકેડેમી માટે એક મકાન ભાડે રાખેલ તેના માલિક તેમજ બીજા ત્રણેક વિદ્યાર્થીઓ એમ બધા ચર્ચા કરતાં હતાં ત્યારે નિરવભાઇએ બ્રોકર અક્ષય જોષીને ફોન કર્યો હતો.
આ વખતે તેમની વચ્ચે બોલાચાલી થઇ હતી. ત્યારે ચાલુ ફોને નિરવભાઇએ ફોન મને આપતાં સામે વાળાને મેં શાંત થઇ જવા કહેતાં તેણે ‘તું કોણ છો?' તેમ કહી ગાળો દીધી હતી અને ફોન કટ કરી નાંખ્યો હતો.
બાદ પંદરેક મિનીટ પછી મેં અક્ષય જોષીને સમજાવવા માટે ફરીથી ફોન કરતાં તેણે ફરીથી તું કોણ છો કહેતાં મેં કહેલું કે તમે હમણા જેને ગાળો દેતાં હતાં એ સુધીર છું. તમે કેમ મને ગાળો દીધી હતી? તેમ પુછતાં તેણે તું જે હોય તે કાલે વાત કર તેમ કહી ફોન કાપી નાંખ્યો હતો.
આ પછી સાંજના સાડા સાતેક વાગ્યે હું અને સહધ્યાયી બીજા માળે વાંચન કરતાં હતાં ત્યારે બહાર દેકારો થતાં જોવા જતાં એક ભાઇ ભાવીશાબેન સાથે માથાકુટ ગાળાગાળી કરતાં હતાં. તેણે ભાવીશાબેનને ધક્કો મારતાં નિવરભાઇ ઓફિસમાંથી આવતાંતેની સાથે પણ માથાકુટ કરી હતી.
આથી હું તથા બીજા લોકો તેને છુટા પાડવા જતાં એ શખ્સે તું કોણ છો? વચ્ચે ન આવતો કહેતાં મેં તેને સુધીર ચાવડા તરીકે ઓળખ આપતાં તેણે તું હમણા ફોનમાં વાત કરતો હતો એ જ છો ને? કહી મારી જ્ઞાતિ પુછી અપમાનીત કર્યો હતો અને તું અહિ શું છો? કહી ગાળો દીધી હતી અને તું મને અડતો નહિ તેમ કહી ઝઘડો કર્યો હતો. તેમ વધુમાં સુધીર ચાવડાએ જણાવતાં પીઆઇ જે. એમ. કૈલાની રાહબરીમાં પીએસઆઇ પી. વી. ડોડીયાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
(2:46 PM IST)










