<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th July 2026

સોફાના કારખાનામાં આગઃ બચવા માટે બાથરૂમમાં ગયેલા ચેતનભાઇ શેલડીયાનું ગુંગળાઇ જતાં મોત : જુઓ વિડીયો

કોઠારીયા ચોકડી રામનગરમાં સાળા-બનેવીના ભાગીદારીવાળા કારખાનામાં બનાવઃ આગથી મોટુ નુકસાન :કોઠારીયા રોડ શ્રધ્‍ધા સોસાયટીના ૩૫ વર્ષિય યુવાન ચેતનભાઇ બનેવી દેવેન્‍દ્રભાઇ કાકડીયા સાથે ભાગીદાર હતાં: સવારે ચેતનભાઇ અને નાના ભાઇ શુભમ્‌ભાઇ કારખાને આવ્‍યા ત્‍યાં જ આગ લાગીઃ બંને ભાઇ ભાગવા ગયા ત્‍યારે પાટીયું પડતાં ચેતનભાઇ બચવા માટે બાથરૂમમાં ગયા પછી બહાર જ નીકળી ન શક્‍યાઃ પરિવારમાં શોકની કાલીમા

તસ્‍વીરમાં આગને કારણે ગુંગળાઇ જતાં મૃત્‍યુ પામનાર કારખાનેદાર ચેતનભાઇ શેલડીયાનો ફાઇલ ફોટો અને નિષ્‍પ્રાણ દેહ તથા ઘટના સ્‍થળે ફાયર બ્રિગેડની ટીમો, લોકોના ટોળા જોઇ શકાય છે (તસ્‍વીરઃ અશોક બગથરીયા)

રાજકોટ તા. ૧૭: કોઠારીયા રોડ ચોકડી  નજીક રામનગરમાં આવેલા સોફા બનાવવાના કારખાનામાં સવારે એકાએક આગ ભભૂકી ઉઠતાં અંદર રહેલા બે ભાઇઓ બચવા માટે બહાર ભાગતાં હતાં ત્‍યારે ઉપરથી પાટીયું પડતાં નાનો ભાઇ બહાર નીકળી જતાં અને મોટો ભાઇ બચવા માટે બાથરૂમમાં ગયા બાદ આગે વિકરાળ સ્‍વરૂપ ધારણ કરી લેતાં બહાર ન નીકળી શકતાં તેનું ધૂમાડામાં ગુંગળાઇ જવાને કારણે મોત નિપજતાં પરિવારમાં કલ્‍પાંત સર્જાયો છે. આગથી કારખાનામાં મોટી નુકસાની પણ થઇ છે.

જાણવા મળ્‍યા મુજબ કોઠારીયા ચોકડી પાસે બાપા સિતારામ ચોકમાં આવેલી શ્રધ્‍ધા સોસાયટીમાં રહેતાં ચેતનભાઇ ગોવિંદભાઇ શેલડીયા (ઉ.વ.૩૫) નામના પટેલ યુવાન કોઠારીયા ચોકડીએ રામનગર-૧માં આવેલા ઉત્તમ સોફા નામના કારખાને હતાં ત્‍યારે કારખાનામાં આગ ભભૂકતાં ગુંગળાઇ જતાં બેભાન હાલતમાં ૧૦૮ મારફત સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ તબિબે તેમને મૃત જાહેર કરતાં પરિવારમાં કલ્‍પાંત સર્જાયો હતો. બનાવની જાણ હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે આજીડેમ પોલીસને કરી હતી.

આગ લાગ્‍યાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ અને ૧૦૮ની ટીમ પહોંચી ગયા હતાં. ફાયર બ્રિગેડના જવાનોએ કારખાના અંદર આવેલા બાથરૂમમાંથી ચેતનભાઇ શેલડીયાને બેભાન હાલતમાં બહાર કાઢયા હતાં અને સારવાર માટે ખસેડયા હતાં. જો કે હોસ્‍પિટલમાં તેમને તબિબે મૃત જાહેર કર્યા હતાં.

વધુ વિગત મુજબ મૃત્‍યુ પામનાર ચેતનભાઇ બે ભાઇ અને એક બહેનમાં મોટા હતાં. તેમને સંતાનમાં એક દિકરો છે. પોતે રામનગરમાં બનેવી દેવેન્‍દ્રભાઇ કાકડીયા સાથે ભાગીદારીમાં ઉત્તમ સોફા નામે કારખાનુ ચલાવતાં હતાં. સવારે તેઓ અને તેના નાના ભાઇ શુભમ્‌ભાઇ શેલડીયા કારખાને આવ્‍યા હતાં. હજુ કારીગરો કે ભાગીદાર દેવેન્‍દ્રભાઇ આવ્‍યા નહોતાં. આ દરમિયાન એકાએક કારખાનામાં આગ ભભૂકી ઉઠતાં ધુમાડાના ગોટેગોટા નીકળવા માંડતા બંને ભાઇઓ બચવા માટે બહાર ભાગવા માંડયા હતાં. આ વખતે જ ઉપરથી એક પાટીયુ પડતાં તેનાથી બચવા ચેતનભાઇ બાજુમાં જ બાથરૂમમાં હોઇ તેમાં ગયા હતાં. જ્‍યારે શુભમ્‌ભાઇ બહાર નીકળી ગયા હતાં.

આ દરમિયાન આગ વધુ ભભૂકતાં બાથરૂમમાં ગયેલા ચેતનભાઇ બહાર નીકળી શક્‍યા નહોતાં. ફાયર બ્રિગેડની ટીમે પહોંચી આગ કાબુમાં લીધી હતી અને બાથરૂમમાંથી ચેતનભાઇને બેભાન હાલતમાં બહાર કાઢી હોસ્‍પિટલે ખસેડયા હતાં. પરંતુ અહિ મૃત જાહેર કરાયા હતાં. બાથરૂમમાં ધૂમાડો ભરાઇ જતાં તેઓનુ ગુંગળાઇ જવાથી મૃત્‍યુ થયાનું તારણ નીકળ્‍યું હતું. યુવાન આધારસ્‍તંભના મૃત્‍યુથી શેલડીયા પરિવારમાં શોક છવાઇ ગયો છે. આગને કારણે કારખાનામાં પણ મોટી નુકસાની થઇ છે. બનાવની જાણ થતાં આજીડેમ પોલીસ સ્‍ટેશનના પીઆઇ એચ. એન. પટેલ સહિતનો ર્સ્‍ટાફ પહોંચ્‍યો હતો અને જરૂરી કાર્યવાહી કરવા સ્‍ટાફને સુચના આપી હતી. (૧૪.૧૧)

(2:59 PM IST)