<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th July 2026

શાપર-વેરાવળની અઢી કરોડની લુંટમાં ટીપ આપનાર ૩ સહિત ૪ આરોપીઓને રૂરલ એલસીબીએ ઝડપી લીધા : જુઓ વિડીયો

લુંટમાં સામેલ વિઝન માવી ટીપ આપનાર ૩ આરોપીઓને ધાડમાં મળેલ રોકડ રકમની ભાગ બટાઇ કરવા કોલીથડ પાસે આવતા જ પોલીસે દબોચી લીધા : ૧ર.પ૦ લાખની રોકડ અને કાર સહિત ૧૭.૦ર લાખનો મુદામાલ કબ્‍જે : ફરીયાદી જીતેન્‍દ્રસિંહ જાડેજાની વાડીમાં ભાગીયુ રાખતા પ્રવિણભાઇ પટેલને ત્‍યાં કામ કરતા બહાદુર બબેરીયાએ ટીપ આપી લુંટનું કાવત્રુ રચ્‍યુ'તું: તા.૮ જુનથી તા.૧૮ જુન સુધીમાં ૩ વખત રેકી કરાઇ'તી : ૧૭ તારીખે લુંટારૂ ટોળકી જાંબુવાથી નિકળી ત્‍યારે ‘કાળી ચકલી' રસ્‍તામાં દેખાતા અપશુકન માની પરત ફરી ગયા'તા અને ૧૮ મીએ નિકળી લુંટ કરી : અન્‍ય ૬ આરોપીઓની શોધખોળ

તસ્‍વીરમાં રૂરલ એસપી વિજયસિંહ ગુર્જર તથા આરોપીઓને ઝડપી લેનાર એલસીબીની ટીમ અને નીચેની તસ્‍વીરમાં પકડાયેલ ચારેય આરોપીઓ તથા કબ્‍જે કરાયેલ મુદામાલ નજરે પડે છે. (તસ્‍વીરઃ સંદીપ બગથરીયા) 

રાજકોટ, તા., ૭ : શાપર-વેરાવળમાં રહેતા ગીરાસદાર જીતેન્‍દ્રસિંહ અજીતસિંહ જાડેજાના ઘરમાં ઘુસી ર.૪૭ કરોડની લુંટની ઘટનામાં અગાઉ ૩ આરોપીઓને ઝડપી લેવાયા બાદ લુંટમાં સામેલ અને લુંટ માટે ટીપ આપનાર વધુ ૩ શખ્‍સોને રૂરલ એલસીબીએ ૧ર લાખની રોકડ સહિત ૧૭.૦ર લાખના મુદામાલ સાથે ઝડપી લીધા હતા. ટીપ આપનાર મુખ્‍ય આરોપી બહાદુર સહિત ૬ શખ્‍સોની શોધખોળ હાથ ધરાઇ છે.

આ અંગે રૂરલ એસપી કચેરી ખાતે યોજાયેલ પત્રકાર પરીષદમાં વિશેષ માહીતી આપતા એસપી વિજયસિંહ ગુર્જરે જણાવ્‍યું હતું કે, શાપર-વેરાવળની ર.૪૭ કરોડની લુંટમાં અગાઉ ૩ આરોપીઓને ૭૬.૮૬ લાખના મુદામાલ સાથે ઝડપી લેવાયા બાદ આ ગુન્‍હામાં સંડોવાયેલ અન્‍ય આરોપીઓની શોધખોળ ચાલુ હતી એ દરમ્‍યાન  ટીમને હ્યુમન સોર્સીસ થી માહીતી મળેલ કે, ધાડ પાડનાર આરોપી પૈકી વિજન નજરૂભાઇ માવી પોતાને ટીપ આપનાર આરોપીઓને ધાડમાં મળેલ રોકડ રકમની ભાગ બટાઇ કરવા માટે રોકડ રકમ સાથે ટીપ આપનાર  ૩ આરોપીઓ કે જે  ગોંડલ તાલુકાના કોલીથડ ગામે ઝુંપડામાં રહેતા હોય ત્‍યાં આવેલ હોવાની માહિતી મળતા તે જગ્‍યાએ એલ.સી.બી. ટીમ દ્વારા તપાસ કરતા કોલીથડ ગામેથી ધાડ પાડનાર આરોપી પૈકી વિજન નજરૂભાઇ માવી તથા તેને ટીપ આપનાર અન્‍ય ત્રણ આરોપીઓ રામેશ્વર ઉર્ફે પપ્‍પુ કેહજી રંગજી મચ્‍છા (ઉ.વ.૩૬) (રહે. ગવસર, દલાલ ફળીયુ, તા. રાણાપુર, જી.જાંબુવા, મધ્‍યપ્રદેશ), રાજુ કલમસીંગ જીતરા (ભાંભોર, (ઉ.વ.૩ર) (રહે. મૂળ ડુંગરા, તા. રાણાપુર, જાંબુવા, હાલ રહે. કોથલીથડ ગામ, તા. ગોંડલ) તથા સાગર ઉર્ફે સાગરીયા ગુલબાભાઇ દીતાભાઇ મેડા (રહે. ચોરમાંડળી ગામ, સીમાળા ફળીયુ, તા. રાણાપુર, જી. જાંબુવા, મધ્‍યપ્રદેશ)ને રોકડ રૂ.૧૨,૫૦,૦૦૦/- તથા ધાડ પડેલ જગ્‍યાની રેકી કરવામા ઉપયોગમા લીધેલ ફોર્સ તુફાન ફોરવ્‍હીલ ગાડી કિ.રૂ.૪,૦૦,૦૦૦/- તથા મોટર સાયકલ કિ.રૂ.૪૦,૦૦૦/- તથા મોબાઇલ નંગ-૪ કિ.રૂ.૧૨,૦૦૦/- મળી કુલ રૂ.૧૭,૦૨,૦૦૦/- નો મુદામાલ કબ્‍જે કરી આગળની કાર્યવાહી માટે શાપર (વેરાવળ) પોલીસ સ્‍ટેશન ખાતે સોપી આપવામા આવેલ છે.

 એસપી વિજયસિંહ ગુર્જરે વધુમાં જણાવ્‍યું હતું કે, આ ગુન્‍હામાં સંડોવાયેલ અને પકડવા પર બાકી છે તે આરોપી બહાદુર નઝરુભાઇ બબેરીયા, (રહે. માછીયાજીર, અમરા ફળીયું, તા. રાણાપુર, જી. જાંબુવા) ૬ વર્ષ પહેલા શાપર ખાતે ફરીયાદીએ બાજુમાં રહેતા પ્રવિણભાઇ પટેલને જમીન વાવવા આપેલ હોય ત્‍યાં મજુરી કામે આવતો હતો અને તે પ્રવિણભાઇ પટેલ તથા ફરીયાદીના ઘરે આવતો-જતો હોય ફરીયાદી પૈસા પાત્ર હોવાની જાણ થતા લુંટનું કાવત્રુ રચ્‍યું હતું. આરોપી બહાદુર તથા તેના મિત્રો રાજુ કલમસીંગ ભાભોર, સાગર મેડા, અગાઉ માહીતી મેળવવા અને જગ્‍યાની રેકી કરવા  ગત તા. ૮ ના રોજ ફરીયાદીના ઘરે આવ્‍યા હતા અને ઘરમાં પતિ-પત્‍ની એકલા જ રહેતા હોવાની માહીતી મેળવી પોતાના વતન જતા રહયા હતા. ત્‍યાર બાદ બહાદુર બબેરીયાએ તા. ૧૮ સુધી માં અન્‍ય સાથીદારો સાથે મળી બે વખત રેકી કરી હતી. ત્‍યાર બાદ બહાદુરે રાજુ ભાંભોર, રામેશ્વર ઉર્ફે પપ્‍પુ, વિઝન માવી સાથે મળી રાણાપુરમાં લુંટનું કાવત્રુ ઘડયું હતું. ગત તા. ૧૭ના રોજ લુંટારૂ ટોળકી તેના ગામથી લુંટ કરવા નીકળી ત્‍યારે રસ્‍તામાં કાળી ચકલી દેખાતા અપશુકન માની પરત ફરી ગયા હતા ત્‍યાર બાદ તા. ૧૮ ના રોજ નિકળી ૧૯ના રોજ લુંટ કરી હતી.

પકડાયેલ વિઝન માવી સામે લુંટ ચોરીના બે ગુન્‍હા નોંધાયા છે. રામેશ્વર ઉર્ફે પપ્‍પુ સામે રાજકોટ શહેર, મોરબી અને મધ્‍યપ્રદેશમાં ચોરી અને લુંટના ૭ ગુન્‍હા નોંધાયા છે. તથા સાગર ઉર્ફે સાગરીયા સામે મારામારીનો મધ્‍યપ્રદેશમાં ૧ ગુન્‍હો નોંધાયો છે. આ લુંટમાં સામેલ ૬ શખ્‍સોની શોધખોળ હાથ ધરાઇ છે.

આ કાર્યવાહીમાં જસદણના એએસપી નવીન ચક્રવર્તી રેપુડી, એલસીબીના પીઆઇ જે.પી.રાવ, પીએસઆઇ કે.એન.ચાવડા, એચ.સી.ગોહીલ, આર.વી.ભીમાણી, પી.એન.ભરવાડ તથા એલસીબી તેમજ પેરોલ ફર્લો શાખાનો સ્‍ટાફ જોડાયો હતો.

(3:30 PM IST)