<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 21st September 2026

રામનાથપરા ફૂલ માર્કેટ સવારે ૬ વાગ્‍યે બંધ કરાવતા ખેડૂતો-વેપારીઓનો ઉગ્ર વિરોધ : જુઓ વિડિયો

ફૂલો સાથે મનપા કચેરીએ ધસી જઈ રોડ પર માલ ઠાલવ્‍યોઃ માર્કેટ સવારે ૮થી ૮:૩૦ વાગ્‍યા સુધી ચાલુ રાખવા અને યોગ્‍ય વૈકલ્‍પિક જગ્‍યા આપવાની માંગ

રજૂઆતઃ શહેરના રામનાથ પરા વિસ્‍તારમાં મનપા તંત્ર દ્વારા ફૂલબજારના વેપારીઓ કચેરીએ ઘસી આવ્‍યા હતા અને યોગ્‍ય કરવા માંગ કરી હતી. (તસ્‍વીરઃ અશોક બગથરીયા)

રાજકોટ,તા.૨૧:  રામનાથપરા સ્‍મશાન નજીક છેલ્લાં ૧૫ વર્ષથી ચાલતી ફૂલ માર્કેટને મહાનગરપાલિકાના અધિકારીઓએ વહેલી સવારે ૬ વાગ્‍યે બંધ કરાવતાં ખેડૂતો અને વેપારીઓમાં ભારે રોષ ફેલાયો હતો. અચાનક કરવામાં આવેલી કાર્યવાહીનો વિરોધ કરવા ખેડૂતો અને વેપારીઓ ફૂલો સાથે મનપાની મુખ્‍ય કચેરીએ પહોંચ્‍યા હતા અને કચેરી બહાર રોડ પર ફૂલો ઠાલવી ઉગ્ર વિરોધ નોંધાવ્‍યો હતો.

વેપારીઓના જણાવ્‍યા મુજબ રામનાથપરાની ફૂલ માર્કેટમાં દરરોજ વહેલી સવારે ૪થી ૮ વાગ્‍યા દરમિયાન ફૂલોની હરાજી અને ખરીદ-વેચાણ થાય છે. રાજકોટ શહેર ઉપરાંત આસપાસનાં ગામોમાંથી મોટી સંખ્‍યામાં ખેડૂતો તાજાં ફૂલો લઈને અહીં આવે છે. સવારે ૬ વાગ્‍યે જ માર્કેટ બંધ કરાવી દેવાતાં ખેડૂતોનો માલ વેચાયા વગર રહી ગયો હતો અને તાજાં ફૂલો બગડી જવાથી આર્થિક નુકસાન થવાની ભીતિ સર્જાઈ હતી.

ખેડૂતો અને વેપારીઓનો આક્ષેપ છે કે મનપા દ્વારા કોઈ આગોતરી જાણ કર્યા વગર અચાનક કાર્યવાહી કરવામાં આવી હતી. અધિકારીઓએ માર્કેટ બંધ કરાવી માલ હટાવવાનું કહેતાં રોષે ભરાયેલા ખેડૂતો ફૂલો લઈને મનપા કચેરીએ પહોંચ્‍યા હતા. કેટલાક ખેડૂતોએ કચેરી બહાર રોડ પર ફૂલો ઠાલવી તંત્ર સામે પોતાનો આક્રોશ વ્‍યક્‍ત કર્યો હતો.

ખેડૂતોનું કહેવું છે કે ફૂલોનું ઉત્‍પાદન વધુ હોવા છતાં પૂરતા ભાવ મળતા નથી. એવામાં સવારે ૬ વાગ્‍યે માર્કેટ બંધ કરાવવામાં આવે તો ફૂલો કયાં વેચવા તે મોટો ઙ્ક‘ છે. તાજા ફૂલો લાંબા સમય સુધી સાચવી શકાતા ન હોવાથી સમયસર વેચાણ ન થાય તો આખો માલ ફેંકી દેવો પડે અને ખેડૂતોની મહેનત ઉપર પાણી ફરી વળે છે.

વેપારીઓએ જણાવ્‍યું હતું કે અગાઉ પારેવડી ચોક પાસે ફૂલબજાર ભરાતું હતું. ટ્રાફિકની સમસ્‍યાને કારણે મનપાએ વેપારીઓને રામનાથપરા વિસ્‍તારમાં ખસેડ્‍યા હતા. હવે અહીંથી પણ અચાનક હટાવવામાં આવતાં ખેડૂતો અને વેપારીઓની રોજીરોટી સામે પ્રશ્ન ઊભો થયો છે. મનપાએ રામનાથપરા પુલ પાસે અંદાજે રૂ.૫૦ લાખના ખર્ચે ૮૩ થડા ધરાવતું નવું ફૂલબજાર બનાવ્‍યું છે, પરંતુ થડાની ફાળવણી અને ભાડા સહિતના મુદ્દે વેપારીઓમાં અસંતોષ હોવાનું સામે આવ્‍યું છે. વિરોધ કરી રહેલા ખેડૂતો અને વેપારીઓએ માંગ કરી છે કે નવા માર્કેટમાં તમામને યોગ્‍ય જગ્‍યા ફાળવવામાં ન આવે ત્‍યાં સુધી જૂના સ્‍થળે વેપાર કરવાની મંજૂરી આપવામાં આવે. ઉપરાંત ફૂલ માર્કેટનો નિયમિત સમય સવારે ૮થી ૮:૩૦ વાગ્‍યા સુધી જાળવી ખેડૂતોને પોતાનો માલ વેચવાની પૂરતી તક આપવામાં આવે. એક વેપારીના જણાવ્‍યા પ્રમાણે આશરે ૭૦૦થી ૮૦૦ ખેડૂતો આ માર્કેટ સાથે સંકળાયેલા છે.

 

(3:27 PM IST)