<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 29th September 2026

અભણ બકાલી કિશને ૧૦૦-૫૦૦ની જાલીનોટો છાપી નાંખી!: લોકમેળામાં ૪૦ નોટ વટાવી : એસઓજી-ડીસીબીએ દબોચ્‍યો : જુઓ વિડીયો

છ મહિના પહેલા એમપીના દીપકનો ઇન્‍સ્‍ટાગ્રામની રીલથી સંપર્ક કર્યોઃ દિપકે જાલીનોટ કેમ બનાવવી તેની માહિતી આપી સામગ્રી ખરીદવા સુચના આપતાં જુનુ કોમ્‍પ્‍યુટર-પ્રિન્‍ટર લાવ્‍યો'તોઃ પાંચેક હજારની નોટો રિક્ષાચાલક મિત્ર અક્ષયને આપીઃ પરંતુ દેખાવમાં જ નકલી જણાતી હોઇ તે વટાવી ન શક્‍યો : રાજકોટના માંડાડુંગર પાસે શ્‍યામકિરણ પાર્કમાં રહેતા કિશન સોલંકીની ધરપકડઃ૧૦૦ની ૨૧૬ અને ૫૦૦ની ૩ નકલી નોટ, પ્રિન્‍ટ, સીપીયુ, મોનીટર, લેમીનેટર હીટર, બટર પેપર સહિતનો મુદ્દામાલ કબ્‍જેઃ પીઆઇ એન. બી. ચોૈધરી, પીઆઇ એ. એચ. ચાવડા, એમ. એલ. ડામોર, પીએસઆઇ એમ. વી. જાડેજાની ટીમનો દરોડોઃ લવમેરેજ કરનાર કિશન ભાડેથી રહે છેઃ પૈસાની ખેંચ હોઇ નોટો છાપ્‍યાનું રટણ : હરદેવસિંહ જાડેજા, ધર્મેન્‍દ્રસિંહ ઝાલા, યોગરાજસિંહ ગોહિલની બાતમી

રાજકોટ તા. ૨૯: શહેરના આજીડેમ ચોકડીથી આગળ માંડાડુંગર વિસ્‍તારમાં રહેતાં અને રિક્ષા હંકારવા સાથે બકાલુ પણ વેંચતા અભણ દેવીપૂજક શખ્‍સે ઘરમાં જ જાલીનોટો છાપવાનું ચાલુ કરી દીધું હતું. લવમેરેજ કરનાર આ યુવાન ભાડેથી રહેતો હોઇ આર્થિક ખેંચ અનુભવતો હોઇ નોટો છાપવાના રવાડે ચડયો હતો.  વધુ નોટો છાપીને વટાવે એ પહેલા એસઓજી, ડીસીબીના હાથે પકડાઇ ગયો હતો. તેણે મિત્રને પાંચ હજારની નોટો આપી હતી, પરંતુ એ પણ દેખાવે જ નકલી જેવી લાગતી નોટો વટાવી શક્‍યો નહોતો. એમપીના એક શખ્‍સની ઇન્‍સ્‍ટાગ્રામ પર રીલ જોઇ તેમાં આપેલા નંબર પર સંપર્ક કરતાં તેણે આ જાલીનોટ કેમ છાપવી તેની માહિતી આપી વિડીયો મોકલ્‍યા હતાં. લોકમેળામાં તેણે ૧૦૦ વાળી ચાલીસેક નોટો વટાવી નાંખ્‍યા પછી તેની હિમ્‍મત વધી હતી અને વધુ નકલી નોટો છાપવાનું ચાલુ કર્યુ હતું.

જાણવા મળ્‍યા મુજબ એસઓજીની ટીમ ગેરકાયદે પ્રવૃતિઓ અટકાવવા માટે પેટ્રોલીંગમાં હતી ત્‍યારે હેડકોન્‍સ. હરદેવસિંહ જાડેજા, ધર્મેન્‍દ્રસિંહ ઝાલા, યોગરાજસિંહ ગોહિલને બાતમી મળી હતી કે માંડા ડુંગર નજીક શ્‍યામકિરણ પાર્ક-૩માં હિંગળાજ પ્રોવીઝન સ્‍ટોર સામે ભાડાના મકાનમાં રહેતો શખ્‍સ તેના ઘરમાં નકલી ચલણી નોટો છાપે છે. આ બાતમીને આધારે એસઓજી અને ક્રાઇમ બ્રાંચની ટીમે દરોડો પાડયો હતો. ઘરમાં એક શખ્‍સ હાજર હોઇ પુછતાછમાં પોતાનું નામ કિશન ભુપેન્‍દ્રભાઇ સોલંકી (ઉ.વ.૩૦) જણાવ્‍યું હતું.

પોલીસે વિશેષ તપાસ કરતાં ઘરમાંથી કોમ્‍પ્‍યુટર, પ્રિન્‍ટર, સીપીયુ, બટર પેપર સહિતની શંકાસ્‍પદ સામગ્રી મળી આવતાં વધુ તપાસ કરતાં નકલી ચલણી નોટો પણ મળી હતી. વધુ તપાસ થતાં ૧૦૦ના દરની નકલી નોટો ૨૧૬ નંગ, રૂા. ૫૦૦ના દરની નકલી ૩ નોટો મળી આવી હતી. પોલીસે આ નકલી નોટો, સીપીયુ, મોનીટર, બે અલગ અલગ પ્રીન્‍ટર, લેમીનેટર હીટર મશીન, બટર પેપર, રૂા. ૧૦૦ના દરની પ્રીન્‍ટાવાળા કાગળો, આધારકાર્ડ, એપલ મોબાઇલ મળી કુલ રૂા. ૬૫૫૦૦નો મુદ્દામાલ કબ્‍જે કરી તેના વિરૂધ્‍ધ ગુનો દાખલ કરી ધરપકડ કરી હતી.

આ શખ્‍સ વિરૂધ્‍ધ અગાઉ ૨૦૧૮માં તાલુકા પોલીસમાં દારૂનો અને ૨૦૨૨માં એ-ડિવીઝન પોલીસમાં અન્‍ય એક ગુનો નોંધાયો હતો. તેણે ૨૦૧૮માં લવમરેજ કર્યા છે. હાલમાં તે રિક્ષા હંકારવા સાથે બકાલુ વેંચે છે. તેણે રટણ કર્યુ હતું કે છ મહિના પહેલા હું ઇન્‍સ્‍ટાગ્રામમાં રીલ જોતો હતો ત્‍યારે એમપીના દીપકની રીલમાં તે નકલી નોટો બનાવતો હોવાની વિગતો હતી. તેમાં આપેલા નંબર પર ફોન કરતાં તેણે કોમ્‍પ્‍યુટર સહિતની સાધન સામગ્રી ખરીદી લેવા સુચના આપતાં પોતે જુના કોમ્‍પ્‍યુટર પ્રિન્‍ટર તાજેતરમાં લાવ્‍યો હતો. બાદમાં દિપકને નોટો કેમ બનાવવી તેના વિડીયો મોકલતાં તેના આધારે ૧૦૦-૫૦૦ની નોટો છાપી હતી.

પોતે એક નોટ વટાવવા ગયો હતો પરંતુ દસ રૂપિયાની વસ્‍તુ ખરીદી સોની નોટ આપતાં દુકાનદારને શંકા જતાં પાછી લઇને આવી ગયો હતો. જો કે આજે બપોરે વિશેષ પુછતાછ થતાં તેણે કબુલ્‍યું હતું કે લોકમેળામાં તેણે ૧૦૦ વાળી ચાલીસ જેટલી નોટો વટાવી નાંખી હતી અને એ પછી વધુ નોટો છાપી હતી. આ ઉપરાંત તેણે કોઠારીયા ચોકડીએ રહેતાં રિક્ષાચાલક મિત્ર અક્ષયને પણ પાંચેક હજારની નકલી નોટો વટાવવા આપી હતી. પણ તેણે એવુ કહ્યું હતું કે આ નોટને લોકો જોતા જ, હાથમાં લેતાં જ નકલી હોવાનું ઓળખી જાય છે. આથી તે પણ આ નોટ ચલણમાં વહેતી કરી શક્‍યો નહોતો. દિપકે દસ હજારની નકલી નોટો સામે પોતે ત્રણ હજાર અસલી રૂપિયા આપશે તેવી વાત કરી હતી. પરંતુ ક્‍યાં કેવી રીતે સંપર્ક કરવો તેની વિગતો આપી નહોતી. કિશન અભણ છે અને માત્ર સહી કરતાં આવડે છે.

પોતે ભાડેથી રહેતો હોઇ અને આર્થિક ભીંસમાં હોઇ નકલી નોટો છાપવાના રવાડે ચડયાનું તે રટણ કરે છે. પ્રાથમિક તપાસમાં તેણે વધુ કોઇ નોટો છાપી હોવાનું ખુલ્‍યું નથી. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી ચૈતન્‍ય માંડલિક, ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, એસીપી ક્રાઇમ ભરત બી. બસીયાની સુચના અંતર્ગત પીઆઇ એન. બી. ચોૈધરી, પીઆઇ એ. એસ. ચાવડા, એમ. એલ. ડામોર, પીએસઆઇ એ. એન. પરમાર, પીએસઆઇ એમ. વી. જાડેજા, એએસઆઇ અરૂણભાઇ બાંભણીયા, ભરતસિંહ પરમાર, હેડકોન્‍સ. હરદેવસિંહ જાડેજા, ધર્મેન્‍દ્રસિંહ ઝાલા, યોગરાજસિંહ ગોહિલ, અમરદિપસિંહ વાઘેલા, છત્રપાલસિંહ રાણા, કોન્‍સ. વિરભદ્રસિંહ ગોહિલ, રોહિતસિંહ જાડેજા, અજયસિંહ રાજપૂત, કોન્‍સ. ભાગ્‍યલક્ષ્મીબા ઝાલા, ડ્રા. હેડકોન્‍સ. મહાવીરસિંહ જાડેજા, ડીસીબીના હેડકોન્‍સ. કૃષ્‍ણદેવસિંહ ઝાલા, જયેન્‍દ્રસિંહ પરમાર, હસમુખભાઇ સબાડ, કોન્‍સ. અનુજભાઇ ડાંગર, અર્જુનભાઇ ડવની ટીમે આ કામગીરી કરી હતી. (૧૪

(2:50 PM IST)