News of Thursday, 5th November 2026
દિવાળી ટાણે નર્મદા મૈયાના નીરના વધામણાં: આજી-ન્યારીમાં જળઉત્સવ!, : જુઓ વિડીયો
આજી-૧ ડેમ ખાતે મંત્રી ઈશ્વરસિંહ પટેલ, મેયર નેહલ શુક્લ અને ડેપ્યુટી મેયર દક્ષાબેન વસાણી, ચેરમેન પરેશ પીપળીયા સહિતના પદાધિકારીઓએ નીરના આગમનને વધાવ્યું

રાજકોટ, તા.૫: દિવાળીના તહેવારો પૂર્વે રાજકોટ શહેરની જીવાદોરી સમાન આજી-૧ અને ન્યારી-૧ ડેમમાં સૌની યોજના મારફત નર્મદા મૈયાના નીરનું આગમન થતાં રાજ્ય કક્ષાના પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલ તથા રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓએ હર્ષભેર વધામણાં કર્યાં હતાં. રાજકોટવાસીઓને આગામી ઉનાળામાં પીવાના પાણીની અછતનો સામનો ન કરવો પડે તે માટે રાજ્ય સરકાર દ્વારા બંને ડેમને પૂર્ણ ક્ષમતાએ ભરવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.
આજી-૧ અને ન્યારી-૧ ડેમમાં નર્મદાના નીર પહોંચતાં રાજ્ય કક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલ, મેયર ડો. નેહલ શુક્લ, ડેપ્યુટી મેયર દક્ષાબેન વસાણી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશ પીપળીયા, શાસક પક્ષના નેતા ડો. હિરેન ખીમાણિયા, દંડક સંજયસિંહ રાણા તથા વોટર વર્કસ સમિતિના વાઈસ ચેરમેન રસીલાબેન સાકરીયા સહિતના પદાધિકારીઓએ નર્મદા મૈયાના નીરના આગમનને આવકાર્યું હતું.
શહેરમાં પીવાના પાણીની નિયમિત વ્યવસ્થા જળવાઈ રહે અને ઉનાળામાં પાણીની તંગી ન સર્જાય તે માટે મહાનગરપાલિકાએ રાજ્ય સરકાર સમક્ષ સૌની યોજના અંતર્ગત ૪૦૦૦ MCFT પાણીની માંગણી કરી હતી. તેના અનુસંધાને પ્રથમ તબક્કામાં ૫૬૦ MCFT પાણી ઉપલબ્ધ કરાવ્યા બાદ ગત તા. ૨ નવેમ્બરથી બીજા તબક્કામાં બંને ડેમમાં નર્મદાના નીર ઠાલવવાનું શરૂ કરવામાં આવ્યું છે.
હાલ આજી-૧ ડેમમાં દરરોજ ૨૦ MCFT અને ન્યારી-૧ ડેમમાં ૧૫ MCFT મળી કુલ ૩૫ MCFT પાણીની આવક થઈ રહી છે. બંને ડેમને પૂર્ણ ક્ષમતાએ ભરવાનું આયોજન હોવાથી આગામી દિવસોમાં રાજકોટની પાણી વિતરણ વ્યવસ્થાને વધુ મજબૂતી મળશે.
આ પ્રસંગે મહાનગરપાલિકાના પદાધિકારીઓએ રાજકોટવાસીઓ માટે કરવામાં આવેલી જળ વ્યવસ્થાને આવકારી વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનો આભાર વ્યક્ત કર્યો હતો.
આજી-૧ અને ન્યારી-૧ ડેમની
વર્તમાન જળસંગ્રહ સ્થિતિ
શહેરના પીવાના પાણીના મુખ્ય જળસ્રોત એવા આજી-૧ અને ન્યારી-૧ ડેમની જળસંગ્રહ ક્ષમતા તથા હાલની સ્થિતિમાં આજી-૧ ડેમમાં કુલ સપાટી ૨૯.૦૦ ફૂટ છે. ૯૧૮.૦૦ MCFT જળસંકટ ક્ષમતા હાલનું ૨૦.૫૭ ફૂટ, હાલનો જળસંગ્રહ ૪૩૫ MCFT છે.
જયારે ન્યારી-૧ ડેમ૨૫.૦૦ ફૂટ છે. ડેમની કુલ જળસંગ્રહ ક્ષમતા ૧૨૪૮.૦૦ MCFT છે. હાલનું જળસ્તર ૧૪.૨૭ ફૂટ છે. તથા હાલનો જળસંગ્રહ ૩૬૫ MCFT છે.
(3:44 PM IST)










