News of Saturday, 1st August 2026
ઘંટેશ્વર પાછળ રહેતાં ૩૧ વર્ષના આકાશ મોઢવાડીયાનું હૃદય બેસી જતાં મૃત્યુ
નાના મવા અર્જુન આવાસ ક્વાર્ટરમાં જુડવા ભાઇ-બહેન પૈકી સાત મહિનાની બહેનનું બેભાન થઇ જતાં મોત

રાજકોટ તા. ૧: જામનગર રોડ ઘંટેશ્વર પાર્ક પાછળ આર. બી. એલીમેન્ટ ખાતે રહેતાં યુવાનનું હૃદય બેસી જતાં મૃત્યુ થતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો છે.
જાણવા મળ્યા મુજબ આર. બી. અલીમેન્ટ ખાતે રહેતાં આકાશભાઇ દિલીપભાઇ મોઢવાડીયા (ઉ.વ.૩૧) નામના યુવાન સવારે ઘરે હતાં ત્યારે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મતબિબે મૃત જાહેર કરતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે યુનિવર્સિટી પોલીસને જાણ કરી હતી.
મૃત્યુ પામનાર આકાશભાઇ એક બહેનથી મોટા અને અપરિણીત હતાં. તે પ્રાઇવેટ નોકરી કરતાં હતાં અને માતા, બહેન સાથે રહેતાં હતાં. રાતે સુતા બાદ સવારે નહિ જાગતાં બેભાન હાલતમાં હોસ્પિટલમાં ખસેડાયેલ. પરંતુ અહિ મૃતદેહ જ પહોંચ્યાનું જાહેર થતાં પરિવારમાં ગમગીની વ્યાપી ગઇ હતી. મોતનું ચોક્કસ કારણ જાણવા પોલીસે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું.
બીજા બનાવમાં નાના મવા અર્જુન આવાસ ક્વાર્ટર ખાતે રહેતાં ભાવેશભાઇ પરમારની ૭ મહિનાની દિકરી અકશાના બેભાન થઇ જતાં ઝનાના હોસ્પિટલમાં ખસેડાઇ હતી. પરંતુ અહિ મૃત્યુ થયું હતું. આ બાળા અને તેના ભાઇનો એક સાથે જન્મ થયો હતો. બાળા જન્મથી જ નબળી હોઇ તેના કારણે તબીયત બગડતાં મૃત્યુ થયાનું ખુલ્યું હતું. જુડવા સંતાનમાંથી દિકરીનું મૃત્યુ થતાં દંપતિ શોકમાં ગરક થઇ ગયું હતું. આ બનાવમાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે તાલુકા પોલીસને જાણ કરી હતી.
(3:25 PM IST)










