<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 8th September 2026

અજરામર સંઘમાં પૂ.ગચ્‍છાધિપતિ આ.ભ. શ્રી ભાવચંદ્રસ્‍વામીની નિશ્રામાં પર્યુષણ પર્વે તપસ્‍યાની હેલીઃ કલ્‍પસુત્ર વાંચના

શૌર્યભાવ ચાતુર્માસમાં ૩૫ સિધ્‍ધીતપ, ૪૫ ઉપવાસ, માસખમણ સહિતની આરાધના : મહાપર્વના પ્રથમ દિવસે ઉછામણી યોજાઇઃ પ્રતિક્રમણ, પ્રવચન સહિતના આયોજન

રાજકોટઃ શ્રી અજરામર સ્‍થાનકવાસી જૈન સંઘ રાજકોટમાં પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વની કલ્‍પસૂત્રની વાંચના અને અઠાઈતપ સાથે પ્રારંભ થયો છે.

પૂ. ગચ્‍છાધિપતિ આચાર્ય સાધના સમ્રાટ ગુરુદેવ શ્રી ભાવચંદ્રસ્‍વામી, પૂ. છોટે ગુરુદેવ શ્રી વિમલચંદ્રજી સ્‍વામી આદિ ઠાણા ૧૧ ના શૌર્ય-ભાવ ચાતુર્માસમાં ૩૫ સિદ્ધીતપ, ૪૫ ઉપવાસ, માસખમણ, સોળ ઉપવાસ, સાથે આજે તા.૦૮ થી આઠ દિવસના પર્યુષણ મહાપર્વનો પ્રારંભ થયો હતો.

પ્રથમ દિવસે શ્રી કલ્‍પસૂત્રની ઉછામણીમાં જયશ્રીબેન અરવિંદભાઈ શાહ, સિદ્ધપુર, સુરેન્‍દ્રનગરવાળાએ રૂ.૫૧,૦૦૦/- માં લાભ લઈને ડો. શ્રી ચિંતનચંદ્રજી સ્‍વામીને અર્પણ કર્યું હતું. જે પ્રથમ પ્રવચનમાં પર્વનું વિશ્‍લેષણ કરતાં શ્રાવકના કર્તવ્‍ય સાથે આત્‍મ નિરીક્ષણ, આત્‍મ પરીક્ષણ અને આત્‍મ પ્રશિક્ષણ કરવાના આ મહાપર્વની વિશેષતા બતાવીને સૌને જીવદયા, અહિંસા, વૈયાવચ્‍ચ સાથે સૌને આત્‍મ આરાધના કરવા રોજ પ્રતિક્રમણ, પ્રવચન, ઔષધ-ઉપવાસ વિગેરેના પ્રત્‍યાખ્‍યાન કરી જીવનમાં પરિવર્તનની પળ લાવવા પ્રેરણા કરી હતી.

પર્યુષણ મહાપર્વના રોજની પ્રવચનધારાનું લાઈવ પ્રસારણ ગુરુકળપા ચેનલમાં જોઈ શકાશે. સવારે ૯ થી ૧૦:૩૦ ના વિવિધ વિષયો સાથે કલ્‍પસૂત્રની વાંચનાનું શ્રવણ કરવાનો અલભ્‍ય લાભ લેવા અનુરોધ કર્યો છે. આ તકે સંઘ પ્રમુખ મધુકરભાઈ ખંધાર, કમલેશભાઈ શાહે જણાવ્‍યું હતું કે આ શૌર્યભાવ ચાતુર્માસમાં અનેકવિધ અનુષ્ઠાનો રેકોર્ડ બ્રેક સાથે થઈ ગયેલ છે. એમાં ખાસ તો પૂ. ગચ્‍છાધિપતિ આચાર્યદેવશ્રી ભાવચંદ્રજી સ્‍વામીના આજ્ઞાનુવર્તી શ્રી ભદ્રતાજી આર્યાજીના સુશિષ્‍યા અને રાજકોટમાં જ દીક્ષિત થયેલા શ્રી ઓમકારશ્રીજી મહાસતીજી ૩૧ ઉપવાસની મહાન તપસ્‍યા કરી રહ્યા છે. તેમને આજે ૨૦મો ઉપવાસ છે તો યુવા તપસ્‍વી મિહિર વિજયભાઈ પારેખને આજે ૨૩મો ઉપવાસ છે. અનેક નાના મોટા યુવક-યુવતીઓ ૧૬, ૯ અને આઠ ઉપવાસમાં જોડાયા છે. આમ દાન-શીલ-તપ-ભાવ સાથે પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વની શરૂઆત થઈ છે.

(4:03 PM IST)