News of Saturday, 27th June 2026
પરશુરામ મંદિર પાસે નેસડામાં રહેતાં અજમલ પર પાડોશીનો લાકડીથી હુમલો
સામુ કેમ જોવે છે કહી ગોપાલ તૂટી પડયોઃ માથા અને હાથમાં ઇજા થતાં લોહીલુહાણઃ યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધ્યો

રાજકોટ તા. ૨૭: નવા ૧૫૦ ફુટ રીંગ રોડ પર પરશુરામ મંદિર પાસે ચારણના નેસડામાં રહેતાં યુવાન પર સામુ જોવા મામલે પાડોશમાં જ રહેતાં શખ્સે ઝઘડો કરી લાકડીથી હુમલો કરી માથા, હાથમાં ઇજાઓ પહોંચાડી લોહીલુહાણ કરી નાંખતા સારવાર માટે દાખલ થવું પડયું છે.
આ બનાવમાં યુનિવર્સિટી પોલીસે પરશુરામ મંદિર નજીક નેસડામાં રહેતાં અને છુટક ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવતાં અજમલ ઉગાભાઈ માલાણી (ઉ.વ. ૨૮)ની ફરિયાદ પરથી તેના પાડોશમાં રહેતાં ગોપાલ વાલાભાઇ બાબ્મા વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે. રાત્રે આશરે સાડા દશેક વાગ્યે અજમલ પોતાના ઘર પાસે આવેલી ખુલ્લી જગ્યામાં પાણીના કેરબામાંથી પાણી લઈને નહાઈ રહ્યો હતો તે સમયે પાડોશમાં રહેતો ગોપાલ બામ્બા પોતાનું મોટરસાયકલ લઈને ત્યાંથી પસાર થયો અને થોડે આગળ જઈ બાઈક ઊભું રાખીને અજમલને તું કેમ મારી સામે જોવે છે? તેમ કહેતાં અજમલે હું તારી સામે જોતો જ નથી તેમ કહેતાં ગોપાલ ઉશ્કેરાઇ ગયો હતો.
તે ગાળો બોલવા માંડતા અજમલે ગાળો નહિ બોલવાનું કહેતાં તે વધુ ઉશ્કેરાયો હતો અને લાકડી ઉપાડી હુમલો કરી માથામાં ફટકો મારતાં અજમલને લોહી નીકળવા લાગ્યા હતાં. બીજો ઘા પણ મારતાં અજમલે હાથ આડો રાખતા હથેળીમાં ઇજા થઇ હતી. આ પછી ઢીકાપાટુ પણ માર્યા હતાં.
આ હુમલા દરમિયાન અજમલના મોટા બાપુજીના દીકરા કરણભાઈ સાદુરભાઈ લાખાણી ત્યાં દોડી આવતા હુમલાખોર ગોપાલ ત્યાંથી બાઈક લઈને ભાગી છૂટયો હતો. કરણભાઈએ તાત્કાલિક લોહીલુહાણ હાલતમાં અજમલને મોટરસાયકલ પર રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડયો હતો. જ્યાં તબીબે અજમલના જમણા હાથની હથેળીના ભાગે આશરે આઠ જેટલા ટાંકા લીધા હતાં. યુનિવર્સિટી પોલીસ મથકના હેડકોન્સ. પુષ્પરાજસિંહે ગુનો નોંધ્યો છે.
(3:49 PM IST)










