તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 10th July 2026
ઇન્દોરથી પાર્સલની આડમાં જુનાગઢ મોકલાતો ૨.૬૫ લાખનો દારૂ આજીડેમ પોલીસે પકડયો
ગોંડલ રોડ ચોકડીએ ટ્રાવેલ્સ એન્ડ કાર્ગો ઓફિસ બહારથી પાર્સલો જપ્ત કરાયા : હરિઓમ એન્ટરપ્રાઇઝ ઇન્દોર-એમપી અને રાહુલ કેમિકલ્સ-જુનાગઢ સામે ગુનો નોંધી પીઆઇ એચ. એન. પટેલની રાહબરીમાં પીએસઆઇ વી. જી. ડોડીયા દ્વારા તપાસ : મોરબી રોડ પર અશોક અને સુનિલ રિક્ષામાં ૧.૧૫ લાખના ૧૮૦ ચપલા સાથે પકડાયા : અન્ય પાંચ દરોડામા બોટલો, ચપલા સાથે યાજ્ઞિક, રાજેશ, મહિપતસિંહ ઉર્ફે મંગો, ઋત્વીક, કૃણાલ પકડાયા

રાજકોટ તા. ૧૦: શહેરની ગોંડલ ચોકડી નજીકથી પાર્સલની આડમાં આવેલો વિદેશી દારૂનો મોટો જથ્થો આજીડેમ પોલીસ સ્ટેશનના સ્ટાફે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મધ્યપ્રદેશના ઈન્દોરથી કેમિકલના નામે જુનાગઢ મોકલવામાં આવી રહેલો અલગ-અલગ બ્રાન્ડનો રૂા. ૨,૬૫,૬૦૦નો કુલ ૧,૮૨૪ બોટલ ઇંગ્લિશ દારૂ કબ્જે કરાયો છે.
ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે હેડ કોન્સ્ટેબલ હરપાલસિંહ જાડેજા, પિયુષભાઈ ચિરોડીયા તથા લોક રક્ષક પ્રતિકભાઈ બોરસદીયાને ખાનગી બાતમીદાર તરફથી ચોક્કસ માહિતી મળી હતી કે રાજકોટ ગોંડલ ચોકડી પાસે આવેલ નેશનલ ટ્રાવેલ્સ એન્ડ કાર્ગો નામની ઓફિસની બહાર રોડ ઉપર શંકાસ્પદ પાર્સલો પડેલા છે, જેમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરેલો છે. આ બાતમીના આધારે પોલીસે પંચોને સાથે રાખી દરોડો પાડયો હતો. ઓફિસના સંચાલક ભરતભાઈ શામજીભાઈ ઝાલાની હાજરીમાં તપાસ કરતા ઓફિસની બહાર જાહેર રોડ પર ૧૩ જેટલા મોટા પાર્સલો મળી આવ્યા હતા.
પોલીસની પ્રથમિક પૂછપરછમાં સામે આવ્યું હતું કે આ પાર્સલો મધ્યપ્રદેશના ઈન્દોર ખાતેથી ‘હરીઓમ એન્ટરપ્રાઇઝ' દ્વારા જુનાગઢ ખાતે આવેલ રાહુલ કેમિકલના નામે મોકલવામાં આવ્યા હતા. જાહેર રોડ પર ટ્રાફિક અને ભીડ હોવાને કારણે પોલીસે તમામ ૧૩ પાર્સલોને આજીડેમ પોલીસ સ્ટેશનના ર્પાકિંગમાં લાવીને ખોલ્યા હતા. પાર્સલની અંદરથી કેમિકલ કે અન્ય કોઈ કાયદેસરની વસ્તુના બદલે ખાખી બોક્સમાં પેક કરેલો મધ્યપ્રદેશ માર્કાનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે તમામ ૧૩ મોટા પાર્સલમાંથી કુલ ૩૮ ખાખી બોક્સ મેળવ્યા હતા, જેમાં ૧૮૦ મી.લી.ની પ્લાસ્ટિકની સીલબંધ બોટલો ભરેલી હતી. જેમાં બેગ પાઇપર્સ વ્હીસ્કીના ૯૧૨ ચપલા રૂા. ૧,૩૬,૮૦૦ના અને ઓફિસર્સ ચોઇસના ૩૮૪ ચપલા રૂા. ૫૭૬૦૦ના તેમજ લંડન પ્રાઇડ વ્હીસ્કી અને એઇટ પીએમ વ્હીસ્કીના ચપલા મળી કુલ ૨,૬૫,૬૮૦ના ૧૮૨૪ ચપલા મળી આવ્યા હતાં. પીઆઇ એચ. એન. પટેલની રાહબરીમાં પીએસઆઇ વી. જી. ડોડીયા અને સ્ટાફે વધુ તપાસ હાથ ધરી છે.
દારૂના અન્ય દરોડાઓની વિગતો મુજબ આજીડેમ ચોકડી પાસે આજીડેમના ગેઇટ નજીકથી જયરાજ પ્રવિણભાઇ દુધરેજીયા (રહે. રઘુનંદનના ઢાળીયા પાસે)ને રૂા. ૬૮૬ની કિંમતના એક બોટલ દારૂ સાથે હેડકોન્સ. ભરતભાઇ જોગીયા, દેવાંગભાઇ પાલાએ પકડી લીધો હતો. તેમજ હુડકો ચોકડીથી કોઠારીયા તરફના રસ્તેથી પ્રિતમ ઉર્ફે વિરલ રમેશભાઇ પરાતે (રહે. રામેશ્વર પાર્ક આજીડેમ ચોકડી) અને જીજ્ઞેશ ખોડાભાઇ કનેરા (રહે. ભવાની કોમ્પલેક્ષ આજીડેમ ચોકડી)ને રૂા. ૩૦૦ના દારૂના બે ચપલા સાથે પકડી લેવાયા હતા.
ત્રીજા દરોડામાં મોરબી રોડ પર વેલનાથપરા નજીક રેડ રોઝ હોટેલ પાસેથી બે શખસને રિક્ષામાં વિદેશી દારૂના જથ્થા સાથે બી-ડિવીઝન પોલીસે ઝડપી લઇ ૧.૧૫ લાખનો દારૂ અને રિક્ષા કબ્જે કરી વધુ પુછતાછ હાથ ધરી હતી. જાણવા મળ્યા મુજબ દારૂ જૂગારની પ્રવૃતિ અટકાવવા ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે બાતમી પરથી મોરબી રોડ વેલનાથ પરા નજીક રેડ રોઝ હોટેલ પાસે વોચ રાખી જીજે૦૩બીએક્સ-૪૧૯૬ નંબરની રિક્ષા આંતરી લીધી હતી. તેમાં તપાસ કરતાં દારૂનો જથ્થો મળતાં રિક્ષામાં બેઠેલા બે શખ્સોની સામે ગુનો નોંધી ધરપકડ કરી હતી. પોલીસે અશોક પ્રાગજીભાઇ ચોૈહાણ (ઉ.વ.૪૨-રહે. સંજયનગર-૪, સંત કબીર રોડ) અને સુનિલ રણછોડભાઇ બજાણીયા (ઉ.વ.૪૫-રહે. વેલનાથપરા-૧૮)ને પકડી લીધા હતાં.
રિક્ષામાંથી રૂા. ૧,૧૫,૨૦૦ના એઇટ પીએમ બ્રાન્ડના વ્હીસ્કીના ૧૮૦ એમએલના ૩૮૪ ચપલા સાથે પકડી લીધા છે. પીઆઇ જી. આર. ચોૈહાણની રાહબરીમાં પીએસઆઇ એન. પી. ડોબરીયા, ક્રિપાલસિંહ જાડેજા, એન. પી. ચાવડા, જગદીશભાઇ વાંક સહિતની ટીમે આ કામગીરી કરી હતી.
અન્ય પાંચ દરોડાની વિગતો મુજબ જ્યારે કુવાડવા રોડ ડી. માર્ટવાળા રોડ પર ચીલ્ડ હાઉસ નજીક એક્ટીવા જીજે૦૩એનએસ-૧૩૯૭માં રૂા. ૧૦૦૦ના દારૂના ચાર ચપલા લઇને નીકળેલા યાજ્ઞિક રમણીકભાઇ મોલીયા (ઉ.વ.૨૪-રહે. રાજારામ સોસાયટી-૪)ને હેડકોન્સ. એસ. ડી. અવાડીયા, કોન્સ. વિજયભાઇ હુંબલે પકડી લીધો હતો. તેમજ ઢેબર રોડ કાંતાસ્ત્રી વિકાસ ગૃહ નજીક રોડ પરથી રાજેશ કાંતિલાલ રાઠોડ (ઉ.વ.૫૦-રહે. કડીયાનગર-૬, ગોકુલધામ રોડ)ને રૂા. ૩૫૦ના વ્હીસ્કીના બે ચપલા સાથે એલસીબી ઝોન-૧ના મનરૂપગીરી ગોસ્વામી અને હેડકોન્સ. જે. આર. પરમારે, ઢેબર રોડ અંધજન કલ્યાણ મંડળ નજીકથી મહિપતસિંહ ઉર્ફે મંગો ગંભીરસિંહ વાઘેલા (રહે. અંધજન મંડળ પાસે)ને રૂા. ૧૬૮૦૦ના રોયલ ચેલેન્જ વ્હીસ્કીના ૯૬ ચપલા સાથે મહાવીરસિંહ ચુડાસમા સહિતે પકડયો હતો.
જ્યારે નવા થોરાળા અવધ પાર્ક-૩માં રહેતાં ઋત્વીક વિનોદભાઇ મકવાણા (ઉ.વ.૨૬)ને તેના ઘરમાંથી રૂા. ૨૫૮૦ના દારૂના ૧૫ ચપલા સાથે થોરાળા પોલીસ સ્ટેશનના નિલેષભાઇ જાગાણી, જે. બી. જાડેજા સહિતે પકડી લીધો હતો. અમુલ સર્કલ નજીકથી કૃણાલ રાજેશભાઇ ગોહેલ (રહે. રામનાથ મંદિર નજીક)ને રૂા. ૧૮૦૦ની દારૂની ત્રણ બોટલ સાથે જે. પી. નિમાવત, વિક્રમભાઇ લોખીલ સહિતે પકડયો હતો.
(2:43 PM IST)










