<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 3rd September 2026

આજીડેમ ચોકડીએ અને ગઢકામાં મંદિરે બે વૃધ્‍ધાના ચેઇન ચોરી લેવાના ભેદ ઉકેલાયાઃ પાંચ પકડાયા

રક્ષાબંધનના દિવસે એક જ દિવસમાં બબ્‍બે સ્‍થળે હાથફેરા કર્યા હતાં નાડોદાનગરના લાભુબેન ડાભી બસમાં ચડતાં હતાં ત્‍યારે ગળામાંથી રૂા. ૩.૭૫ લાખનો અને ગઢકામાં અમરેલીના વૃધ્‍ધા કિરણબેન આખજાના ગળામાંથી રૂા. ૩.૧૫ લાખનો ચેઇન સેરવી લેવાયો હતો


 

રાજકોટ તા. ૩: તહેવારોના દિવસોમાં ભીડભાડનો લાભ ઉઠાવીને તસ્‍કરો સક્રિય બન્‍યા હોવાનો વધુ એક કિસ્‍સો પ્રકાશમાં આવ્‍યો હતો. શહેરના કોઠારીયા રોડ પર આવેલ નાડોદાનગર વિસ્‍તારમાં રહેતા ૭૦ વર્ષીય વૃધ્‍ધના  પત્‍નિ રક્ષાબંધનના પર્વ નિમીતે ભાડુઇ ગામે જવા માટે આજીડેમ ચોકડી પાસે એસ.ટી. બસમાં ચડતાં  હતાં ત્‍યારે કોઇ ગિરદીનો લાભ લઇ તેમના ગળામાંથી રૂા. ૩.૭૫ લાખનો ચેઇન સેરવી ગયું હતું. આ ગુનાનો ભેદ આજીડેમ પોલીસે ચાર મહિલા સહિત પાંચ શકમંદોને દબોચી લીધા છે. ગઢકામાં દ્વારકાધીશના મંદિરમાં દર્શન કરવા ગયેલા અમરેલીના વૃધ્‍ધાના ગળામાંથી ચેઇન ચોરી લેવાની ઘટનાનો ભેદ પણ આ સાથે ઉકેલાયો છે.

જાણવા મળ્‍યા મુજબ કોઠારીયા રોડ પર હુડકો પોલીસ ચોકી પાછળ આવેલી નાડોદાનગર શેરી નં.૩માં રહેતા અને નિવળત્ત જીવન ગાળતા ખોડાભાઈ દેવજીભાઈ ડાભીના પત્‍નિ લાભુબેન (ઉ.વ.૭૦) ૨૮મીના રોજ સવારના આઠેક વાગ્‍યાના સુમારે રક્ષાબંધનનો તહેવાર હોવાથી સરધાર પાસે આવેલા પોતાના વતન ભાડુઈ ગામે જવા માટે ઘરેથી નીકળ્‍યા હતા. તેઓ હુડકો ચોકડીથી ઓટોરિક્ષા મારફતે આજીડેમ ચોકડી ખાતે પહોંચ્‍યા હતા.

આજીડેમ ચોકડી ખાતે સવારના આશરે દશેક વાગ્‍યે સરધાર તરફ જતી એસ.ટી. બસ આવી પહોંચતા લાભુબેન બસમાં ચડવા માટે ગયા હતા. બસમાં મુસાફરોની ભીડ હોવાથી તેઓ પગથિયાં ચડી રહ્યા હતા તે દરમિયાન જ કોઇ તેમની નજર ચૂકવીને ગળામાં પહેરેલો સોનાનો ચેઇન સેરવી લીધો હતો. બસમાં બેઠા બાદ ગળામાં હાથ જતાં સોનાનો ચેઇન ગાયબ હોવાનું જણાતાં લાભુબેન તુરંત જ બસમાંથી નીચે ઉતરી ગયા હતા અને ઘરે પતિ ખોડાભાઈને ફોન કરીને સમગ્ર ઘટનાની જાણ કરી હતી.

ચોરી થયેલા સોનાના ચેઇનનું વજન આશરે ૩ તોલા (૩૦ ગ્રામ) હતું, રૂ. ૩,૭૫,૦૦૦નો ચેઇન ચોરાઇ જતાં આજીડેમ પોલીસને જાણ કરતાં હેડકોન્‍સ. એ. એચ. ગોહિલે ગુનો નોંધ્‍યો હતો. દરમિયાન પીઆઇ એચ. એન. પટેલની રાહબરીમાં પીએસઆઇ વી. જી. ડોડીયા, હિતેષભાઇ અગ્રાવત, સહિતની ટીમે તપાસ શરૂ કરી હતી. દરમિયાન આ ગુનામાં એક જ પરિવારના ચાર મહિલા સહિત પાંચને પકડી લીધા છે.

 આ ગુનો ઉપરાંત અમરેલીમાં શામજીનગર શેરી નં. ૧ લાઠી રોડ પર રહેતાં કિરણબેન ચુનીલાલ આખજા (ઉ.વ.૬૦) ગત ૨૮મીએ ગઢકા રહેતાં જેઠની દિકરી વૈશાલીબેનના ઘરે આવ્‍યા ત્‍યારે અહિ ગામમાં આવેલા  દ્વારકાધીશ મંદિરે ધ્‍વજા આરોહણ, ધૂન અને પ્રસાદ વિતરણનો કાર્યક્રમ યોજાયો હોઇ તેમાં પતિ, પુત્ર દીપકભાઇ અને પરિવારજનો દર્શનાર્થે ગયા હતાં. એ વખતે કિરણબેનના ગળામાંથી ૩.૧૫ લાખની કિંમતનો ચેઇન સેરવાઇ ગયો હતો. આ ગુનો પણ પકડાયેલા પાંચ આરોપીઓએ કબુલ્‍યો છે. આમ એક જ દિવસમાં બે ચેઇન સેરવી લેવાયા હતાં.

પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી ચૈતન્‍ય માંડલીક, ડીસીપી હેતલ પટેલ, એસીપી બી. વી. જાધવની સુચના અંતર્ગત પીઆઇ એચ. એન. પટેલ, પીએસઆઇ વી. જી. ડોડીયા,  હેડકોન્‍સ. પિયુષભાઇ ચીરોડીયા, હરપાલસિંહ જાડેજા, ગોપાલભાઇ બોળીયા, દેવાંગભાઇ પાલા, ભરતભાઇ જોગીયા, સંજયભાઇ મિયાત્રા, હિતેષભાઇ અગ્રાવત, કોન્‍સ. વિરેન્‍દ્રસિંહ જાડેજા, મહેશભાઇ કોઠીવાળ, પ્રદિપસિંહ ગોહિલ, હરપાલસિંહ જાડેજા, મનિષભાઇ શિરોડીયા, કુલદીપસિંહ જાડેજા, વિશ્વરાજસિંહ પરમાર, પ્રતિકભાઇ બોરસદીયાએ આ કામગીરી કરી હતી.

(2:31 PM IST)