<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 31st July 2026

અજય પરમારે પાડોશી ૧૨ વર્ષના બાળકને ભોળવી તેના પિતાના ફોનમાંથી ઓનલાઇન ૬૧ હજાર ટ્રાન્‍સફર કરાવ્‍યા!

રણુજા મંદિર પાસે સોમનાથ સોસાયટીમાં બનાવઃ આજીડેમ પોલીસમાં ફરિયાદ ભંગારના વેપારી ગોૈરીશંકર મંડલે એટીએમમાંથી ૧૨ હજાર ઉપાડયાના બીજા દિવસે મેસેજ ચેક કરતાં બીજા ૬૧ હજાર ઉપડી ગયાની ખબર પડીઃ તપાસ કરતાં પાડોશી શખ્‍સનો ભાંડો ફુટયો

રાજકોટ તા. ૩૧: આજના ડિજિટલ યુગમાં બાળકોના હાથમાં મોબાઈલ આપવો અને પેમેન્‍ટ એપના પાસવર્ડ આપવા કેટલુ જોખમી સાબિત થઈ શકે છે તેનો વધુ એક કિસ્‍સો રાજકોટ શહેરમાં સામે આવ્‍યો છે. કોઠારીયા રોડ પર આવેલી સોમનાથ સોસાયટીમાં રહેતા વેપારીના ૧૨ વર્ષના  પુત્રને થોડા પૈસા વાપરવાની લાલચ આપી તેની પાસે પિતાના મોબાઈલમાંથી ફોનપે મારફતે પાડોશમાં જ રહેતાં શખ્‍સે રૂપિયા ૬૧,૦૦૦ ટ્રાન્‍સફર કરાવી લેતાં પોલીસને જાણ કરાઇ છે.

આ બનાવમાં આજીડેમ પોલીસે કોઠારીયા રોડ રણુજા મંદિર પાછળ સોમનાથ સોસાયટી-૩માં રહેતાં અને ભંગાર તથા ગાડીના પાર્ટસનો વેપાર કરતાં ગોૈરીશંકર છકુભાઇ મંડલ (ઉ.વ.૫૩)ની ફરિયાદ પરથી તેના જ પાડોશમાં રહેતાં અજય રાજશેભાઇ પરમાર અને તપાસમાં ખુલે તેની સામે ગુનો નોંધ્‍યો છે.

ફરિયાદની વિગત મુજબ વેપારી ગોૈરીશંકરનું સેવીંગ્‍સ એકાઉન્‍ટ એચડીએફસી બેંકની ભક્‍તિનગર બ્રાન્‍ચમાં આવેલું છે. ગત તા. ૨૬/૦૩ના રોજ તેઓએ એટીએમમાંથી રૂા. ૧૨,૦૦૦ ઉપાડ્‍યા હતા. જોકે બીજા દિવસે સવારે ટેક્‍સ્‍ટ મેસેજ ચેક કરતા તેમના ખાતામાંથી જાણ બહાર વધુ રૂા. ૬૧,૦૦૦ ઉપડી ગયા હોવાનું જણાયું હતું. આ અંગે શંકા જતા ગૌરીશંકરભાઈએ તુરંત બેંકમાં જઈ સ્‍ટેટમેન્‍ટ કઢાવ્‍યું હતું. સ્‍ટેટમેન્‍ટ તપાસતા માલૂમ પડ્‍યું હતું કે તા. ૨૫/૩થી તા. ૨૭/૩ દરમિયાન અલગ-અલગ ૪ ટ્રાન્‍ઝેક્‍શન મારફતે ૩૦,૦૦૦, ૨૦,૦૦૦, ૫,૦૦૦ અને ૬,૦૦૦ મળીને કુલ ૬૧,૦૦૦ની રકમ તેમની જ શેરીમાં રહેતા અજય પરમાર નામના શખ્‍સના યુપીઆઇ એકાઉન્‍ટમાં ટ્રાન્‍સફર થઈ હોવાનું જણાયું હતું.

આ અંગે ગૌરીશંકરભાઈએ ઘરે આવીને પરિવારજનો સાથે વાતચીત કરતા તેમના ૧૨ વર્ષના નાના પુત્રએ કહ્યું હતું કે શેરીમાં રહેતા અજય પરમારે તેને કહ્યું હતું કે-તારા પપ્‍પાના એકાઉન્‍ટમાંથી મારા એકાઉન્‍ટમાં પૈસા નાખ, હું તને વાપરવા માટે થોડા પૈસા આપીશ. આ લાલચમાં આવીને તેણે  પિતાના મોબાઈલમાં ફોનપે એપ્‍લિકેશનનો ઉપયોગ કરી આ રકમ ટ્રાન્‍સફર કરી આપી હતી. પોતાના સગીર દિકરાના ભોળપણનો ગેરલાભ ઉઠાવી પાડોશીએ ૬૧ હજાર ટ્રાન્‍સફર કરાવી લીધા હોઇ આજીડેમ પોલીસને જાણ કરી હતી. તેમ વધુમાં ગોૈરીશંકર મંડલે કહેતાં પીઆઇ એચ. એન. પટેલની રાહબરીમાં હેડકોન્‍સ. એચ. આર. ટારીયાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે

(3:20 PM IST)