<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 23rd August 2026

રેલનગરમાં નંબરપ્લેટ વગર ટુ વ્હીલરમાં પેટ્રોલ પુરાવનાર અજય ચંચલાણી અને પુરી આપનાર કર્મી દિગપાલસિંહ ચુડાસમા વિરૂધ્ધ ગુનો

પ્ર. નગર પોલીસ સ્ટેશનમાં હેડકોન્સ્ટેબલ ચાપરાજભાઈ ખવડે ગુનો દાખલ કરાવ્યો

રાજકોટ: શહેરમાં નમ્બર પ્લેટ નહિ તો ઇંધણ નહિ એ ઝુંબેશ અને પોલીસ કમિશનરના જાહેરનામાનો કડક અમલ કરાવાઈ રહ્યો છે. દરમિયાન વધુ એક આવો ગુનો દાખલ થયો છે. રેલનગરમાં નંબર પ્લેટ વગરના ટુ વ્હીલરમાં પેટ્રોલ પુરી દેતા એકટીવા માલિક અજય લછમણદાસ ચંચલાણી (રહે.ઝુલેલાલનગર શેરી નં.૫, જંક્શન પ્લોટ) અને તેમાં આગળના ભાગે નંબર પ્લેટ નહીં હોવા છતાં પેટ્રોલ પુરી દેનાર વિવેક ફ્યુઅલ પેટ્રોલપંપના કર્મચારી દિગ્પાલસિંહ વિજયસિંહ ચુડાસમા (રહે. રેલનગર, સંતોષીનગર) બન્ને સામે બી.એન.એસ.એસ.ની ક.૧૭૩ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે.

આ કેસમાં પ્ર.નગર પોલીસના હેડકોન્સ્ટેબલ ચાંપરાજભાઈ ખવડએ ફરિયાદી બનીને આ બન્ને શખ્સો સામે ગુનો નોંધાવ્યો હતો. આ બનાવના વીડિયો તસ્વીર સોશ્યલ મિડીયામાં વાયરલ થતા પોલીસે તેના આધારે સ્થળ તપાસ કરીને ખરાઈ કરીને ફોજદારી કાર્યવાહી કરીને રાજકોટના તમામ પેટ્રોલપંપ સંચાલકોને મેસેજ આપ્યો છે કે ટુ વ્હીલર કે ફોર વ્હીલર કોઈ પણ વાહનમાં નંબર આગળ પાછળ છે કે નહીં, નંબરપ્લેટ કાયદેસરની છે અને વંચાય છે કે નહીં તે ચેક કરીને જ પેટ્રોલ-ડીઝલ પૂરવાનું રહેશે અન્યથા ગુનેગાર બનશો.

પોલીસે સોશ્યલ મિડીયા ઉપરાંત દરેક પંપ ઉપર પોલીસના માણસો દ્વારા વોચ પણ ગોઠવી છે. ઉલ્લેખનીય છે કે નંબર પ્લેટ વગર વાહનમાં પેટ્રોલ પુરાવનાર સામે જાહેરનામા ભંગનો ગુનો ઉપરાંત મોટર વ્હીકલ એક્ટના ભંગ બદલ પણ દંડ વસુલાત સહિતની કાર્યવાહી થશે. 

(9:38 AM IST)