News of Friday, 2nd October 2026
‘કેન આઇ ટચ યુ' કહી એઇમ્સના મહિલા તબીબની છેડતી
ઘરકી દાલ ડેઇલી-ડેઇલી કૌન ખાતા હૈ' કહી લલીત અવાર-વાર ફર્લ્ટ કરતોઃ ઇન્ટર્ન મહિલા તબીબીના કમર અને ખંભા પર હાથ મૂકી સતામણી કરતો'તોઃ ગાંધીગ્રામ પોલીસમાં ફરિયાદ થઇ

રાજકોટઃ તા.ર, શહેરની ભાગોળે એઇમ્સમાં ડ્રેસીંગ વિભાગમાં ઇન્ટર્ન મહિલા તબીબને મદદમાં રહેલા નર્સીંગ સ્ટાફના લલીત (રહે. એઇમ્સ હોસ્પિટલ નર્સીં સ્ટાફ)એ અવાર નવાર વાતચીતમાં ફર્લ્ટ કરી ‘કેન આઇ ટચયુ' કહી ત્રણેક વખત કમરના ભાગે ટચ કરવાનો ઇશારો કરી કમરમાં હાથ નાખી જાતીય સતામણી કર્યાની ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઇ છે.
મહિલા તબીબે પોલીસને જણાવ્યું કે સાતેક દિવસ પહેલા તેની ડયુટી ડ્રેસીંગ વિભાગમાં હતી, બીજા દિવસે તેની નોકરી દરમીયાન તેની સાથે મદદમાં નર્સીંગ સ્ટાફનો લલીત હતો તે ફોનમાં સ્ટેટસ જોઇ રહી હતી ત્યારે આરોપી લલીતે તેનો ફોન લઇ ફોટા જોવા લાગ્યો હતો, જેથી તેને તમે આવી રીતે મારો ફોન ન જોઇ શકો કહી ફોન પરત લઇ લીધો હતો.
ત્યારબાદ ત્રણેક દિવસ પહેલા ફરી તેની નોકરી ડ્રેસીંગ વિભાગમાં હતી, ત્યારે પણ લલીત તેનીસાથે નોકરી પર હતો, કોઇ પેસન્ટ ન હોય આ સમયે આરોપીએ રૂમનો દરવાજો આડો કરી તેનીસાથે વાત કરવાનો પ્રયાસ કરી આજે આપણે બહાર જમવા જઇએ તેમ પૂછતા તેને ‘મારે મેસમાં જમવાનું છે' તેમ જવાબ આપ્યો હતો. છતાં આરોપીએ ‘હું તને પાર્ટી આપું છું' કહેતા તેને ના પાડી દીધી હતી. તેમજ આરોપીને ‘તમારા લગ્ન થઇ ગયા છે આવી રીતે અવાર નવાર મારી સાથે ફર્લ્ટ કરો તે સારૂ ન લાગે' કહેતા આરોપીએ ‘ઘરકી દાલ ડેઇલી-ડેઇલી કોન ખાતા હૈ' કહી પરાણે ફલર્ટ કરતો હતો, ત્યારબાદ તે ખુરશી ઉપર બેઠી હતી ત્યારે આરોપીએ ખુરશી સહિત તેને પોતાની તરફ ખેચતા તે ઉભી થઇ ત્યાં પડેલા બાંકડા પર બેસવા ગઇ હતી ત્યાં પણ આરોપીએ તેની બાજુમાં બેસી ‘કેન આઇ ટચયુ' કહી કમરના ભાગે ટચ કરવાનો ઇશારો કરતા તેને ‘આપ ઐસા નહી કરી શકતે' કહેતા આરોપીએ અચાનક તેની કમરમાં હાથ નાખી ખંભા પર હાથ મુકતા ગભરાઇને તે ત્યાંથી ઉભી થઇ બહાર નીકળી ઇમરજન્સી વિભાગમાં પહોંચી હતી જયાં સાથી કર્મચારીને સહિતને વાત કરી હતી, બાદમાં આ મામલે એઇમ્સના ચેરમેનને લેખીતમાં કમ્પલેઇન કર્યા બાદ પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી, ગાંધીગ્રામના પીએસઆઇ એમ.એન. પીઠીયાએ આ મામલે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે, એઇમ્સમાં ઘટનાને પગલે રેસીડેન્સી-ઇન્ટર્ન તબીબો દ્વારા હડતાલ શરૂ કરાઇ હતી તો ખાસ કમીટી રચીને તંત્ર દ્વારા તપાસ પણ શરૂ કરવામાં આવી છે.
(3:38 PM IST)










