તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 23rd May 2026
‘ઓપરેશન મિલાપ' અંતર્ગત અપહૃત સગીરાને એએચટીયુની ટીમે શોધી કાઢી
માહિતીને પગલે ટીમ યુપી પહોંચી પણ અચાનક રાજકોટમાં મોબાઇલ ટ્રેસ થયો : પીઆઇ કે. કે. ગોહિલ, પીએસઆઇ બી. વી. ચુડાસમા, એએસઆઇ અજયભાઇ શુક્લા અને ટીમની કાર્યવાહીઃ આગળની તપાસ માટે ભક્તિનગર પોલીસને સોંપાઇ

રાજકોટ તા. ૨૩: શહેરમાંથી અપહરણ થયેલા સગીર વયના બાળકો, સગીરાઓને તાકીદે શોધી કાઢવા માટે એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટ (એએચટીયુ)ને ખાસ સૂચનાઓ આપવામાં આવી હોઇ ‘ઓપરેશન મિલાપ' અંતર્ગત ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ૧૭ વર્ષની સગીરાના અપહરણના ગુનાનો ભેદ ઉકેલી સગીરા અને તેને ભગાડીજનારા યુપીના શખ્સને શોધી કાઢી ભક્તિનગર પોલીસને સોંપાયા છે
જાણવા મળ્યા મુજબ શહેરના ભક્તિનગર પોલીસ સ્ટેશન ખાતે તાજેતરમાં સગીરાના અપહરણનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ફરીયાદીની ૧૭ વર્ષની સગીર વયની દિકરીને કોઈ અજાણ્યો શખ્સ અપહરણ કરી ભગાડી ગયો હતો. આ મામલે શરૂઆતમાં ભક્તિનગર પોલીસ તપાસ ચલાવી રહી હતી, ત્યારબાદ આ કેસની ગંભીરતાને જોતાં ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસ એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટને સોંપવામાં આવી હતી.
એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટની ટીમ સગીરાને શોધી કાઢવા માટે એક્શન મોડમાં આવી હતી. ટીમ દ્વારા ટેકનિકલ એનાલીસીસ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તપાસ શરૂ કરતા પ્રાથમિક માહિતી મળી હતી કે ભોગ બનનાર સગીરા ઉત્તરપ્રદેશ ખાતે હોઈ શકે છે. જેથી એન્ટી હ્યુમન ટ્રાફિકીંગની એક ખાસ ટીમ તાત્કાલિક તપાસ અર્થે રવાના કરવામાં આવી હતી. આ દરમિયાન પોલીસ ટીમની સતત વોચ અને ટેકનિકલ રિસોર્સના સચોટ ઉપયોગના કારણે ભોગ બનનાર સગીરાના નવા મોબાઈલ નંબરનું લોકેશન અચાનક રાજકોટ ખાતે ટ્રેસ થયું હતું. લોકેશન મળતાની સાથે જ એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટના એએસઆઇ અજયકુમાર શુક્લા, હેડકોનસ. હસમુખભાઇ વાછાણી, જીજ્ઞેશભાઇ મારૂ, કોન્સ. હસમુખભાઇ બાલધાએ લોકેશનને આધારે સગીરા અને તેની સાથેના યુપીના શખ્સને સકંજામાં લઇ લીધા હતાં. વધુ તપાસ માટે આ બંનને ભક્તિનગર પોલીસને સોંપાયા હતાં.
પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી ચૈતન્ય માંડલીક, એસીપી ભરત બી. બસીયાની સુચના અંતર્ગત એએચટીયુના પીઆઇ કે. કે. ગોહિલ, પીએસઆઇ બી. વી. ચુડાસમા, એએસઆઇ અજયકુમાર શુક્લા, હેડકોન્સ. જીજ્ઞેશભાઇ મારૂ, હરસુખભાઇ વાછાણી, કોન્સ. હસુમખભાઇ બાલધા, મહેશ ગણેશપ્રસાદ, શાંતુબેન મુળીયા, જ્યોતિબેન બાબરીયા, ડ્રા.કોન્સ. સુર્યકાંતભાઇએ આ કામગીરી કરી હતી.
(3:35 PM IST)










