<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th November 2026

વય કે સાધનની નહીં, અતુટ મનોબળની જરૂરઃ રાજકોટના ૬૫ વર્ષના ‘યુવા'એ એક્‍ટિવા પર એકલા ૧૭ દિવસમાં સર કર્યો લેહ-લદાખનો દુર્ગમ પ્રવાસ

ઉંમર તો માત્ર એક આંકડો છે, જો જીવનમાં સાહસ, ધગશ અને લોખંડી મનોબળ હોય તો હિમાલયના શિખરો પણ ઝૂકી જાય! : પ્રવાસી રમેશભાઇ સભાયા-કહે છે-મારા આ પ્રવાસને ઘણાએ પાગલપણું ગણાવ્‍યું: બે વર્ષથી મિત્રોને પુછતો હતો પણ કોઇ તૈયાર થતું નહોતું અંતે એકલો નીકળી પડયોઃ રોજના ૬૦૦થી ૭૦૦ કિ.મી. અંતર કાપતોઃ રાતે રોકાણ કરી લેવાનું: જીવનના એક એવા અનુભવનું ભાથું બાંધ્‍યું છે જેનું શબ્‍દોમાં વર્ણન કરી શકાય તેમ નથી! : બૂલંદ હોય ઇરાદા તો મુશ્‍કેલ કોઇ કામ નથી હોતું, હોય જો હૈયે હામ તો મુશ્‍કેલ કોઇ સફર નથી હોતી : રાજકોટથી લેહ-લદાખ અને ફરી રાજકોટ સુધીનો ટોટલ ૫૫૦૦ કિલોમીટરનો પ્રવાસ કર્યો

રમેશભાઇ સભાયાને ‘અકિલા'ના મોભીશ્રી કિરીટભાઇ ગણાત્રાએ તેમના સાહસભર્યા પ્રવાસને સફળતા પુર્વક પુર્ણ કરવા બદલ અભિનંદન પાઠવ્‍યા હતાં.: રાજકોટના  ૬૫ વર્ષના યુવાન રમેશભાઇ સભાયાએ રાજકોટથી લેહ લદાખ સુધીની યાત્રા પોતાના એક્‍ટીવા ઉપર એકલા જ પુરી કરી હતી ત્‍યાંના દ્રશ્‍યો. સ્‍થાનીક લોકોએ તેમને આવકારી હોંશે હોંશે જમાડયા હતાં, સન્‍માન કર્યુ હતું તે તથા ઝોઝીલા પાસ, ખારદુંગ લા પાસ સુધી તેઓ પહોંચ્‍યા હતાં તે દ્રશ્‍યો જોઇ શકાય છે.

રાજકોટ તા. ૪: શહેરના વતની અને ૬૫ વર્ષીય વયે પહોંચેલા રમેશભાઈ રવજીભાઈ સભાયાએ પોતાની અદભુત દ્રઢ નિર્ણય શક્‍તિ અને સાહસિક વળત્તિના બળે એક નવો જ ઇતિહાસ રચ્‍યો છે. સામાન્‍ય રીતે હિમાલય અને લેહ-લદાખ જેવા અતિ દુર્ગમ અને જોખમી પ્રવાસો માટે યુવાનો પણ ભારેખમ અને પાવરફુલ બાઇક કે એસયુવી વાહનો પસંદ કરતા હોય છે, ત્‍યારે રાજકોટના રમેશભાઈએ કોઈપણ પ્રકારના મોટા વાહન વગર માત્ર એક  એક્‍ટિવા સ્‍કૂટર પર આખો પ્રવાસ ખેડીને સૌને ચોંકાવી દીધા છે. તેમણે એકલા જ આ પ્રવાસની શરૂઆત કરી હતી અને ૧૭ દિવસના ટૂંકા સમયગાળામાં આ પ્રવાસ અસંખ્‍ય યાદો, અનુભવોના ભરપુર ભાથા સાથે પુર્ણ કર્યો હતો.

અકેલા નહિ હું, હોંશલા-હિમ્‍મત મેરે સાથ હૈ, કોઇ નહિ સાથ મેરા ઇરાદા મેરે સાથ હૈ...આવો જ કંઇક દ્રઢ નિヘય કરીને રાજકોટથી એકલા લેહ લદાખની યાત્રાએ એક ૬૫ વર્ષિય યુવાન નીકળી પડયા હતાં, એ પણ ૨૦૧૮ મોડેલના ૧૦૦ સીસીના એક્‍ટીવા સ્‍કૂટર પર સવાર થઇને! એક્‍ટીવાના સહારે લેહ લદાખની ટૂર એકલા જ સફળતા પુર્વક પુર્ણ કરી એવુ સાબીત કર્યુ છે કે બૂલંદ હોય ઇરાદા તો મુશ્‍કેલ કોઇ કામ નથી હોતું, હોય જો હૈયે હામ તો મુશ્‍કેલ કોઇ સફર નથી હોતી. રમેશભાઇ સભાયા રાજકોટના યુનિવર્સિટી રોડ પર રહે છે. આ પ્રકારના કોઇપણ પ્રવાસ કરવા માટે સોૈ પહેલા તો તમારુ શરીર તમને સાથ આપે તે મહત્‍વનું હોય છે. દસ કિલોમીટર વોકીંગથી પોતાના શરીરને સ્‍વસ્‍થ તંદુરસ્‍ત રાખતાં રમેશભાઇએ રાજકોટથી પ્રવાસની ૧૯ સપ્‍ટેમ્‍બરની સવારે શરૂઆત કરી હતી.

પહેલા જ દિવસે ૬૦૦ કિલોમીટર અંતર કાપીને સાંજે તેઓ રાજસ્‍થાનના બાલેસર પહોંચી ગયા હતાં. ત્‍યાં રાત્રી રોકાણ કરી સવારે ફરી તર્ર્રોતાજા થઇ પ્રવાસ શરૂ કરીબીજા દિવસે પંજાબના અમળતસર પહોંચી ગયા. ત્‍યાંથી ત્રીજા દિવસે રવાના થઇ પટનીટોપ પહોંચી ફરી રોકાણ કરી પછી શ્રીનગર થઇ સોનમર્ગ પહોંચ્‍યા. ત્‍યાં રોકાણ કર્યા પછી  કારગીલ થઇ લઈને જબરદસ્‍ત ઝોઝીલા પાસ સહિતના પોઇન્‍ટ પર થઇને દાર્ચીક વિલેજ ખાતે પહોંચી ગયા હતાં. આ તેમની સફરનો પાંચમો દિવસ હતો.

રમેશભાઇ કહે છે દાર્ચિક વિલેજના લોકો પોતાને સિકંદર-એલેકઝેન્‍ડરના વસંજો માને છે. અહિના લોકોની ભાષા, રીતરીવાજો લદાખના અને બીજા ગામના લોકો કરતાં અલગ પડે છે. રમેશભાઇ કહે છે આ ગામની આજુબાજુમાં બીજા બે ગામો ગોરકોન અને દાહ વિલેજ છે. આ ગામોના લોકો એક જ સંસ્‍કૃતિના હોઇ દિકરા-દિકરીના લગ્ન આ ગામોમાં જ થાય છે. અહિ જરદાલુની જબરદસ્‍ત ખેતી થાય છે. આ ગામોમાં મેં બે રાત્રીનું રોકાણ કર્યુ હતું અને ત્‍યાંની સંસ્‍કૃતિ, રિતરીવાજ, ખાનપાન, પહેરવેશ સહિતથી માહિતગાર થયો હતો. ભાષાની થોડી તકલીફ વચ્‍ચે અહિ લોકો રાષ્‍ટ્રભાષા હિન્‍દીનો ઉપયોગ પણ કરતાં હોય જેથી આપણા જેવા પ્રવાસીઓને વાતચીતમાં તકલીફ પડતી નથી. સોનમર્ગથી કારગીલ જતી વખતે રસ્‍તામાં એક મુસ્‍લિમ પરિવારના લગ્નની જાનમાં પણ મને મહેમાન તરીકે સામેલ કરાયો હતો અને મારું સ્‍વાગત કરી મહેમાનનવાજી કરવામાં આવી હતી. એ અનુભવ મારા માટે યાદગાર બની રહ્યો છે.

આ પછી સાતમા દિવસે હું આશરે અઢીસો કિલોમીટર અંતર કાપીને લેહ પહોંચી ગયો હતો. સાંજે ત્‍યાં હોટેલમાં રોકાણ કર્યુ હતું. બીજા દિવસે નુબ્રાવેલીની મુલાકાત લીધી. અહિ આજુબાજુમાં દિસ્‍કીત વિલેજ, હુન્‍ડર વિલેજ અને એલઓસી પાસેના તુર્તુક વિલેજ તથા થાંગ વિલેજ કે જ્‍યાં મોટે ભાગે પ્રવાસીઓ જતાં હોતાં નથી ત્‍યાં હું પહોંચ્‍યો હતો. આ ગામોની સંસ્‍કૃતિ રહેણીકરણીથી વાકેફ થયો હતો. તુર્તિક અને થાંગ ૧૯૭૧ પહેલા પાકિસ્‍તાનની હદમાં હતાં. ૧૯૭૧ના યુધ્‍ધ પછી આ ગામોનો ભારતમાં સમાવેશ થયો હતો.

આ પછી મેં ખારદુંગલા કે જે દુનિયાનો એક સમયે સોૈથી ઉંચાઇ ધરાવતો રોડ હતો તે હાલ ત્રીજા ક્રમે છે ત્‍યાં પહોંચ્‍યો હતો. ૧૮૦૦૦ ફુટની ઉંચાઇ ધરાવતી આ જગ્‍યાએ ઓક્‍સિજનનું પ્રમાણ ઓછુ હોઇ હવા પાતળી હોઇ થોડી તકલીફ પડી હતી. જો કે અહિ પણ એક્‍ટીવા સાથે હું હેમખેમ પહોંચ્‍યો હતો. અહિ પહોંચ્‍યા પછી મને જે ખુશીની લાગણી થઇ તે વ્‍યક્‍ત કરવાના પણ મારી પાસે શબ્‍દો નથી. આ પછી આગળના મુકામ પેંગોંગ લેક સુધી હું પહોંચ્‍યો હતો. જ્‍યાં હું કોટેજમાં રોકાઇ ગયો હતો. બાદમાં  હાનલે વિલેજ જતી વખતે મને રસ્‍તામાં સ્‍નોફોલને કારણે અનહદ ઠંડી ચડતાં આર્મી કેમ્‍પ ખાતે બેકરીના વિશાળ ઓવનથી ગરમાવો મેળવ્‍યો હતો. આર્મી ઓફિસરે મારી વિગતો જાણી હતી અને મને મદદરૂપ થયા હતાં. તેમજ હું એકલો જ આ રીતે સ્‍કૂટર લઇ લેહ લદાખના પ્રવાસે નીકળ્‍યાનું જાણી પ્‍ભાવીત થઇ મને અભિનંદન આપી નાસ્‍તો કરાવ્‍યોહ તો. તેમજ જરૂરી માર્ગદર્શન આપ્‍યુ હતું.

લેહ લદાખના આ પ્રવાસમાં મને દુર્ગમ પહાડો વચ્‍ચે એકલા ઘુમવાનો, કુદરતના અફાટ સોૈંદર્યને માણવાનો લ્‍હાવો મળ્‍યો તો સાથે સાથે ભયાનક ઠંડી વચ્‍ચે પણ હું મારી જાતને સ્‍વસ્‍થ રાખી આગળ વધતો ગયો તે અદ્દભુત અનુભવ પણ કરવા મળ્‍યો હતો. અહિ હોમ સ્‍ટે, કોટેજીસ, હોટેલ એમ અલગ અલગ સ્‍થળોએ રહેવાનો લ્‍હાવો લીધો હતો. દરેક જગ્‍યાએ હું લોકલ ફ્રુટને ખોરાકમાં સામેલ કરવાનું વધુ પસંદ કરતો હતો. લેહ લદાખમાં ઉગતી જડીબુટ્ટી વનસ્‍પતિ વિશે પણ જાણકારી મેળવી હતી. ત્‍યાં જંગલી બેરી જેને ત્‍યાંના લોકો સીબકથ્રોન તરીકે ઓળખે છે તેનો ખાવામાં ભરપુર ઉપયોગ થાય છે. જે લદાખના જંગલોમાં જ ઉગે છે.

પેંગોંગ લેકથી હાનલે વિલેજ જતી વખતે ઉપરોક્‍ત લ્‍હાવો લેતો ગયો હતો. હાનલે  દસમા દિવસે પહોંચી રોકાણ કર્યુ હતું. આ પછી રસ્‍તામાં ન્‍યોમા વિલેજ, પાન વિલેજ થઇ  પહોંચી રાત રોકાણ કરી છેલ્લે બારાલાચલા પાસ અને જીસ્‍પા થઇ કુલ્લુ પહોંચ્‍યો હતો. અહિ સફરના બાર દિવસ પુરા થઇ ગયા હતાં. કુલ્લુના તાંદલા વિલેજ અને ચોંગ વિલેજમાં બે રાત રોકાણ કર્યુ હતું. પછી ચંડીગઢ થઇ હનુમાનગઢ (રાજસ્‍થાન) સુધીનો ૫૫૦ કિ.મી.નો રસ્‍તો કાપ્‍યો હતો. સવારે ત્‍યાંથી નીકળી સાંચોર સુધીનું ૬૦૦ કિ.મી. અંતર કાપી બાદમાં સત્તરમા દિવસે બપોર સુધીમાં હું રાજકોટ પહોંચી ગયો હતો. આ રીતે મારી એક યાદગાર સફર હેમખેમ પુરી થઇ હતી.

આ અદ્દભુત પ્રવાસ દરમિયાન રમેશભાઈએ રાજકોટથી નીકળીને રાજસ્‍થાન, પંજાબ, શ્રીનગર કાશ્‍મીરની વાદીઓ, શ્રીનગરની સુંદરતા તથા કારગિલના ઐતિહાસિક માર્ગો પરથી પસાર થઈને લદાખની બરફાચ્‍છદિત અને અત્‍યંત પ્રતિકૂળ પરિસ્‍થિતિવાળી કેસોટીઓ પાર કરી હતી. એક્‍ટિવા સ્‍કૂટર જેવા નાના વ્‍હીલ અને સીમિત ક્ષમતા ધરાવતા વાહન પર ઓક્‍સિજનની ઓછપ, અતિશય ઠંડી, ધૂળની ડમરીઓ અને પથરાળ રસ્‍તાઓ વચ્‍ચે એકલા ડ્રાઈવિંગ કરવું એ કોઈ લોખંડી જીગરના માનવીનું જ કામ હોઈ શકે. રમેશભાઈએ આ તમામ કુદરતી અને ભૌગોલિક પડકારોને પોતાની અડગ શ્રદ્ધા અને જીવસંજ્ઞાથી હસતા મુખે પાર કર્યા છે, જે માત્ર રાજકોટ જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતના યુવાનો અને વડીલો માટે એક મોટી પ્રેરણા સમાન બની રહેલ છે.

આ પવિત્ર અને સાહસિક સફર પુરી કરીને રાજકોટ પરત ફરેલા રમેશભાઈ સભાયાના આ અદભુત કારનામાથી સમગ્ર પરિવાર, મિત્રવર્તુળ અને સ્‍નેહીજનોમાં ભારે ઉત્‍સાહ અને ગર્વની લાગણી ફેલાઈ ગઈ છે. કોઈપણ મોટી ઉંમરની વ્‍યક્‍તિ ધારે તો પોતાના મનોબળથી કઈ હદ સુધીના શિખરો સર કરી શકે છે તેનું ઉત્તમ ઉદાહરણ રમેશભાઈએ પુરૂ પાડયું છે. જો કે ઘણાએ તેમના આ પ્રવાસને પાગલપણુ પણ ગણાવ્‍યું હતું. પરંતુ રમેશભાઇ કહે છે મેં મારું સપનુ સાકાર કર્યુ છે. હું કોઇને સુચન કરતો નથી કે આવા એકલા પ્રવાસ કરો, આમ છતાં હૈયે હામ હોય અને મારી મદદની જરૂર હોય તો હું માર્ગદર્શન આપી શકું છું. (મો. ૯૪૨૬૪ ૭૯૯૯૮) (૧૪.૧૧)

 

સપ્‍ટેમ્‍બર મહિનો આ રૂટના પ્રવાસ માટે વધુ અનુકુળ ગણી શકાય

હાલ લેહ લદાખ રૂટના રસ્‍તા ઘણા સારા બન્‍યા છે

ઞ્જ સ્‍કૂટર પર રાજકોટથી લેહ લદાખના પ્રવાસ માટે સપ્‍ટેમ્‍બર મહિનો વધુ અનુકુળ ગણાય છે. ત્‍યારે ટ્રાફિક ઓછો હોય, વાતાવરણ ખુબ સારુ હોય, ચોમાસુ પુરૂ થયુ હોઇ વરસાદ પણ મોટે ભાગે નડતો હોતો નથી.  લદાખના વાતાવરણમાં સામેલ થવા માટે પહેલી વખત જતાં હોય તેમણે શ્રીનગર થઇ રોકાણ કરી પછી લેહ લદાખ જવું વધુ યોગ્‍ય ગણાય છે. જો કે પહાડોમાં વાતાવરણ ક્‍યારે પલ્‍ટો મારે તે નક્કી હોતું નથી. તેમ રમેશભાઇ સભાયા કહે છે. ઓફરોડીંગ અને રીવર ક્રોસીંગનો પણ અકલ્‍પનીય અનુભવ એકટ્‍ીવા પ્રવાસમાં તેમને થયો હતો. રીવરમાંથી એક્‍ટીવા પસાર કરતી વખતે બૂલેટવાળા રાઇડર્સ પણ કયારેક અટકી જતાં હોય છે. જેમાં મારા એક્‍ટીવાએ મને ભરપુર સાથ આપ્‍યો હતો. રમેશભાઇ કહે છે પહેલાના સમય કરતાં હાલ આ રૂટના રસ્‍તાઓ ઘણા સારા બની ગયા છે, જેથી પણ ટુવ્‍હીલર મારફત પ્રવાસમાં મદદ મળે છે.

 

આ પ્રવાસમાં રમેશભાઇ સભાયાએ એક્‍ટીવામાં શું શું સાથે રાખ્‍યું હતું?

૨૦૧૮ના મોડેલના સ્‍કૂટરનું મિકેનીક પાસે ચેકઅપ કરાવ્‍યું હતું

ઞ્જરમેશભાઇ સભાયા કહે છે-લેહ લદાખના પ્રવાસે ટુવ્‍હીલર મારફત જવા માટે બે વર્ષ સુધી મિત્રો-ફ્રેન્‍ડ સર્કલને વાત કરી હતી. અમુક લોકો તૈયાર થઇ પછી માંડી વાળતા હતાં. પરંતુ મારો નિર્ણય દ્રઢ હોઇ કોઇ સામેલ ન થતાં હું એકલો જ તૈયારી કરીને નીકળી ગયો હતો.

એકટીવામાં મેં હવા ભરવાનો પોર્ટેબલ પંપ, પંકચર કીટ (ટયુબલેસ ટાયર માટે), ટૂલ કીટ, દસ લિટરનો પેટ્રોલનો કેરબો, જરૂરીયાત મુજબની દવાઓ, ઠંડીથી બચવા ફુલ ગરમ જેકેટ, થર્મલ, વીન્‍ડચીટર, માથાની ટોપી, હાથના મોજા, વરસાદથી બચવા રેઇનકોટ, સુકો નાસ્‍તો સહિત જરૂરીયાતની વસ્‍તુ સાથે લીધી હતી. આ ઉપરાંત પાવરબેંક ખાસ સાથે રાખી હતી. હેલ્‍મેટ વગર આ પ્રવાસ શક્‍ય નથી. એક્‍ટીવામાં મોબાઇલ ચાર્જ કરવા માટેનો ખાસ પોઇન્‍ટ અલગથી ફીટ કરાવ્‍યો હતો.  એકટીવા ૨૦૧૮ના મોડેલનું હતું. પરંતુ કંડીશન સુપર હોઇ મિકેનીક પાસે પુરતી ચકાસણી કરાવ્‍યા પછી મેં પ્રવાસની શરૂઆત કરી હતી.

 

મારા આ પ્રવાસની વાત સાંભળતા જ લોકોએ કહ્યું-તું પાગલ થઇ ગયો છો, તારે મરવા જવું છે કે શું?

પરિવારજનોને મનાવવામાં જ એક મહિનાનો સમય વીતી ગયો'તો

ઞ્જ૬૫ વર્ષિય યુવા રમેશભાઇ સભાયા કહે છે-આ રીતે એકટીવા પર લેહ લદાખના મારા પ્રવાસની વાત મેં સોૈ પહેલા ધર્મપત્‍નિને કરી હતી, પરંતુ સાંભળતા જ તેણે ના પાડી દીધી હતી. પછી મિત્રો, સગા કે બીજા કોઇને પણ વાત કરુ તો કહેતાં કે તું ગાંડો નથી થઇ ગયો ને? ત્‍યાં આ રીતે મરવા જવું છે કે શું? જો કે આ બધાના આવા વિરોધ વચ્‍ચે હું એક મહિનો તૈયારી કરતો રહ્યો હતો, મારી આ વાતને લોકો ગાંડપણ કહી હસી કાઢતા હતાં. પણ મારા મનમાં દ્રઢ નિヘય મેં કરી લીધો હતો કે કોઇપણ ભોગે હું મારી ઇચ્‍છા મુજબનો આ પ્રવાસ પુરો કરીને જ જંપીશ. અંતે પરિવારજનોએ મારા આ નિર્ણયને ટેકો જાહેર કર્યો હતો અને હસતાં મુખે મને વિદાય આપી હતી. તેમના સોૈની શુભેચ્‍છાઓ, વડીલોના આશીર્વાદ પણ મને આ દુર્ગમ પ્રવાસ પુરો કરવામાં મદદરૂપ થયા હતાં. કુદરત, ઇશ્વર પણ મારા આ પ્રવાસની દરેક ક્ષણે મારી સાથે હોવાનો અહેસાસ મને થતો રહેતો હતો.

 

૧૦૦ સીસીનું સ્‍કૂટર લઇ પ્રવાસ કરનાર હું પહેલોઃ રમેશભાઇ

મુંબઇના પ્રવાસીનો વિડીયો જોઇ તેમાંથી પ્રેરણા લીધી

ઞ્જ રમેશભાઇ સભાયા કહે છે-લેહ લદાખનો પ્રવાસ ૧૦૦ સીસીના વાહનમાં પુરો કર્યો હોય તેવા મારા ધ્‍યાને બે પ્રવાસી છે, જેમાં એક મુંબઇના પ્રવાસી ૧૨૫ સીસીનું એક્‍સેસ લઇને પ્રવાસ કરી ચુક્‍યા છે. જ્‍યારે મેં ૧૦૦ સીસીના એક્‍ટીવા પર આ પ્રવાસ પુરો કર્યો છે. યુ-ટયુબમાંથી આ માહિતી મને પ્રાપ્‍ત થઇ છે. મેં મુંબઇના પ્રવાસીનો યુ-ટયુબમાં વિડીયો જોયો પછી જ તેમાંથી મેં આ એકટીવાથી પ્રવાસની પ્રેરણા મેળવી હતી અને તેમાં સાકાર પણ થયો હતો.

 

 

 

હીમાચલ-ઉત્તરાખંડમાં ૧૮ ટ્રેકીંગ સફળતા પુર્વક કરી ચુક્‍યા છે

 ઞ્જહાલ નિવૃત જીવન જીવતાં ૬૫ વર્ષિય રમેશભાઇ સભાયા પોતાની ફીટનેસ જાળવી રાખવા શાકાહારી ભોજન લે છે અને દરરોજ ઓછામાં ઓછુ દસ કિલોમીટર વોકીંગ કરે છે.

અગાઉ હીમાચલ-ઉત્તરાખંડના ૧૪થી ૧૫ હજાર ફુટની ઉંચાઇ ધરાવતાં દુર્ગમ પહાડોમાં તેઓ યુથ હોસ્‍ટેલની સાથે ૧૮ ટ્રેકીંગ પણ સફળતા પુર્વક કરી ચુક્‍યા છે.

 

એકલા અટુલા આ પ્રવાસનો અંદાજીત ખર્ચ થયો ૩૫ હજાર રૂપિયા

ઞ્જએક્‍ટીવા પર રાજકોટથી લેહ લદાખના પ્રવાસમાં મારે પેટ્રોલનો ખર્ચ ૧૫ હજાર થયો હતો અને રહેવા જમવા સહિતનો અન્‍ય ખર્ચ સામેલ કરતાં આશરે ૩૦થી ૩૫ હજારનો ખર્ચ થયો હતો. એકલા રૂમ શેર કરવો, એકલા ભોજન મંગાવવા સહિતના ખર્ચ વધી જતાં હોય છે. વચ્‍ચે આવતાં ગામોના લોકો ખુબ જ માયાળુ હોય છે અને તેઓ આ રીતે નીકળતા પ્રવાસીઓને મહેમાન તરીકે આવકારે છે અને કોઇપણ પૈસા લીધા વગર રહેવા જમવાની વ્‍યવસ્‍થા કરી આપે છે એ મારો અનુભવ છે.

(2:46 PM IST)