<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 18th June 2026

'જિદ્દી બોય' ID પાછળ અફઝલનો ખેલ : પરિણીત મહિલાને પ્રેમજાળમાં ફસાવીને દુષ્કર્મ કરનાર જૂનાગઢના અફઝલ સીડાને ઝડપવા કવાયત તેજ

આરોપીઓ પીડિતાને ધોરાજી અને પોરબંદર બાજુ લઈ ગયા હતા અને ત્યાં દરગાહમાં નિકાહ પઢવા માટે સતત દબાણ કરી જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા

રાજકોટ શહેરમાં સોશિયલ મીડિયાના દુરુપયોગ અને બ્લેકમેઈલિંગની એક અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં એક પરિણીત મહિલાને પ્રેમજાળમાં ફસાવીને તેનું શારીરિક શોષણ કરવામાં આવ્યું છે. ઇન્સ્ટાગ્રામ જેવા પ્લેટફોર્મ પર ખોટી ઓળખ આપીને મહિલાઓ સાથે મિત્રતા કેળવ્યા બાદ તેમને બ્લેકમેઈલ કરતી ગેંગનો રાજકોટ તાલુકા પોલીસે પર્દાફાશ કર્યો છે. આ મામલે ઉચ્ચ પોલીસ અધિકારીઓની દેખરેખ હેઠળ સઘન તપાસ શરૂ કરવામાં આવી છે.

પોલીસના જણાવ્યા અનુસાર, જૂનાગઢના અફઝલ કારાભાઈ સીડા નામના શખ્સે ઇન્સ્ટાગ્રામ પર 'જિદ્દી બોય' નામનું નકલી એકાઉન્ટ બનાવ્યું હતું. આ આઈડી દ્વારા તેણે પરિણીતા સાથે મિત્રતા કરી અને પ્રેમજાળમાં ફસાવી હતી. આ ગુનામાં મોરબીની અનિશાબેન કાસમાણ નામની મહિલાએ મુખ્ય ભૂમિકા ભજવી હતી. અનિશાએ પીડિતા સાથે સોશિયલ મીડિયા પર નિકટતા વધારીને અફઝલ સાથે તેનો સંપર્ક કરાવ્યો હતો. ત્યારબાદ આરોપીઓ પરિણીતાને હોટલમાં લઈ ગયા હતા, જ્યાં અફઝલે દુષ્કર્મ આચરીને પીડિતાના વાંધાજનક ફોટો અને વીડિયો પણ ઉતારી લીધા હતા.

જ્યારે પીડિતાને અફઝલની સાચી ઓળખની ખબર પડી ત્યારે તેણે સંબંધો તોડી નાખ્યા હતા, પરંતુ ત્યાર પછી અસલી બ્લેકમેઈલિંગનો ખેલ શરૂ થયો હતો. અફઝલ, અનિશા, રવિ ગોસાઈ અને વિજય ચુડાસમા નામના શખ્સોએ વીડિયો વાયરલ કરવાની ધમકી આપી વારંવાર શારીરિક શોષણ કર્યું હતું. એટલું જ નહીં, આરોપીઓ પીડિતાને ધોરાજી અને પોરબંદર બાજુ લઈ ગયા હતા અને ત્યાં દરગાહમાં નિકાહ પઢવા માટે સતત દબાણ કરી જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા હતા.

રાજકોટ એસીપી બી.જે. ચૌધરીએ આ અંગે વિગતો આપતા જણાવ્યું કે, રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં આ અંગે નવીન કાયદા બીએનએસ (BNS) ની કલમ 64(1), 64(2) સહિતની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને મોરબીની અનિશાબેનની અટકાયત કરી લીધી છે. મુખ્ય આરોપી અફઝલ સીડાનો ગુનાહિત ઈતિહાસ ઘણો લાંબો છે. તે અગાઉ પણ ભાવનગરના ગંગાજળિયા પોલીસ સ્ટેશનમાં POCSO)અને ધમકીના ગુનાઓમાં સંડોવાયેલો છે અને હાલ પોલીસ પકડથી નાસતો ફરે છે જેને પકડવા ચક્રો ગતિમાન કરાયા છે.

(11:33 PM IST)