તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 29th October 2026
ચોટીલા દર્શન કરીને આવ્યા બાદ ૧૬ વર્ષની બાળા ઘરેથી નીકળ્યા પછી ગાયબ થઇ
જામનગર રોડ પર રહેતાં મુળ યુપીના યુવાનની ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં અપહરણની ફરિયાદ

રાજકોટ તા. ૨૯: શહેરમાંથી વધુ એક સગીરાના અપહરણ અને ગુમ થવાની ઘટના સામે આવી છે. મુળ ઉત્તર પ્રદેશના અને હાલ રાજકોટના જામનગર રોડ પર રહી પીઓપીની મજૂરી કરતાં પરિવારની ૧૬ વર્ષની દિકરી ગૂમ થતાં ગાંધીગ્રામ પોલીસે અપહરણનો ગુનો નોંધ્યો છે. ચોટીલાથી દર્શન કરીને આવ્યા બાદ તે નીકળી ગઇ હતી અને ગાયબ થઇ ગઇ હતી.
બાળાના પિતાએ પોતાની ફરિયાદમાં જણાવ્યા મુજબ તા.૨૧/૧૦ના રોજ વહેલી સવારે આશરે ત્રણેક વાગ્યે તેની ૧૬ વર્ષની દિકરી મોટા બાપાના પરિવાર સાથે ચોટીલા દર્શન કરવા ગઇ હતી અને બાદમાં સવારે આશરે સાડા આઠ વાગ્યા સુધીમાં તેઓ દર્શન કરીને પરત ઘરે આવી ગયા હતા. ત્યારબાદ સગીરાના પિતા પોતાના રોજના કામકાજ અર્થે ઘરેથી નીકળી ગયા હતા. સવારે દસેકે તેમની પત્નિનો ફોન આવ્યો હતો અને જણાવ્યુ હતું કે દિકરી ઘરે નથી અને કયાંક જતી રહી છે.
ઘટનાની જાણ થતાં જ પિતા તુરંત ઘરે પરત આવ્યા હતા અને આજુબાજુના વિસ્તારમાં, પાડોશમાં તથા સગા-સંબંધીઓને ત્યાં સગીરાની શોધખોળ આદરી હતી. પરંતુ તમામ જગ્યાએ તપાસ કરવા છતાં દિકરીનો કોઈ પત્તો લાગ્યો ન હતો. અંતે પોલીસને જાણ કરી હતી. ગૂમ થયેલી બાળાની ઉંચાઇ આશરે સાડાચારથી પોણા પાંચ ફુટની છે. તેણે દસો ધોરણ સુધી અભ્યાસ કર્યો છે. શરીરે પાતળા બાંધાની અને ઘઉંવર્ણી છે. ગૂમ થઇ ત્યારે ગુલાબી કુરતી, વાદળી જીન્સ પહેરેલા હતાં. પીઆઇ કે. કે. ગોહિલની રાહબરીમાં એએસઆઇ જે. એચ. જાડેજાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
(1:24 PM IST)










